મત કોને આપવો એ અંગે સામાન્ય જનના વિવિધ માપદંડો હોઈ શકે છે. પણ મતદાર દ્વારા જોવામાં આવતા બે ત્રણ માપદંડો ખુબ અગત્યના છે. મતદારોનો એક વર્ગ પક્ષ અને તેની નીતિઓ કે વિચારધારાને વરેલો હોય છે. એ પક્ષ દ્વારા અમલમાં મુકવામાં આવતી કે આવનારી ટૂંકા અને લાંબા ગાળાની નીતિઓ અને વિચારધારા આધારે મત આપે છે. એ લાંબા ગાળાનો ટેકેદાર બની રહે છે. તેને ઉમેદવારથી કોઈ ફરક પડતો નથી. ઉમેદવારની જ્ઞાતિ જાતિ બાબત પણ કોઈ ફરક પડતો નથી. જેમકે ભાજપ દ્વારા રામમંદિર, ૩૭૦ જેવા મુદ્દાઓ વર્ષોથી એજન્ડામાં સમાવવામાં આવતા ધીમે ધીમે એક બહુ સંખ્યામાં હિંદુ વર્ગ તેનો કાયમી ટેકેદાર બન્યો, જે અત્યાર સુધી અન્ય મુદ્દાઓ આધારે વોટ કરી રહ્યો હતો. બીજી બાજુ કોંગ્રેસની અલ્પસંખ્યક વર્ગને લાભ આપતી નીતિઓ દ્વારા મોટાભાગનો અલ્પસંખ્યક વર્ષો સુધી કોંગ્રેસ સાથે જોડાયેલો રહ્યો હતો. ભાજપની બે ટર્મની સરકારે ડાયરેક્ટ ડીલીવરી સિસ્ટમ દ્વારા એથી અનેકગણા લાભો આ અલ્પસંખ્યક કે છેવાડાના માણસ સુધી પહોચાડતા કોંગ્રેસની આ મોટી મતબેંકમાં સેંધ મારી દીધી છે. ત્રિપલ તલાક જેવા મુદ્દે ભાજપ કોંગ્રેસની પરંપરાગત મુસ્લિમ વોટબેંકમાંથી મુસ્લિમ મહિલાઓના મત આકર્ષવામાં પણ સફળ રહ્યો છે. સામા છેડે કોંગ્રેસે રામમંદિર અને બહુમત હિંદુ વિરોધ જેવા મુદ્દે લીધેલા અને જાહેર કરેલા વિરુદ્ધ વલણે તેની કાયમી હિંદુ મતબેંક જે હતી, તે તોડી નાખી છે. આ એવો વર્ગ છે જે મુદ્દા આધારિત પોતાનું માનસ બનાવતો રહે છે, પરંતુ આ પ્રક્રિયા એટલી ઝડપી નથી હોતી. એક મતદારનું પોકેટ બનાવતા દાયકો પણ લાગે છે, અને બે દાયકા પણ લાગી શકે. ભાજપને આ હિંદુ વોટ એકઠો કરતા કરતા લગભગ ત્રણ દાયકા લાગ્યા છે. આ બધા મુદ્દાઓ ધાર્મિક, ભાવનાત્મક કે લાંબાગાળાના આર્થિક હોઈ શકે છે.
આ મુદ્દાઓનો પ્રતિકાર આ જ પ્રકારના સમાંતર મુદ્દાઓ ઉઠાવીને થઇ શકે છે. જયારે મોટો સમૂહ આ મુદ્દાઓ તરફ ઢળી રહ્યો હોય કે સાથે જઈ રહ્યો હોય ત્યારે તેનો વિરોધ કરવો રાજકીય સમજદારી નથી. કોંગ્રેસે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે રામમંદિર મુદ્દે પોતાનું વલણ સ્પષ્ટ ન કરીને પોતાના કેટલાય નેતા અને મતબેંક પર મોટી અસર પાડી દીધી છે. રામમંદિર બાબતે હવે ભાજપે કોંગ્રેસ વિરુદ્ધ પ્રચાર પણ કરવાની જરૂર નથી. પ્રજાએ જે નિરીક્ષણ કરવાનું હતું એ કરી લીધું છે, અને એ પોતાની મતિ આધારે મત કરશે. ભાવનાત્મક મુદ્દાઓ હમેશા બીજા મુદ્દાઓ કરતા અસરકારક સાબિત થાય છે. જેમ ઇન્દિરા ગાંધીની હત્યા બાદ દેશમાં એક સહાનુભૂતિનું મોજું ફરી વળ્યું હતું અને કોંગ્રેસનો ભવ્ય વિજય થયો હતો. ત્યારે બીજા બધા પ્રચાર પ્રસાર ગૌણ બની ગયા હતા. જયારે આવા મોટા ફલકની ઘટનાઓ ઘટે છે ત્યારે તેનો ખુલીને વિરોધ કરવો એ આત્મઘાત છે.
બીજો એક વર્ગ ચૂંટણી લડતા ઉમેદવારો વચ્ચે પસંદગીના આધારે નિર્ણય લે છે. ઉમેદવારની જ્ઞાતિ જાતિ તેના માટે અગત્યની છે. આ ટૂંકી દ્રષ્ટિનો અભિપ્રાય કે મત હોય છે. તેને કોઈ પક્ષ કે તેની વિચારધારા સાથે જાજી નિસ્બત હોતી નથી. રાષ્ટ્રીય હિત સાથે પણ નિસ્બત નથી હોતી. જો ઉમેદવાર પોતાની જ્ઞાતિનો છે, તો બીજા કોઈપણ મુદ્દાઓ તેને આકર્ષી શકતા નથી. એ કોઈપણ ભોગે તે ઉમેદવારને જ મત આપશે. અને રાજકીય પક્ષો પણ જ્ઞાતિ જાતિના સમીકરણો ધ્યાનમાં લઈને ઉમેદવારોની પસંદગી કરતા હોય છે. અને આ મુદ્દે એ વર્ગને અપીલ કરતા હોય છે. આ એક ટૂંકાગાળાની પસંદગી છે, બીજી વખત અન્ય જ્ઞાતિનો ઉમેદવાર જો ઉભો રહે તો મત આપવાના ધારાધોરણ બદલાઈ જાય છે. ફિલ્મ સ્વદેશમાં એક વડીલનો ડાયલોગ છે કે “જો કભી નહિ જાતી ઉસકો જાતિ કહેતે હૈ.”
પસંદગીના આ બધા મુદ્દાઓની ઉપર હોય છે દેશ, દેશની પ્રજાનું કલ્યાણ, દેશનું સ્વાભિમાન, દેશની પ્રગતિ, દેશની અખંડીતતા અને સાર્વભૌમ. ભારતમાં રાજનીતિનું સ્તર જે કક્ષાએ છે, ત્યાં પક્ષો બીજા પક્ષોનો વિરોધ કરવા કે પોતાનો જનાધાર વધારવા આવા મુદ્દાઓને કોરાણે મૂકી દે છે. દેશની જનતા એ વાતની સાક્ષી છે કે પોતાની મતબેંક અખંડ રાખવા અલગાવવાદીઓના હાથ મજબૂત કરવાની નીતિઓ વર્ષો સુધી અમલમાં રહી હતી. જેમની જગ્યા જેલમાં હતી તેઓ વડાપ્રધાન અને રાષ્ટ્રપતિને બેધડક મળી રહ્યા હતા. ભારત તેરે ટુકડે હોંગેના નારાઓ લગાવવાવાળાઓને ગળે લગાવીને સમર્થન આપવામાં આવ્યું હતું. આ બધા સુક્ષ્મ રાજકીય આત્મઘાત છે. આતંકવાદીઓ માટે અસમયે કોર્ટ ખોલાવી હતી એ દેશ ભૂલ્યો નથી, અને આ બધી હરકતોના પરિણામ આવી ગયા છે અને હજુ આવી રહ્યા છે. પ્રજા એક હદ સુધી તમને ચલાવી લે છે, પણ દેશનો સરેરાશ વર્ગ દેશહિતની સામે બાંધછોડ કરવાના મૂડમાં ક્યારેય નથી હોતો. પ્રજા જયારે વિફરી ત્યારે ઔરંગઝેબે પણ અવાવરું જગ્યાએ દફન થઇ જવું પડ્‌યું હતું અને સૈકાઓ ચાલેલો મુઘલકાળ ગણતરીના વર્ષોમાં ખતમ થઇ ગયો હતો. એટલે જ રાજનીતિજ્ઞ મેકિયાવેલી એ કહ્યું હતું કે રાજાએ ક્યારેય પ્રજાની ધાર્મિક ભાવનાઓ સાથે રમત ન કરવી જોઈએ.
કમભાગ્યે પક્ષો અને નેતાઓ ચૂંટણી પહેલાના ટૂંકા સમયગાળા પહેલા એવા મુદ્દાઓ ઉભા કરવામાં સફળ થઇ જાય છે જે ઉપરના તમામ મુદ્દાઓ આડે ઢંકાઈ જાય છે. મોટા સમૂહને અપીલ કરે તેવું રૂપક જોડી દેવામાં આવે છે. આંદોલનો દ્વારા ઉભો કરવામાં આવતો એક ઝડપી માનસિક ઉશ્કેરાટ જે મતની તરફેણ કે વિરુદ્ધમાં આસાનીથી વાળી શકાય છે. આ આંદોલનો કોઈપણ વર્ગ કે પ્રજાની માનસિક સ્વસ્થતાની કસોટી છે. અંગત ઉદ્દેશો સાથે પ્રસંગોપાત જ્ઞાતિ કે મુદ્દાના આગેવાન થઈને શેરીમાં અચાનક પ્રગટ થયેલા વ્યક્તિઓ વર્ગને લક્ષ્મણરેખા લંઘાવીને જ રહે છે.
ક્વિક નોટ – અરાજકતા દરવાજાની બહાર જ ઉભી છે. એક ચૂંટણી જીતવા બેજવાબદાર સમાધાનો થશે તો ભવિષ્યમાં એવા પરિબળો છૂટશે કે જે રોકવા અસંભવ થઇ
જશે. – બક્ષી.