રાજકોટ મહાનગરપાલિકાના વધુ એક પદાધિકારી દ્વારા પોતાના પરિવારની માલિકીની જમીન ઉપર નિયમોની વિરુદ્ધ બાંધકામ કરવામાં આવી રહ્યું હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. થોડા દિવસો પૂર્વે રાજકોટના મેયર નયનાબેન પેઢડિયાના પતિ દ્વારા સૂચિતની જમીન ઉપર મહાનગરપાલિકાની કોઈપણ જાતની પરવાનગી વગર બાંધકામ કરવામાં આવી રહ્યું હતું. જે મામલે મીડિયા દ્વારા અહેવાલ પ્રસારિત કરવામાં આવતા તાત્કાલિક અસરથી ટાઉન પ્લાનિંગ વિભાગ દ્વારા બાંધકામ બંધ કરવામાં આવ્યું હતું. ત્યારે હાલ સ્ટેન્ડીગ કમિટીના ચેરમેન પર ગેરકાયદે બાંધકામના આક્ષેપો થઈ રહ્યા છે.
વિગતે વાત કરીએ તો, તાજેતરમાં રાજકોટ મહાનગરપાલિકાની પાંચ વર્ષની ટર્મ પૂર્ણ થવા પૂર્વે બોલાવવામાં આવેલા ખાસ જનરલ બોર્ડ પહેલાં રાજકીય ગરમાવો જાવા મળ્યો હતો. વિરોધ પક્ષના નેતા વશરામ સાગઠિયાએ મેયર અને સ્ટેન્ડીગ કમિટી ચેરમેન પર ગેરકાયદે બાંધકામના આક્ષેપો કરતા બોર્ડની બહાર વિરોધ નોંધાવ્યો હતો. સાગઠિયાએ ‘મેયર બાદ સ્ટેન્ડીગ ચેરમેનનું ગેરકાયદે બાંધકામ’ લખેલા બેનરો દર્શાવી વિરોધ પ્રદર્શન કર્યું હતું.
સાગઠિયાએ આરોપ લગાવ્યો હતો કે, વોર્ડ નંબર ૮ની પંચવટી સોસાયટી, શેરી નંબર ૨માં બગીચાની નજીક સ્ટેન્ડીગ ચેરમેન જયમીન ઠાકર દ્વારા માર્જિનની જગ્યા રાખ્યા વગર ગેરકાયદે બાંધકામ કરવામાં આવી રહ્યું છે. સાગઠિયાના જણાવ્યા મુજબ તેઓ જાતે સ્થળ પર તપાસ કરવા ગયા હતા, જ્યાં કામ કરતા મજૂરોએ આ મકાન જયમીન ઠાકરનું હોવાનું જણાવ્યું હતું. તેમણે પ્રશ્ન ઉઠાવ્યો હતો કે, જા આ મકાન તેમના બહેનના નામે હોવાનું કહેવામાં આવે છે, તો શું નિયમોનું પાલન કર્યા વગર બાંધકામ કરવાની છૂટ આપવામાં આવી શકે?
જાકે જેમના પર આરોપ લાગ્યા છે એ સ્ટેનડીગ કમિટી ચેરમેન જયમીન ઠાકરે આ તમામ આક્ષેપોને નકારી કાઢ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે તેમની પત્નીના નામે આવેલો પ્લોટ સંપૂર્ણપણે કાયદેસર છે અને તેના પર કોર્પોરેશનના નિયમો મુજબ જ મકાનનું બાંધકામ કરવામાં આવી રહ્યું છે. ઠાકરે કહ્યું કે તેઓ વ્યવસાયે બિલ્ડર હોવાથી બાંધકામ સંબંધિત નિયમોથી વાકેફ છે અને તેમણે એક ફૂટનું પણ ગેરકાયદે બાંધકામ કર્યું નથી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, નવા ટાઉન પ્લાનિંગ એક્ટના જીડીસીઆર મુજબ જરૂરી માર્જિન પણ રાખવામાં આવ્યું છે. વિપક્ષને પ્રશ્નો પૂછવાનો અધિકાર છે, પરંતુ તમામ નિયમોનું પાલન કરવામાં આવ્યું છે અને જરૂરી હોય તો તેઓ પુરાવા રજૂ કરવા પણ તૈયાર છે.









































