૨૦૨૬ માં વિરાટ કોહલીએ ફરી એકવાર ઇતિહાસ રચ્યો. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના આ દિગ્ગજ બેટ્‌સમેને એક એવો રેકોર્ડ બનાવ્યો જે કોઈપણ અન્ય ખેલાડી માટે પહોંચવો પણ ખૂબ મુશ્કેલ હશે. હકીકતમાં, ૨૭ એપ્રિલના રોજ, દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં દિલ્હી કેપિટલ્સ સામેની મેચ દરમિયાન, વિરાટ કોહલી આઇપીએલન્ ઇતિહાસમાં ૯,૦૦૦ રન બનાવનાર પ્રથમ ખેલાડી બન્યો. પોતાની ૨૭૫મી આઇપીએલ મેચ રમી રહેલા કોહલીને આ સિદ્ધિ મેળવવા માટે ફક્ત ૧૧ રનની જરૂર હતી, જે તેણે આરસીબીની ઇનિંગ્સના છઠ્ઠા ઓવરના છેલ્લા બોલ પર એક સિંગલ રનથી હાંસલ કરી હતી. કોહલીએ આ સિદ્ધિ મેળવવા માટે ૬,૭૩૨ બોલનો સામનો કર્યો હતો. વિરાટ કોહલીનો આ રેકોર્ડ ફરી એકવાર સાબિત કરે છે કે તેને ટી ૨૦ ક્રિકેટમાં શા માટે મહાન બેટ્‌સમેનોમાંનો એક માનવામાં આવે છે.

કોહલી આઇપીએલમાં સૌથી વધુ રન સ્કોરર્સની યાદીમાં ટોચ પર છે. તેના પછી રોહિત શર્મા, શિખર ધવન, ડેવિડ વોર્નર અને કેએલ રાહુલનો નંબર આવે છે. રોહિત શર્માએ ૨૭૬ મેચમાં ૭,૦૦૦ થી વધુ રન બનાવ્યા છે, જ્યારે શિખર ધવને ૨૨૨ મેચમાં ૬,૭૦૦ થી વધુ રન સાથે તેની આઈપીએલ કારકિર્દી પૂર્ણ કરી છે. ડેવિડ વોર્નરે ૧૮૪ મેચમાં ૬૫૦૦+ રન બનાવ્યા છે, જે વિદેશી બેટ્‌સમેનોમાં સૌથી આગળ છે. કેએલ રાહુલે ૧૫૩ મેચમાં ૫૫૦૦+ રન બનાવ્યા છે.

આઇપીએલ ઇતિહાસમાં સૌથી વધુ રન બનાવનારા બેટ્‌સમેન

વિરાટ કોહલી – ૯૦૧૨ રન

રોહિત શર્મા – ૭૧૮૩ રન

શિખર ધવન – ૬૭૬૯ રન

ડેવિડ વોર્નર – ૬૫૬૫ રન

કેએલ રાહુલ – ૫૫૮૦ રન

સુરેશ રૈના – ૫૫૨૮ રન

વિરાટ કોહલી પાસે દિલ્હી સામે બીજા મોટો રેકોર્ડ બનાવવાની તક હતી, પરંતુ તે થાય તે પહેલાં, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ૬.૩ ઓવરમાં ૭૬ રનનો લક્ષ્યાંક હાંસલ કરવામાં સફળ રહી. જો તેણે આ મેચમાં કુલ ૨૭ રન બનાવ્યા હોત, તો તે ટી ૨૦ ક્રિકેટમાં એક ટીમ સામે ૧૨૦૦ રન બનાવનાર વિશ્વનો પ્રથમ ખેલાડી બન્યો હોત. હાલમાં તેના નામે દિલ્હી સામે ૩૪ મેચમાં ૧૧૮૪* રન છે. જો આ સિઝનમાં બંને ટીમો પ્લેઓફમાં આમને-સામને થાય છે, તો વિરાટ કોહલી પણ આ રેકોર્ડ હાંસલ કરી શકે છે.