શહેરના કુબેરનગર વિસ્તારમાં નાસ્તાની લારી પર પૈસા ચૂકવવાના મુદ્દે થયેલો વિવાદ બાદ મારામારી અને તોડફોડની ઘટના સામે આવી છે. લારીધારકનો આક્ષેપ છે કે વહેલી સવારે ત્રણ યુવકો સાથે ૧૦ ઓછા આપવાના મુદ્દે બોલાચાલી થઈ હતી. ત્યારબાદ ત્રણેય યુવકો ફરી લારી પર આવ્યા હતા અને ગાળાગાળી કરી પથ્થર ફેંકવા ઉપરાંત લારીમાં તોડફોડ કરી હતી. આ ઘટનાને પગલે લારીધારક અને તેની પત્ની ગભરાઈ ગયા હતા.
મળતી માહિતી મુજબ, કુબેરનગર વિસ્તારમાં ઇશ્વર તોરાણી પોતાના પરિવાર સાથે રહે છે અને શ્રીરામ દૂધ ઘરની સામે દાળ-પકવાનની લારી ચલાવે છે. ૨૩ સપ્ટેમ્બરની વહેલી સવારે તેઓ અને તેમની પત્ની લારી પર હાજર હતા. આ દરમિયાન આશિયા ઉર્ફે ભૂરીઓ મારવાડી સહિત ત્રણ યુવકો નાસ્તો કરવા માટે આવ્યા હતા. નાસ્તાના પૈસા ચૂકવતી વખતે ૧૦ ઓછા આપવાના મુદ્દે બોલાચાલી થઈ હતી. બાદમાં ત્રણેય ત્યાંથી જતા રહ્યા હતા.
લારીધારકના જણાવ્યા પ્રમાણે, થોડા સમય બાદ ત્રણેય યુવકો ફરી લારી પાસે આવ્યા હતા. તેમની પાસે ધારદાર વસ્તુઓ હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. યુવકોએ લારીધારક અને તેમની પત્ની સાથે ગાળાગાળી કરી હતી અને પથ્થર ફેંકીને લારીમાં તોડફોડ શરૂ કરી હતી. ઘટનાને પગલે આસપાસના લોકો પણ એકઠા થઈ ગયા હતા. લારીધારકનું કહેવું છે કે અચાનક થયેલી આ બબાલને કારણે તેઓ અને તેમની પત્ની ગભરાઈ ગયા હતા. ત્યારબાદ સમગ્ર મામલે પોલીસ સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી.
ઘટના બાદ લારીધારક સરદારનગર વોર્ડના ભાજપના કોર્પોરેટર સન્નીખાન ચંદાણીની ઓફિસે પહોંચ્યો હતો અને સમગ્ર મામલે રજૂઆત કરી હતી. તોડફોડ કરનાર યુવકો પૈકી એક યુવક કોર્પોરેટરની ઓફિસની નજીકમાં જ રહેતો હોવાનું જણાવાયું હતું. જેથી કોર્પોરેટરે તેને બોલાવીને ઘટનાને લઈને વાત કરી હતી. આ દરમિયાન યુવક અને કોર્પોરેટર વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. Âસ્થતિ વધુ ન વણસે તે માટે પોલીસને જાણ કરવામાં આવી હતી. જાણ થતાં સરદારનગર પોલીસ સ્થળ પર પહોંચી હતી. કોર્પોરેટર સન્નીખાન ચંદાણીએ જણાવ્યું હતું કે લારીવાળો તેમની પાસે રજૂઆત કરવા આવ્યો હતો. લારીવાળાએ મારામારી થઈ હોવાની વાત કરતાં તેમણે સંબંધિત યુવકને બોલાવીને આ મામલે ઠપકો આપ્યો હતો. કોર્પોરેટરના જણાવ્યા પ્રમાણે, યુવક ઉગ્ર રીતે બોલાચાલી કરવા લાગ્યો હતો, જેથી પોલીસને જાણ કરવામાં આવી હતી. કોર્પોરેટરે વધુમાં જણાવ્યું હતું કે યુવક નશાની હાલતમાં હોવાને કારણે વધુ બોલાચાલી કરતો હોવાનું જણાતું હતું અને ત્યારબાદ પોલીસ સ્થળ પર આવી હતી.આ સમગ્ર મામલે લારીધારક દ્વારા સરદારનગર પોલીસ સ્ટેશનમાં અરજી કરવામાં આવી છે. મારામારી અને તોડફોડના આક્ષેપોને લઈને પોલીસ દ્વારા હાલ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી હોવાનું જાણવા મળે છે.