ધારી તાલુકાના દેવળા ગામની સીમમાં એકથી વધુ દીપડાઓની હાજરીને કારણે ખેડૂતો અને ખેતમજૂરોમાં ભયનો માહોલ છે. તા. ૫ નવેમ્બર, ૨૦૨૬ના રોજ સમીસાંજે ૧૦ વર્ષીય બાળકી પર દીપડાએ જીવલેણ હુમલો કરતાં તેને ઇજાગ્રસ્ત હાલતમાં ૧૦૮ મારફતે ધારી સિવિલ હોસ્પિટલમાં અને ત્યારબાદ વધુ સારવાર માટે અમરેલી ખસેડવામાં આવી હતી. આ ઘટનાને પગલે વનવિભાગે દીપડાને પકડવા પાંજરું ગોઠવ્યું હતું અને એક દીપડો પકડાયો હોવાની જાણ કરવામાં આવી હતી. જોકે, દેવળા ગામના જાગૃત નાગરિકો અને માજી સરપંચ વિજયભાઈએ આ દાવા સામે સવાલો ઉઠાવ્યા છે. તેમના આક્ષેપ મુજબ બાળકી પર હુમલો કરનાર દીપડો હજુ પણ ખુલ્લો ફરી રહ્યો છે અને લોકોએ તેને નજરે જોયો છે. ઘટનાસ્થળ નજીક ગોઠવાયેલા પાંજરામાં દીપડાને લલચાવવા માંસ પણ મૂકવામાં આવ્યું ન હોવાનો આક્ષેપ છે. ત્યારે વનવિભાગ હુમલાખોર દીપડાને પકડવામાં સફળ થયું છે કે કેમ તે અંગે નિષ્પક્ષ સ્પષ્ટતા કરવાની માંગ ઊઠી છે.




































