(1) પહેલા તાળું બન્યુ કે ચાવી ??

મહેશ સિધ્ધપુરા (બાબરા)

આ બન્ને પહેલા ચોર બન્યા.

(2)ઉતરાયણ પર પતંગ ચગાવવાની પ્રથાનું મહત્વ જાણો છો?

ચાંદની એસ. હિરપરા(તરઘરી)

પ્રથાનું મહત્વ નથી જાણતો પણ મહત્વની પ્રથા છે એ જાણું છું.

(3) નાનીમા મમ્મી કરતા મોટા હોવા છતાં નાની શું કામ કહેવાય?

બરેવાલ સના (બાબરા)

મને તો આમાં ભાષાદોષ લાગે છે. નાનીમા નહિ પણ માની મા હોવું જોઈએ.

(4)આશારૂપી પોટલામાં એવું તે શું ભર્યું હશેં કે એને કોઇ  છોડી શકતાં નથી?

કનુભાઈ લિંબાસિયા ‘કનવર’  (ચિત્તલ)

આશા કોબી જેવી છે. કોબીના પાન કાઢીએ તો અંદર કાંઈ ન નીકળે એમ આશાનું પોટલું ખોલીએ તો કાંઈ ન નીકળે. બાય ધ વે, તમને સાવ આવા જવાબની આશા નહોતીને?

(5)લગ્નમાં વર કરતાં અણવરને  લક્ષ્યમાં રાખીને જ કેમ ફટાણા ગવાય છે?

શંભુ ખાંટ ‘અનિકેત’ (પાટયો-અરવલ્લી)

લગ્નવિધિમાં અણવરને સાંભળવા સિવાય બીજું ખાસ કાંઈ કામ નથી હોતું. અને સાંભળે એને સૌ  સંભળાવે..!

(6)રાજકારણીઓને  ટિકિટ મળે તો દેશ બદલવાની વાત કરે  અને ટિકિટ ના મળે તો પક્ષ  બદલે છે. આવું કયાં સુધી ચાલશે?

ડાહ્યાભાઈ ઝ. આદ્ગોજા(લીલિયા મોટા)

દેશ બદલશે ત્યાં સુધી!

(7)ટીવી  ચોરસને બદલે ગોળ હોય તો ન ચાલે?

ઉન્નતિ મહેતા(રાજકોટ)

ચાલે પણ એમાં એક તકલીફ થાય. ચેનલનું નામ ક્યાં લખવું?

(8)નહાતી વખતે સાબુ હાથમાંથી છટકી ન જાય એવો કોઈ ઉપાય ખરો?

ગૌરાંગ ત્રિવેદી (પાટણ)

બાથરૂમમાં સ્ટેન્ડ લગાવી સાબુ એમાં ફિટ કરી દો.પછી એની સાથે શરીર ઘસજો.

(9) રાખમાં અને લાખમાં શું ફેર?

જય દવે (ભાવનગર)

છાણાં અને નાણાંનો..!

(10) હું આ શિયાળામાં પણ બે ડોલ ઠંડા પાણીથી સ્નાન કરું છું. મને શાબાશી તો આપો?

ધીરજ પટેલ (સુરત)

શાબાશી નહિ, ઠપકો આપવાનો છે… એક ડોલ પાણીથી ચાલે એમ નથી?

(11) આ શિયાળાનું છાણું ભેગુ કર્યું કે નહિ !

-નિતુલ દિનેશભાઈ ડાભી (બાબરા)

રોજ ભેગું કરું છું અને રોજ ઠંડી ઉડાડવા એ છાણાંનું તાપણું કરી તાપી નાખું છું.

(12) બાળક અને વૃદ્ધ બન્ને સરખા હોય છે એની કોઈ સાબિતી?

રામભાઈ પટેલ (સુરત)

રેલવેમાં બાળક અને વૃદ્ધ બન્નેને ટિકિટમાં રાહત મળે છે.

(13) સતત ટપકતો નળ બંધ કરવા શું કરવું?

રમેશ સોજીત્રા(મુંબઇ)

હું તો કહું છું કે અત્યારે જ ઉપર જઈને આખો ટાંકો ખાલી કરી નાખો. પછી શું ધૂળ ટપકશે?!

(14) લોકોના ફોટો પડાવવાના શોખ વિશે શું કહેશો?

મયુર સોલંકી (જૂનાગઢ)

શું કહું? હમણાં એક લગ્નમાં ફોટો પડ્યો તરત  વરરાજાએ હાથમાં લીધેલું જળ જમીન પર મૂકી દીધું! ગોરદાદા અડધી કલાક વરરાજાને અને પંદર મિનિટ કેમેરાવાળાને ખીજાણા.

(15) તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા- વાળા પોપટલાલના લગ્ન ક્યારે થશે?

જનકભાઈ શાહ (ભુજ)

આ વર્ષે તો નહીં થાય કેમ કે એ ધામધૂમથી લગ્ન કરવા માગે છે અને અત્યારે એના પર પ્રતિબંધ છે.