પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકામાં એક રિક્ષાચાલકે સગીરાને પ્રેમજાળમાં ફસાવી તેની સાથે દુષ્કર્મ આચર્યું હોવાની આઘાતજનક ઘટના સામે આવી છે. આરોપીએ સગીરાના વાંધાજનક ફોટા પાડી બ્લેકમેલ કરી તેની સગાઈ તોડાવવા મજબૂર કરી હતી. અંતે ભોગ બનનાર સગીરાએ હિંમત કરી કકાસણ ગામના પરિણીત શખસ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ, ધોરણ ૯ સુધી અભ્યાસ કરનાર સગીરા તેની માતા સાથે લગ્ન પ્રસંગોમાં રસોઈ પીરસવાના કામમાં જતી હતી. આ દરમિયાન કકાસણ ગામનો રિક્ષાચાલક રણજીત મેઘાજી ઠાકોર લોકોને લાવવા-મૂકવા આવતો હોવાથી સગીરા સાથે તેનો પરિચય થયો હતો. રણજીત પોતે પરિણીત હોવા છતાં, તેણે પોતાની પત્નીને છૂટાછેડા આપી સગીરાને પત્ની તરીકે રાખવાની લાલચ આપી તેને વિશ્વાસમાં લીધી હતી.
આશરે એક વર્ષ પહેલા આરોપી રણજીતે સગીરાને એકાંતમાં લઈ જઈ તેની મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધ્યો હતો અને આ સમયે સગીરાના વાંધાજનક ફોટા પોતાના મોબાઈલમાં પાડી લીધા હતા. બાદમાં જ્યારે સગીરાની સગાઈ બીજે નક્કી થઈ, ત્યારે આરોપીએ આ ફોટા વાયરલ કરવાની ધમકી આપી બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું હતું. આ ડરને કારણે સગીરાએ પોતાની સગાઈ પણ તોડી નાખી હતી.
બે માસ અગાઉ આરોપી ફરીથી સગીરાને રિક્ષામાં બેસાડી એક ઘરનાળા નીચે લઈ ગયો હતો અને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. આ સમયે સગીરાના પિતા ત્યાં પહોંચી જતાં સમગ્ર કરતૂત સામે આવી હતી. જ્યારે સગીરાએ આરોપીને લગ્ન કરવા કહ્યું, ત્યારે તેણે પોતાની પત્નીને છૂટાછેડા આપવાની ના પાડી દીધી હતી. અંતે આરોપીના ત્રાસથી કંટાળીને સગીરાએ માતા સાથે પોલીસ સ્ટેશન પહોંચી રણજીત ઠાકોર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
ચાણસ્મા પોલીસે આ મામલે આરોપી રણજીત મેઘાજી ઠાકોર વિરુદ્ધ દુષ્કર્મ અને પોક્સો એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી તેની ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા છે.