રાજુલામાં જ્ઞાતિની વાડીમાં વીડિયોગ્રાફી મુદ્દે માથાકૂટ થઈ હતી. જેમાં એક વ્યક્તિને મુંઢ ઈજા પહોંચાડીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. આ અંગે પત્રકાર પ્રવિણભાઈ ધરમશીભાઈ મકવાણા (ઉ.વ.૫૫)એ વિનોદભાઈ મગનભાઈ પરમાર સામે ફરિયાદ નોંધાવી હતી.ફરિયાદ મુજબ, રાજુલા મુકામે લુહાર-સુથાર જ્ઞાતિની વાડી ખાતે સમાજના હિસાબ બાબતે એક મીટિંગ રાખવામાં આવી હતી. આ મીટિંગમાં સમાજના આગેવાનો એકત્ર થયા હતા અને હિસાબ બાબતે ચર્ચા ચાલી રહી હતી. આ દરમિયાન ફરિયાદી મીટિંગની વીડિયોગ્રાફી કરતા હતા, જે આરોપીને સારું ન લાગતાં તેણે જેમ ફાવે તેમ ગાળો આપવાનું શરૂ કર્યું હતું. ત્યારબાદ તેણે ફરિયાદીના ગાલ પર ઝાપટ મારી હતી અને તેમનો હાથ પકડીને તેમને નીચે પછાડી દીધા હતા. આમ, આરોપીએ તેમને મુંઢ ઈજાઓ પહોંચાડીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ મામલે રાજુલા પોલીસ સ્ટેશનના એ.એસ.આઈ. બી. એમ. વાળા વધુ તપાસ કરી રહ્યા છે.







































