અમરેલી જિલ્લા સેવા સદન ખાતે કાયદા અને ઊર્જા રાજ્યમંત્રી કૌશિક વેકરિયાના અધ્યક્ષસ્થાને જિલ્લાના વિવિધ વિકાસલક્ષી અને પ્રજાલક્ષી મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સ અંગે ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં અમરેલીના સાંસદ ભરત સુતરીયા તથા જિલ્લા કલેક્ટર વિકલ્પ ભારદ્વાજ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. બેઠક દરમિયાન જિલ્લામાં ચાલી રહેલા રોડ-રસ્તા, નેશનલ હાઇવે અને રેલવે પ્રોજેક્ટ્સ સહિતની વિવિધ વિકાસલક્ષી કામગીરીની ઝીણવટભરી સમીક્ષા કરવામાં આવી હતી. તેમજ પ્રજાને પડતી મુશ્કેલીઓનો સત્વરે નિકાલ લાવવા ભાર મૂકવામાં આવ્યો હતો.બેઠકમાં અમરેલી જિલ્લાના રેલવે પ્રોજેક્ટ્સ અને તેને સંલગ્ન વિવિધ પ્રશ્નો અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. ખાસ કરીને અમરેલીથી શેડુભાર વચ્ચે આવેલા તમામ અંડરપાસના પ્રશ્નો, અમરેલી શહેરમાં રેલવે લાઇન નજીક આવેલી સોસાયટીઓમાં ચોમાસા દરમિયાન વરસાદી પાણી ભરાવાની સમસ્યા તેમજ લીલીયા રોડ પર થતા દબાણો દૂર કરવા અંગે ચર્ચા થઈ હતી. આ ઉપરાંત અમરેલી રેલવે સ્ટેશન નજીક આવેલા પરશુરામ મંદિર પાસે ડ્રેનેજ વ્યવસ્થાને લગતી સમસ્યાઓ અને તેના કાયમી ઉકેલ માટે સંબંધિત વિભાગ દ્વારા હાથ ધરવામાં આવતી કામગીરીની પણ સમીક્ષા કરવામાં આવી હતી.
રેલવે પ્રોજેક્ટ્સની સાથે જિલ્લાના માર્ગ પરિવહનને વધુ સુદૃઢ બનાવવા માટે નેશનલ હાઇવેને લગતા વિવિધ કામોની પણ સમીક્ષા કરવામાં આવી હતી. જેમાં ગાવડકાથી રાધેશ્યામ ચોકડી સુધીના રોડની વર્તમાન સ્થિતિ અને તેની કામગીરી અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંત અમરેલીથી લાઠી રોડ સુધીના માર્ગની પ્રગતિ તેમજ અમરેલી બાયપાસ રોડ પ્રોજેક્ટની કામગીરી અંગે અધિકારીઓ પાસેથી વિગતો મેળવવામાં આવી હતી.રાજ્યમંત્રી કૌશિક વેકરિયાએ તમામ પ્રોજેક્ટ્સની વર્તમાન પ્રગતિનો ચિતાર મેળવીને સંબંધિત વિભાગના અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. તેમણે નેશનલ હાઇવે અને રેલવેને લગતાં તમામ વિકાસકામો ઝડપથી અને નિર્ધારિત સમયમર્યાદામાં પૂર્ણ કરવા કડક સૂચનાઓ આપી હતી. પ્રજાને રોજિંદી અવરજવર દરમિયાન પડતી મુશ્કેલીઓનું નિવારણ થાય અને વિકાસકામોનો લાભ નાગરિકોને સમયસર મળે તે દિશામાં કામગીરી કરવા પણ ભાર મૂક્યો હતો.આ સમીક્ષા બેઠકમાં અમરેલીના સ્થાનિક પદાધિકારીઓ અને હોદ્દેદારો ઉપરાંત વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં નિવાસી અધિક કલેક્ટર ડોડિયા, પ્રાંત અધિકારી જાડેજા, અમરેલી મામલતદાર દવે, માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ)ના કાર્યપાલક ઈજનેર ધોલાવાલા, માર્ગ અને મકાન વિભાગ (પંચાયત)ના અધિકારીઓ, નેશનલ હાઇવે ઓથોરિટી રાજકોટ અને ભાવનગરના વિભાગીય અધિકારીઓ તેમજ અમરેલી નગરપાલિકાના ચીફ ઓફિસર સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા.








































