અમરેલી લોકસભાની ચૂંટણીને લઈ વિવિધ મતદાન મથકો પર ચૂંટણી ફરજ બજાવનાર માઇક્રો ઓબ્ઝર્વર્સનો તાલીમ વર્ગ અમરેલી ખાતે યોજાયો હતો. જનરલ ઓબ્ઝર્વર એમ.કે. દ્રાબુ અને અમરેલી જિલ્લા ચૂંટણી અધિકારી અજય દહિયાના અધ્યક્ષ સ્થાને લાઠી રોડ સ્થિત મેડિકલ કોલેજમાં યોજાયેલી તાલીમમાં, માસ્ટર ટ્રેઇનર્સ અને ચૂંટણી પ્રક્રિયાના તાલીમ નોડલ અધિકારીએ, ભારતના ચૂંટણીપંચની માર્ગદર્શિકા મુજબ ચૂંટણી ફરજ પરના વિવિધ અધિકારી-કર્મચારીઓએ બજાવવાની ફરજ અને જવાબદારીઓથી તાલીમાર્થીઓને વાકેફ કર્યા હતા. આ તાલીમ પ્રક્રિયા દરમિયાન જિલ્લા ચૂંટણી અધિકારી અજય દહિયાએ તાલીમાર્થીઓની વિવિધ પ્રશ્નોત્તરીઓના જવાબ આપ્યા હતા. આ પ્રસંગે જનરલ ઓબ્ઝર્વર એમ.કે. દ્રાબુએ કહ્યુ કે, માઇક્રો ઓબ્ઝર્વર્સને ઝીણવટભરી તાલીમ આપવામાં આવી છે, જે મતદાન પ્રક્રિયા દરમિયાન તેમને ઘણી ઉપયોગી નિવડશે. માઇક્રો ઓબ્ઝર્વર્સ એ ચૂંટણીપંચની મતદાન પ્રક્રિયાના આંખ અને કાન સમાન છે. તેમણે માઇક્રો ઓબ્ઝર્વર્સને સુચારુ અને સફળ મતદાન પ્રક્રિયાની કામગીરીઓ સુપેરે પાર પાડવાની તૈયારીઓ અને કામગીરી માટે શુભેચ્છાઓ પાઠવી હતી. આ તકે નોડલ અધિકારી, પ્રાંત અધિકારી સહિતનાઓ હાજર રહ્યાં હતા.