અમદાવાદ શહેરના બારેજા વિસ્તારમાં ગઈકાલે મધરાતે ચોરીની મોટી ઘટના બની હતી. એક જ રાતમાં ૧૬થી વધુ દુકાનોના તાળા તોડીને ચોરોએ લાખો રૂપિયાનો માલસામાન ઉડાવી લીધો હતો. ઘટનાની જાણ થતાં વેપારીઓ અને સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો છે.
માહિતી અનુસાર, ચોરોએ બારેજાના મુખ્ય બજારમાં આવેલી દુકાનોને ટારગેટ બનાવી હતી. જેમાં દવાખાના સહિત અનેક કિરાણા સ્ટોર્સ, કપડાંની દુકાનો અને અન્ય વેપારી સંસ્થાઓ સામેલ છે. ચોરોએ તાળા તોડી અંદર પ્રવેશ મેળવી રોકડ રકમ અને કિંમતી માલસામાનની ચોરી કરી હતી.વેપારીઓના અંદાજ મુજબ, ચોરીમાં લાખો રૂપિયાનો નાશ થયો છે. દવાખાનામાંથી દવાઓ તથા રોકડ રકમની ચોરી કરવામાં આવી હતી. તેમજ અન્ય દુકાનોમાંથી પણ રોકડ અને માલસામાન ઉઠાવી લઈ જવાયો હતો. એક સાથે અનેક દુકાનોમાં ચોરી થવાને કારણે વેપારીઓમાં ચિંતાનો માહોલ છે.
સવારે દુકાનોના તાળા તૂટેલા જાવા મળતા વેપારીઓ ભેગા થઈ ગયા હતા. ઘટના બાદ વેપારીઓએ પોલીસ તંત્ર વિરુદ્ધ પણ આક્રોશ વ્યક્ત કર્યો હતો. તેમનું કહેવું છે કે પોલીસ પેટ્રોલિંગ નબળી હોવાને કારણે આ પ્રકારની ઘટનાઓ વારંવાર બની રહી છે.
ઘટનાની જાણ થતાં બારેજા પોલીસ દળ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. આસપાસના ઝ્રઝ્ર્ફ ફૂટેજ ચકાસી રહ્યા છે જેથી આરોપીઓ સુધી પહોંચી શકાય. પોલીસનો દાવો છે કે ટૂંક સમયમાં જ ચોરની ગેંગને ઝડપી લેવામાં આવશે.બારેજામાં એક જ રાતમાં ૧૬થી વધુ દુકાનોમાં થયેલી ચોરીએ વેપારીઓમાં સુરક્ષાની ચિંતા ઊભી કરી છે. તંત્ર હવે આ મામલે ઝડપથી પગલાં ભરી આરોપીઓને પકડે તેવી વેપારીઓની માંગ છે.








































