બગસરા નગરપાલિકાના કર્મચારીઓ પાંચ માસથી પગાર પેન્શન વિહોણા હોય અંતે ચીફ ઓફિસરને કર્મચારીઓ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. બગસરા નગરપાલિકામાં છેલ્લા ઘણા સમયથી કર્મચારીઓનો પગાર કે પેન્શન સમયસર ન થતા હોવાની ફરિયાદો વારંવાર ઊઠતી હોય છે આ વખતે પાંચ પાંચ માસના પગાર અને પેન્શન ચડત થઈ ગયા છે જેના હિસાબે લોકોને પોતાના ઘર ચલાવવા પણ મુશ્કેલ બની ગયા છે. આવી વિકટ પરિસ્થિતિ હોવા છતાં કોઈ નિર્ણય ન થતા નાછૂટકે કર્મચારીઓએ ચીફ ઓફિસરને આવેદનપત્ર આપ્યું હતું. આ કપરી પરિસ્થિતિને કારણે કર્મચારીઓને ઘર ચલાવવામાં પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. કર્મચારીઓના જણાવ્યા મુજબ નગરપાલિકામાં ગ્રાન્ટ ના હોવાના બહાના દેવામાં આવે છે હકીકતમાં ઓક્ટ્રોય અવેજી ગ્રાન્ટમાંથી પગાર કરવાના હોય છે જયારે પાલિકાના સત્તાધીશો દ્વારા અન્ય જગ્યાએ ગ્રાન્ટ વાપરી નાખવામાં આવે છે તો આ બાબતે સરકારમાં યોગ્ય રજૂઆત કરી તાત્કાલિક પગાર થાય તેવી માંગ કરી હતી સાથે સાથે પાલિકામાં અમુક કર્મચારીઓને સાતમા પગાર પંચ મુજબ જ્યારે અમુક કર્મચારીઓને છઠ્ઠા પગાર પંચ મુજબ પગાર ચૂકવાય છે. આવી વિસંગતતા હોવાના આક્ષેપો કર્યા હતા.

પાલિકાના શાસકો રાજકીય મેળાવડામાં વ્યસ્ત
બગસરા નગરપાલિકાના કર્મચારીઓ છેલ્લાં પાંચ માસથી પગાર વિહોણા છે ત્યારે પાલિકાના શાસકો કર્મચારીઓની મદદ કરવાને બદલે રાજકીય મેળાવડામાં વ્યસ્ત બન્યા છે. પાલિકાના શાસકોમાં જાણે શરમનો છાંટોય ન હોય તેમ ભાજપની દરેક મિટિંગમાં કેસરિયા ખેસ ધારણ કરી ફોટો સેશન કરાવવા ઉમટી પડયા છે. કર્મચારીઓના ઘરનું ગાડુ કેમ ચાલતુ હશે તેવો કોઈ સદસ્ય વિચાર કરતો નથી. સરકારી કામમાં ટકાવારી નક્કી કરતા સદસ્યો દ્વારા કર્મચારીઓ અને પેન્શનરોને પગાર મળે તે બાબતે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. રાજકીય નેતા બગસરામાં આવે એટલે હરખપદૂડા સદસ્યો માત્ર ફોટા પડાવવા માટે દોડી જાય છે. પાલિકા સદસ્યોની આવી નીતિને કારણે જ કર્મચારીઓના ઘરનો ચૂલો સળગતો નથી.

વર્ગ-૪ના કર્મચારીઓ માટે કોઈ આગળ આવશે ખરૂ?
બગસરા નગરપાલિકામાં કામ કરતા વર્ગ-૪ના કર્મચારીઓ, રોજમદારો અને પેન્શનરો છેલ્લાં પાંચ માસથી પગાર વિહોણા છે ત્યારે આ બાબતે શહેરના માયકાંગલા નેતાઓ માત્ર મૂકતમાશો જાઈ રહ્યાં છે. કર્મચારીઓ છેલ્લાં પાંચ માસથી વગર પગારે પાલિકામાં કામ કરી રહ્યાં છે ત્યારે આ કર્મચારીઓને પગાર મળે તે માટે કોઈ રાજકિય નેતા કે સામાજિક સંસ્થા આગળ આવશે ખરૂં? તેવો સવાલ ઉઠવા પામ્યો છે.