ગ્રામ્ય વિસ્તારની મહિલાઓને આર્થિક રીતે પગભર બનાવવા અને સ્વસહાય જૂથો દ્વારા ઉત્પાદિત ચીજવસ્તુઓને વેચાણ માટે યોગ્ય બજાર ઉપલબ્ધ કરાવવાના હેતુથી અમરેલી જિલ્લાના સાવરકુંડલા, ધારી, લાઠી, અને બાબરા બસ સ્ટેશન ખાતે ગ્રામહાટનો પ્રારંભ કરવામાં આવ્યો છે. રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન (એન.આર.એલ.એમ.) યોજના અંતર્ગત ગ્રામ વિકાસ વિભાગ, રાજ્ય સરકાર અને ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમના સહયોગથી આ સુવિધા ઉભી કરવામાં આવી છે.સાવરકુંડલા બસ સ્ટેશન ખાતે જિલ્લા પંચાયતના પ્રમુખ દક્ષાબેન ચોડવડિયાના હસ્તે ગ્રામહાટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ દક્ષાબેન મહીડા, બાંધકામ સમિતિના ચેરમેન પ્રકાશભાઈ પાનસુરીયા, તાલુકા પંચાયતના સભ્ય પ્રતાપભાઈ ખુમાણ, જીવનભાઈ વેકરીયા, રાજુભાઈ નાગ્રેચા, મેહુલભાઈ ત્રિવેદી, પ્રવિણભાઈ સાવજ, અગ્રણી રજનીભાઈ ડોબરીયા અને અનિરૂદ્ધસિંહ જાડેજા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.ધારી બસ સ્ટેશન ખાતે ધારાસભ્ય જે.વી. કાકડિયા અને જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ મહાવીરબાપુ ભગતના હસ્તે ગ્રામહાટનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તાલુકા પંચાયતના પ્રમુખ સાવલિયા, તાલુકા પંચાયતના સભ્યો, તાલુકા વિકાસ અધિકારી, જિલ્લા કક્ષાએથી ડી.એલ.એમ. છાયાબેન ટાંક, એસ.ટી. નિગમના વિભાગીય નિયામક, અગ્રણી મૃગેશભાઈ કોટડીયા, મુકેશભાઈ રૂપારેલિયા, ચંદ્રેશભાઈ વાળા, તાલુકા પંચાયતના કર્મચારીઓ અને સખીમંડળોની બહેનો હાજર રહ્યા હતા. લાઠી બસ સ્ટેશન ખાતે તાલુકા પંચાયતના પ્રમુખ અને સભ્યોની ઉપસ્થિતિમાં ગ્રામહાટનું લોકાર્પણ કરાયું હતું. આ પ્રસંગે તાલુકા વિકાસ અધિકારી, તાલુકા લાઇવલીહૂડ હબ મેનેજર, તાલુકા પંચાયતનો સ્ટાફ અને સખી મંડળોની બહેનો ઉપસ્થિત રહી હતી. બાબરા બસ સ્ટેશન ખાતે પણ તાલુકા પંચાયતના પ્રમુખ, ઉપપ્રમુખ અને સ્થાનિક અગ્રણીઓના હસ્તે ગ્રામહાટનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પહેલથી સ્વસહાય જૂથોની બહેનો દ્વારા ઉત્પાદિત હસ્તકલાની વસ્તુઓ, ઘરવપરાશની ચીજવસ્તુઓ અને સ્થાનિક ઉત્પાદનોને વેચાણ માટે યોગ્ય સ્થળ મળશે. બસ સ્ટેશન જેવા જાહેર સ્થળે ગ્રાહકો સુધી પહોંચવાની તક મળતા મહિલાઓની આવકમાં વધારો થવાની સાથે સ્વરોજગારી અને આત્મનિર્ભરતાને પણ પ્રોત્સાહન મળશે. ગ્રામહાટ ગ્રામ્ય મહિલાઓના આર્થિક સશક્તિકરણ માટે મહત્વપૂર્ણ સાબિત થશે.








































