મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત સરદાર વલ્લભભાઈ પટેલ (એસવીપી) હોસ્પિટલમાં સફાઈ અને હાઉસકીપિંગ કોન્ટ્રાક્ટને લઈને ગેરરીતિના આક્ષેપો સામે આવ્યા છે. હોસ્પિટલમાં સફાઈની સ્થીતિ અને કોન્ટ્રાક્ટ મુજબના સ્ટાફની હાજરી અંગે ફરિયાદો બાદ તંત્ર દ્વારા રાત્રિના સમયે સરપ્રાઈઝ ચેકિંગ કરવામાં આવ્યું હતું.
ચેકિંગ દરમિયાન કાગળ પર દર્શાવાયેલા સ્ટાફની સંખ્યા અને સ્થળ પર વાસ્તવિક હાજરી વચ્ચે તફાવત જોવા મળ્યો હોવાનું જાણવા મળે છે. કોન્ટ્રાક્ટ મુજબના સ્ટાફ કરતાં ઓછા કર્મચારીઓથી કામગીરી કરાવી પૂરા સ્ટાફના આધારે બિલ રજૂ કરવામાં આવ્યાં હતાંંં કે કેમ તે અંગે તપાસ હાથ ધરાઈ છે. આ મામલે કોન્ટ્રાક્ટર ઉપરાંત સંબંધિત અધિકારીઓની ભૂમિકા પણ તપાસાઈ શકે છે.
હાઉસકીપિંગ કામગીરીમાં ખામી બદલ અગાઉ ખાનગી એજન્સીઓ સામે નાણાકીય પેનલ્ટી કરવામાં આવી હોવાનું તંત્રના જણાવ્યા મુજબ સામે આવ્યું છે. વિશ્વા એન્ટરપ્રાઇઝ જેવી એજન્સી પર કામગીરીની ક્ષતિ બદલ મહિને આશરે રૂ.૧૦ લાખ સુધીની પેનલ્ટી ફટકારવામાં આવી હોવાની માહિતી છે.
હાલની તપાસના આધારે સંબંધિત એજન્સીને કારણદર્શક નોટિસ આપી ખુલાસો માગવાની તજવીજ છે. જવાબ અને તપાસનાંં તારણો બાદ આગળની કાર્યવાહી નક્કી થશે.
ભવિષ્યના હાઉસકીપિંગ કોન્ટ્રાક્ટમાં ગુણવત્તા જળવાય તે માટે વાર્ષિક ટર્નઓવર અને હોસ્પિટલ સફાઈના અનુભવ જેવા માપદંડો કડક બનાવવામાં આવ્યા છે. ઉપરાંત, દર્દીઓ અને તેમના સ્વજનો ગંદકીની તસવીર સાથે ફરિયાદ કરી શકે તે માટે ક્યૂઆર કોડ આધારિત ફરિયાદ વ્યવસ્થા અમલી બનાવવાની તૈયારી છે.
નોટિસ અને પેનલ્ટી છતાં કામગીરીમાં સુધારો નહીં થાય તો સંબંધિત એજન્સીને બ્લેકલિસ્ટ કરવાની કાર્યવાહી થઈ શકે છે. તપાસમાં જવાબદારી નક્કી થયા બાદ કોન્ટ્રાક્ટર તથા જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી થશે કે નહીં તે હવે મહત્વનું રહેશે.
સફાઈ મામલે કેટલાક પ્રશ્નો ઊભા થયા
– સરપ્રાઈઝ ચેકિંગમાં સ્ટાફની હાજરી અંગે ગેરરીતિના આક્ષેપ.
– કાગળ પરના અને વાસ્તવિક સ્ટાફમાં તફાવત.
– અગાઉ એજન્સીઓ સામે નાણાકીય પેનલ્ટી.
– વિશ્વા એન્ટરપ્રાઇઝ પર રૂ.૧૦ લાખ સુધીની માસિક પેનલ્ટીની માહિતી.
– કારણદર્શક નોટિસની તજવીજ.
– નવા ટેન્ડરમાં કડક લાયકાતના માપદંડ.
– ક્યુઆર કોડ આધારિત ફરિયાદ વ્યવસ્થા.
– સુધારો નહીં થાય તો બ્લેકલિસ્ટની કાર્યવાહી.








































