અમદાવાદ ટ્રાફિક પોલીસના વર્ષ ૨૦૨૧ થી જુલાઈ ૨૦૨૬ સુધીના સત્તાવાર રેકોર્ડ અનુસાર, ગુજરાતના વાણિજ્યક પાટનગર ગણાતા અમદાવાદ શહેરમાં માર્ગ અકસ્માતોની સ્થીતિ અત્યંત વિસ્ફોટક અને ચિંતાજનક સ્તરે પહોંચી ગઈ છે. આ સાડા પાંચ વર્ષના સમયગાળામાં શહેરમાં ૬,૦૦૦ થી વધુ ગંભીર માર્ગ અકસ્માતો સર્જાયા છે, જેમાં કુલ ૧,૬૩૪ નાગરિકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. જ્યારે ૩,૧૦૦ થી વધુ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈને દિવ્યાંગતા કે લાંબી શારીરિક પીડાનો ભોગ બન્યા છે. પબલ્લીક ટ્રાન્સપોર્ટ, કોમર્શિયલ હેવી વાહનો અને ખાનગી વાહનોના ડેટા દર્શાવે છે કે એસ.જી. હાઇવે, સિંધુભવન રોડ અને એસ.પી. રિંગ રોડ જેવા હાઇ-સ્પીડ કોરિડોર શહેરના સૌથી ખતરનાક અને જોખમી કોલિઝન ઝોન તરીકે ઉભરી આવ્યા છે, જ્યાં બેફામ વાહન ચલાવવાના કારણે સતત જીવલેણ અકસ્માતો થઈ રહ્યા છે.પ્રવાસ ગાઇડ વાંચો
શહેરમાં દોડતી સરકારી અને મ્યુનિસિપલ બસો પણ અકસ્માતોના કાળા આંકડામાં મોટો ભાગ ભજવી રહી છે. અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ,બસ રેપિડ ટ્રાન્જીટ સિસ્ટમ અને ગુજરાત રાજ્ય માર્ગ વાહનવહાર નિગમની બસો આ સમયગાળા દરમિયાન કુલ ૩૬૨ અકસ્માતોમાં સંડોવાયેલી હતી, જેમાં ૧૩૮ લોકોનાં મોત નીપજ્યાં હતાં. જેમાં એકલા બસો દ્વારા ૧૮૫ અકસ્માતો સર્જાયા હતા જેમાં ૬૨ લોકોના મોત થયા હતા, અને વર્ષ ૨૦૨૩ માં એક જ વર્ષમાં ૧૭ મોત સાથે આ આંકડો ટોચ પર પહોંચ્યો હતો. બીજી તરફ, અલગથી સુરક્ષિત માનવામાં આવતા બીઆરટીએસ કોરિડોરમાં પણ ૮૪ અકસ્માતોમાં ૩૭ લોકોનાં મોત થયાં છે. જ્યારે મ્યુનિસિપલ મર્યાદામાંથી પસાર થતી બસોથી ૩૯ લોકોએ જીવ ગુમાવ્યા છે. મોટાભાગની મ્યુનિસિપલ બસો ખાનગી કોન્ટ્રાક્ટરો દ્વારા સંચાલિત થાય છે, જ્યાં ડ્રાઇવરો પર ફિક્સ્ડ ટ્રિપ અને કડક સમયપત્રક પૂરું કરવાનું માનસિક દબાણ રહેતું હોવાના કારણે સ્પીડ વાયલેશન અને સિગ્નલ કૂદવાના બનાવો બને છે અને ઓપરેટરો સામે લઘુત્તમ દાવાઓ સિવાય કોઈ કડક જવાબદારી નક્કી થતી નથી.
શહેરમાં ઝડપી રિયલ એસ્ટેટ વિસ્તરણ અને માલસામાનની હેરફેરને કારણે ભારે વાહનોનો ત્રાસ પણ ચિંતાજનક રીતે વધ્યો છે. ડમ્પર, ફ્રેટ ટ્રક અને રેડી-મિક્સ કોંક્રીટ મિક્સર જેવા ભારે વાહનો દ્વારા ૨૦૨૧ થી જુલાઈ ૨૦૨૬ વચ્ચે ૫૨૧ અકસ્માતો સર્જાયા હતા, જેના કારણે ૨૭૦ લોકોનાં કરુણ મોત થયાં હતાં અને ૧૮૨ લોકો કાયમ માટે અપંગ કે ગંભીર રીતે ઘાયલ થયા હતા. દિવસના વ્યસ્ત સમયગાળામાં ‘નો-એન્ટ્રી’ના આદેશો હોવા છતાં, ભારે ડમ્પર અને ટ્રકો રાત્રે ૧૧ વાગ્યા પછી ધમધમતા રસ્તાઓ પર પૂરઝડપે દોડે છે. ડ્રાઇવરો વધારાની ટિપ અને કમિશન મેળવવા માટે ફિઝિકલ સ્પીડ ગવર્નર સાથે ચેડા કરે છે, અને નાઇટ શિફ્ટ દરમિયાન પૂરતી ઊંઘ ન મળવાને કારણે વહેલી સવારે માઇક્રો-સ્લીપના કારણે ભયાનક અકસ્માતો સર્જાય છે. સમગ્ર અકસ્માત અને મૃત્યુઆંકમાં ખાનગી વાહનો સૌથી મોટો હિસ્સો ધરાવે છે, જેમાં ૨૦૨૧ થી અત્યાર સુધીમાં ૫,૧૪૫ અકસ્માતોમાં ૧,૨૨૬ લોકોનાં મોત નોંધાયા છે. માત્ર ૨૦૨૬ ના પ્રથમ સાત મહિનામાં જ ૫૬૦ અકસ્માતોમાં ૧૧૮ લોકોએ જીવ ગુમાવ્યા છે. કાર ચાલકોની સરખામણીમાં ટુ-વ્હીલર ચાલકોને સૌથી વધુ મોતના મુખમાં ધકેલાવું પડ્યું છે, જ્યાં ૨,૨૩૬ અકસ્માતોમાં ૬૬૫ લોકોનાં મોત થયાં છે જ્યારે કારના ૨,૯૦૯ અકસ્માતોમાં ૫૬૧ મોત નોંધાયા છે. ટ્રાફિક સત્તાવાળાઓના મતે હેલ્મેટના નિયમોનું યોગ્ય પાલન ન કરવું એ માથામાં થતી ઘાતક ઈજાઓનું મુખ્ય કારણ છે. વ્યાપક રસ્તાઓ પર કાર અને મોટરસાઇકલ વચ્ચેની સ્પીડ અસમાનતા અને અચાનક લેન બદલવાની આદતો અકસ્માતોની ગંભીરતાને વધુ વધારે છે.