સુપ્રીમ કોર્ટે રાજસ્થાનમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની હદમાં આવેલી હાઇવે પરથી ૧,૧૦૨ દારૂની દુકાનોને ખસેડવા પર સ્ટે આપ્યો છે. સુપ્રીમ કોર્ટે રાજસ્થાન હાઇકોર્ટના ૨૪ નવેમ્બર, ૨૦૨૫ ના રોજ રાષ્ટ્રીય અને રાજ્ય ધોરીમાર્ગોથી ૫૦૦ મીટરની અંદર આવેલી દારૂની દુકાનોને હટાવવા અથવા સ્થાનાંતરિત કરવાના આદેશ પર સ્ટે આપ્યો છે, ભલે તે મ્યુનિસિપલ અથવા સ્થાનિક સંસ્થા વિસ્તારોમાં સ્થિત હોય.
રાજસ્થાન સરકાર અને અન્ય લાઇસન્સ ધારકો દ્વારા દાખલ કરાયેલી અરજીની સુનાવણી દરમિયાન ન્યાયાધીશ વિક્રમ નાથ અને ન્યાયાધીશ સંદીપ મહેતાની બેન્ચે સોમવારે આ આદેશ આપ્યો હતો.
જાકે, કોર્ટે માર્ગ અકસ્માતોમાં વધતા મૃત્યુ અને નશામાં વાહન ચલાવવાના જાખમોને પણ સ્વીકાર્યા. બેન્ચે જણાવ્યું હતું કે હાઇકોર્ટની ચિંતાઓ “સંપૂર્ણપણે માન્ય” હતી, પરંતુ ઉમેર્યું હતું કે આ વ્યાપક દિશાનિર્દેશોની વધુ નજીકથી તપાસ કરવાની જરૂર છે, ખાસ કરીને કેટલાક કિસ્સાઓમાં મૂળ પ્રતિબંધને હળવા કરનારા સુપ્રીમ કોર્ટના અગાઉના નિર્ણયોના પ્રકાશમાં.
રાજસ્થાન સરકારનું પ્રતિનિધિત્વ કરતા સોલિસિટર જનરલ તુષાર મહેતા અને એડિશનલ એડવોકેટ જનરલ શિવ મંગલ શર્માએ સોમવારે સુપ્રીમ કોર્ટમાં દલીલ કરી હતી કે હાઇકોર્ટે ૫૦૦ મીટરનો કઠોર અને સંપૂર્ણ પ્રતિબંધ ફરીથી લાદ્યો છે, જે તમિલનાડુ રાજ્ય વિરુદ્ધ કે. બાલુ કેસમાં તેના સીમાચિહ્નરૂપ નિર્ણય પછી સુપ્રીમ કોર્ટે જારી કરેલા બંધનકર્તા સ્પષ્ટીકરણોથી વિપરીત છે.
આ અરજીમાં હાઇકોર્ટના ૨૪ નવેમ્બર, ૨૦૨૫ના આદેશને પડકારવામાં આવ્યો હતો. તેના વચગાળાના આદેશમાં, રાજસ્થાન હાઇકોર્ટની જાધપુર બેન્ચે રાજ્યને રાષ્ટ્રીય અને રાજ્ય ધોરીમાર્ગોથી ૫૦૦ મીટરની ત્રિજ્યામાં સ્થિત તમામ દારૂની દુકાનોને ઓળખવા, દૂર કરવા અને સ્થાનાંતરિત કરવાનો નિર્દેશ આપ્યો હતો, પછી ભલે તે મ્યુનિસિપલ મર્યાદા, સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓ અથવા વૈધાનિક વિકાસ સત્તાવાળાઓમાં આવતી હોય.