અમરેલી શહેરમાં બિનાકા ચોકથી સોમનાથ મંદિર સુધી રોડ બનાવવાનો હોવાથી વાહનચાલકોએ વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવાનો રહેશે. આ અંગે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ ૩૩(૧)(બી) હેઠળ જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. રાધેશ્યામ ચોકડીથી સોમનાથ મંદિર થઈ લાઠી રોડ તરફ જતાં ભારે વાહનોએ સાવરકુંડલા ચોકડી થઈ લાઠી રોડ પર જવાનું રહેશે. જકાતનાકાથી લાઠી રોડ તરફ જતાં ભારે વાહનોએ સોમનાથ મંદિર અને રાધેશ્યામ ચોકડી થઈ પસાર થવાનું રહેશે. નાના વાહનચાલકોએ સોમનાથ મંદિરથી જૂની જેલ તરફ થઈ બી.એ.પી.એસ. મંદિર પાસેના માર્ગેથી સેન્ટર પોઇન્ટ પહોંચવાનું રહેશે. ચાવંડ અને લાઠી તરફથી સેન્ટર પોઇન્ટ થઈ સોમનાથ મંદિર તરફ જતાં મોટાં વાહનોએ લાઠી ચોકડીથી રાધેશ્યામ ચોકડી થઈ પસાર થવાનું રહેશે. આ જાહેરનામું તા. ૨૭ નવેમ્બર, ૨૦૨૬ સુધી અમલમાં રહેશે. જાહેરનામાનો ભંગ કરનાર સામે ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ ૧૩૧ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે.







































