લગ્ન કરવાનું કામ જેટલું સરળ છે, એટલું જ કઠિન તે બંધનને પરસ્પર વિશ્વાસપૂર્વક સુખેથી નિભાવવાનું છે. એટલા માટે જ લગ્નના પ્રથમ દિવસથી જ ખૂબ સાવચેતીથી રહેવું જરૂરી બની જાય છે. મહિલાઓ આ બાબતમાં સજાગ રહે તે વધારે જરૂરી છે. નવપરિણીતાએ તો એ વાત ખાસ ધ્યાનમાં રાખવી જોઇએ કે લગ્ન પછી કયાંક એવી ભુલ તેમનાથી ન થઇ જાય કે જેથી જીવનભર પસ્તાવું પડે. લગ્નના પ્રથમ દિવસથી જ એવું ન સમજી લેવું કે તમારા પતિ સપનાના રાજકુમાર છે. સાસરે જતાં જ તમારી પસંદગી અને રૂચિ પતિ પર લાદવાનું શરૂ ન કરી દો. તેના વર્તન અને પહેરવેશ પર વાંધા ઊભા ન કરો. આજ સુધી આ જ પહેરવેશ તેની પસંદ બનેલ હોય એટલે તમને ન ગમે તો તાત્કાલિક કહેવાને બદલે ધીમે ધીમે તમારી પસંદમાં ઢાળવાની રીત અપનાવો. બની શકે કે તમારી પસંદની બાબતમાં પણ તમારા પતિ આવું જ વિચારતા હોય.
દરેક ઘરની રીત અલગ અલગ હોય છે. ઘણા ઘરમાં વધારે પડતી સ્વચ્છતાના આગ્રહી હોય છે. ઘરમાં અસ્તવ્યસ્ત
પડયું હોય તો ગમતું નથી. આવી સ્થિતિમાં તમારે તે વાતાવરણમાં તમારી જાતને ઢાળવી પડશે. કદાચ આનાથી ઉલટી પરિસ્થિતિ પણ હોઇ શકે. જેમ કે તમે સ્વચ્છતા પ્રિય હો અને ઘરમાં બધા બેદરકાર હોય ત્યારે ગુસ્સો કરવાને બદલે ધીરે ધીરે બધું વ્યવસ્થિત કરવાનો પ્રયત્ન કરો. શરૂઆત તમારા રૂમથી કરો, પછી ડ્રોઇંગરૂમ વ્યવસ્થિત કરો. ધીમે ધીમે બધાને સ્વચ્છતા ગમવા લાગશે એટલે બધા તમારા પગલાંને આવકારશે.
એ વાત યાદ રાખો કે તમે એ ઘરના વહુ છો, એટલે ઘરના પ્રત્યેક વ્યકિતની તમારી પાસેથી અલગ અલગ અપેક્ષા હશે. બની શકે કે ભણતર અને પછી કદાચ જોબના કારણે તમને ઘરના કામની આદત ન હોય, આવુ હોય તો ધીમે ધીમે આદત પાડો ઘરની રહેણીકરણી જુઓ અને કામની આદત પાડો. લગ્નના શરૂઆતના દિવસોમાં કામની વધારે જવાબદારી ન હોય ત્યારે ઘરના બીજા સભ્યો કે સાસુને કામમાં મદદ કરો આનાથી કામની આદત પડશે, અને સાસુ-વહુ વચ્ચે મેળ વધશે.
ઘરે આવતા જતા મહેમાનને જોઇને મોઢું ન બગાડતા. તમે હમણાં ઘરમાં આવ્યા છો, પણ ઘરના સંબંધ તો પહેલેથી જ હોય ને.. એ પણ યાદ રાખો કે હવે તમારા સગા પણ ઘરમાં મહેમાન બનીને આવશે સ્વાભાવિક છે કે તમે એમ જ ઈચ્છતા હો કે ઘરના બધા તમારા સગા સાથે સારીરીતે વર્તન કરે. તો તમે પણ અન્ય મહેમાન સાથે સારૂં વર્તન જ કરો.
તમે નોકરી કરતા હો તો, લગ્ન પછી તેને પ્રતિષ્ઠાનો પ્રશ્ન ન બનાવો. કોઇ કારણસર નોકરી મૂકવી પડે તો ઝઘડાનું કારણ ન બનાવો. વ્યકિતગત કામકાજને પ્રાથમિકતા ન આપો. સાસરિયા ગમે તેટલા સુધરેલા હશે છતાં વહુ પાસે કામની આશા તો રાખશે જ. નોકરી કરતા હો તો પણ ઘરના કામની જવાબદારી ઉપાડો. વહુ ઘરમાં આવે એટલે બધાની અપેક્ષા એ જ હોય છે કે તે હવે કામની જવાબદારી ઉપાડે.
સાસરિયામાં આર્થિક ભીંસ હોય તો સમાધાનકારી વલણ અપનાવો. આજકાલની યુવતીઓ ફિલ્મમાં બતાવે છે તેવા સંસારના સપના જોવે છે. અને તે પ્રમાણે જીવવાની આશા રાખતી હોય છે, પણ યાદ રાખો કે ફિલ્મ કાલ્પનિક છે. લગ્ન પહેલા તમે એક યુવતી હતા. લગ્ન થતા જ તમારૂં વ્યકિતત્વ ઘણા ભાગમાં વહેંચાય જાય છે. બધા સાથે અલગ અલગ સંબંધથી જોડાઈ જાય છે.
તમને લાગતું હોય કે તમારી સુઘડતા, કાર્યક્ષમતા અને યોગ્યતાને આધારે તમે ઘરની કાયાપલટ કરી શકો તેમ છો, ઘરને વ્યવસ્થિત બનાવો, ખોટા ખર્ચ રોકી શકો છો અને ઘરને સ્વર્ગ બનાવી શકો છો, તો ઘરની બધી જવાબદારી ઉપાડી લો. થોડા સમયમાં પતિ-સાસુ અને ઘરને અન્ય સભ્યોની નજરમાં તમારા માટે માન ઉભરાશે. બધા તમારા વખાણ કરશે.
જો કયારેક સાસરિયામાં તમારા પિયરનું ઘસાતું બોલતું હોય તો સાંભળીને અકળાઈ ન જતા. વસ્તુસ્થિતિ સમજવાનો પ્રયત્ન કરો. બની શકે કે જે બોલાઈ રહ્યું હોય તેમાં થોડી ઘણી સચ્ચાઈ પણ હોય અથવા કંઇક ગેરસમજ થઇ હોય. પહેલા વાતને શાંતિથી સાંભળો, સમજો અને પછી તેનું સ્પષ્ટીકરણ વિવેકપૂર્ણ રીતે કરો. પિયરની બાબતે સાસરામાં ઝઘડી પડવું સારું નથી, પણ વાત વધી જાય તો સારા શબ્દોમાં કંઇક તો કહેવું જ પડે, કારણ કે એટલી નમ્રતા પણ સારી નહી કે જેથી નબળાઈ લાગે.
લગ્ન પછી સુખી લગ્નજીવનના સપનાને યથાર્થ કરવાનો પ્રયત્ન કરો. પછી ભલેને તેના માટે કંઇક ત્યાગ કરવો પડે. તમે ભલે બધા કરતા બધી રીતે ચડિયાતા હો, પણ કોઇને તમારાથી ઉતરતા સમજવાની ભૂલ ન કરતા, એ જ સફળ સુખી દાંપત્યજીવનનો માર્ગ છે. deepa_soni1973@yahoo.com