ઇસ્લામિક સ્ટેટ જૂથ (આઇએસઆઇએસ) ના આતંકવાદીઓએ ગઈકાલે મોડી રાત્રે ઉત્તરપૂર્વ નાઇજીરીયાના એક ગામ પર લોહિયાળ હુમલો કર્યો, જેમાં ઓછામાં ઓછા ૨૯ લોકો માર્યા ગયા. રાજ્યના ગવર્નરના જણાવ્યા અનુસાર, નાઇજીરીયાના અદામાવા રાજ્યના ગોમ્બી સ્થાનિક સરકારી વિસ્તારમાં સ્થિત ગ્યાકુ ગામમાં રવિવારે મોડી રાત્રે હુમલો થયો.
સ્થાનિક અધિકારીઓના જણાવ્યા અનુસાર, આતંકવાદીઓ ગામમાં ઘૂસી ગયા અને આડેધડ ગોળીબાર કર્યો, જેમાં મોટી સંખ્યામાં લોકો માર્યા ગયા અને ઘણા ઘાયલ થયા. આ હુમલાથી સમગ્ર વિસ્તારમાં ભય ફેલાયો છે.
આઇએસઆઇએસએ હુમલાની જવાબદારી સ્વીકારી છે. ઇસ્લામિક સ્ટેટ જૂથે ટેલિગ્રામ મેસેજિંગ એપ પર એક સંદેશમાં હુમલાની જવાબદારી સ્વીકારી છે. અદામાવા રાજ્યના રાજ્યપાલ અહમદુ ઉમારુ ફિન્ટીરીએ સોમવારે ગામની મુલાકાત લીધી હતી અને હુમલાની સખત નિંદા કરી હતી, તેને દુઃખદ અને અસ્વીકાર્ય ગણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે સરકાર આતંકવાદ સામે કડક પગલાં લેશે.
નાઇજીરીયા ઉત્તરીય ક્ષેત્રમાં અસંખ્ય સુરક્ષા પડકારોનો સામનો કરે છે. બે દાયકાથી વધુ સમયથી અહીં બળવો ચાલી રહ્યો છે. ફેબ્રુઆરીમાં, યુનાઇટેડ સ્ટેટ્‌સે નાઇજીરીયાના સૈન્યને સુરક્ષા પડકારોનો સામનો કરવા સલાહ આપવા માટે સૈનિકો મોકલ્યા હતા.
નાઇજીરીયામાં આઇએસઆઇએસ સાથે જાડાયેલા બે મુખ્ય આતંકવાદી સંગઠનો સક્રિય છે, પરંતુ ગુઆયાકુમાં થયેલા હુમલા પાછળ કોનો હાથ હતો તે તાત્કાલિક સ્પષ્ટ નથી. ઇસ્લામિક સ્ટેટ વેસ્ટ આફ્રિકા પ્રોવિન્સ ઉત્તરપૂર્વીય ક્ષેત્રમાં સક્રિય હોવાનું માનવામાં આવે છે, જેમાં અદામાવા રાજ્યનો પણ સમાવેશ થાય છે. સ્થાનિક રીતે “લાકુરાવા” તરીકે ઓળખાતું બીજું એક આઇએસ-સંલગ્ન જૂથ, ઉત્તર-મધ્ય રાજ્યો સોકોટો અને કેબ્બીના દૂરના ગામડાઓ પર વારંવાર હુમલો કરે છે.
ગુઆયાકુ ગામ પર હુમલો એ જ દિવસે થયો હતો જ્યારે બંદૂકધારીઓએ ઉત્તર-મધ્ય નાઇજીરીયામાં એક અનાથાશ્રમ પર હુમલો કર્યો હતો અને ૨૩ બાળકોનું અપહરણ કર્યું હતું. આમાંથી પંદર બાળકોને બાદમાં બચાવી લેવામાં આવ્યા હતા. સરકારે જણાવ્યું હતું કે બાકીના આઠ બાળકોને સુરક્ષિત કરવા અને ગુનેગારોને પકડવા માટે મોટા પાયે કાર્યવાહી ચાલી રહી છે.