ગોંડલ શહેરમાં ગત રાત્રે મારામારીની એક ઘટના બની હતી. ધોકા સાથે આવેલા શખ્સોએ જાહેરમાં આતંક મચાવ્યો હતો, જેમાં બે યુવકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે, જેના આધારે પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. ગોંડલના હાર્દ સમાન કૈલાસ કોમ્પ્લેક્સ વિસ્તારમાં ગઈકાલે રાત્રે આશરે ૯ઃ૩૦ વાગ્યે અચાનક અફરાતફરી મચી ગઈ હતી. વિનાયક મોબાઈલ પાસે ૨ થી ૩ જેટલા અજાણ્યા શખ્સોએ ધોકા સાથે ગૌરવ ભરતભાઇ જોષી નામના યુવક પર હુમલો કર્યો હતો. આ દરમિયાન વચ્ચે છોડાવવા પડેલા હરદીપ ચંદ્રકાંતભાઈ માંડલીયા નામના યુવકને પણ આરોપીઓએ બેરહેમીથી માર માર્યો હતો. હુમલાખોરોએ માત્ર યુવકોને જ નહીં, પરંતુ ત્યાં પાર્ક કરેલા ગૌરવભાઈના બુલેટમાં પણ તોડફોડ કરી નુકસાન પહોંચાડ્‌યું હતું. ઇજાગ્રસ્ત બંને યુવકોને તાત્કાલિક લોહીલુહાણ હાલતમાં ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે ગોંડલની વાડોદરિયા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે, સૂત્રો અને પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, નાની બજારમાં આવેલી એક દુકાન ખાલી કરાવવા બાબતે ચાલી રહેલી માથાકૂટ આ હિંસક હુમલાનું કારણ બની છે.