ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા સામે ભ્રષ્ટાચાર અને નાણાકીય ગેરરીતિના આરોપોની તપાસ વચ્ચે હવે જાહેર જનતા પાસેથી ફરિયાદો મંગાવાઈ છે. યુનિવર્સિટીની વેબસાઈટ પર જાહેર નોટિસ મુકવામાં આવી છે. નિવૃત્ત જજની અધ્યક્ષતામાં સત્ય શોધક સમિતિ દ્વારા ૧ જુલાઈ ૨૦૨૩થી ૩૦ જૂન ૨૦૨૬ સુધીના કાર્યકાળમાં થયેલા ખર્ચ, નિમણૂંકો અને પ્રોજેક્ટોની તપાસ કરવામાં આવી રહી છે. ઇન્ચાર્જ કુલપતિના આદેશથી જાહેર જનતાને રજૂઆત કરવાની તક અપાઈ છે. ફરિયાદ કરનાર વ્યક્તિ, સંસ્થા કે સંગઠને લેખિત અરજી સાથે આધારકાર્ડની નકલ જોડવાની રહેશે. આ દસ્તાવેજો ગુજરાત યુનિવર્સિટીના અટલ કલામ બિલ્ડિંગ ખાતે ૩૦ ઓક્ટોબર સુધી રૂબરૂમાં જમા કરાવવાના રહેશે. તપાસ પૂર્ણ થયા બાદ આરોપોની હકીકત સ્પષ્ટ થશે.