કોડીનારમાં આવેલ સુપ્રસિધ્ધ ચોરવાડી હનુમાનજી મંદિર ખાતે હનુમાન જન્મોત્સવ પ્રસંગે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સવારથી જ અભિષેક,શૃંગાર, ચોલા દર્શન, અન્નકૂટ, મહારુદ્ર યજ્ઞ તેમજ મહાપ્રસાદ સહિતનાં કાર્યક્રમ યોજાયા હતા. હજારો ભક્તોએ એક પંગતે બેસી મહાપ્રસાદ લીધો હતો. કોડીનાર બાયપાસ પાસે ગોહિલની ખાણની સીમમાં ચોરવાડી હનુમાનજી મહારાજ સ્વયંભૂ પ્રગટેલ છે. વર્ષો પહેલા આ મંદિરમાં રમણગીરીજી મહારાજે ૧૧ દિવસની અખંડ રામધૂન સહિતનાં કાર્યો શરૂ કર્યા અને ધીમે ધીમે તેના તપોબળથી અને હનુમાનજીના તેજથી મંદિરનો વિકાસ થયો. હાલ દર વર્ષે ચૈત્રી નવરાત્રીમાં ૧૧ દિવસની અખંડ રામધૂન થાય છે. આ રામધુનની શરૂઆત રમણગીરીબાપુ સહિત જે તે સમયના વડીલો બાબુભાઈ જીથલાવાળા, છેલભાઈ જોશી, નંદલાલભાઈ દવે, મનુભાઈ નિરાલા સહિતનાં વડીલોએ કરી હતી.