અમરેલી જિલ્લાના જાફરાબાદ શહેરના વાપળીયા વિસ્તારમાં ચાલતા જુગારધામ પર ગાંધીનગર સ્ટેટ મોનીટરીંગ સેલ (SMC)ની ટીમે દરોડો પાડી ૧૫ શખ્સોને રંગેહાથ ઝડપી પાડ્યા હતા. દરોડાની કાર્યવાહી દરમિયાન પોલીસે રોકડ રકમ, મોબાઈલ ફોન અને ત્રણ મોટરસાયકલ સહિત કુલ રૂ.૩,૨૮,૬૦૦નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ગુજરાત સ્ટેટ મોનીટરીંગ સેલના પીઆઈ આર.કે. કરમટાને મળેલી ચોક્કસ બાતમીના આધારે ટીમે વાપળીયા વિસ્તારમાં ચંદ્રકાંત ઉર્ફે ચંદુ રામજીભાઈ બારૈયાના મકાનની દીવાલ પાસે આવેલી ખુલ્લી પડતર જમીનમાં અચાનક દરોડો પાડ્યો હતો. પોલીસે સ્થળ પરથી જુગાર રમતા ૧૫ શખ્સોને ઝડપી લીધા હતા. દરોડા દરમિયાન રૂ.૧,૬૧,૬૦૦ રોકડ, રૂ૬૬,૦૦૦ની કિંમતના ૧૩ મોબાઈલ ફોન અને રૂ.૧ લાખની કિંમતની ત્રણ મોટરસાયકલ મળી કુલ રૂ.૩,૨૮,૬૦૦નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત જુગાર રમવા માટે ઉપયોગમાં લેવાતું પ્લાસ્ટિકનું મીણિયું અને ચટાઈ સહિતનો સામાન પણ પોલીસે જપ્ત કર્યો હતો. ઝડપાયેલા તમામ ૧૫ શખ્સો સામે જાફરાબાદ પોલીસ સ્ટેશનમાં જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. SMCની આ કાર્યવાહીને પગલે જાફરાબાદ પંથકમાં ચકચાર મચી ગઈ છે.






































