મને યાદ આવે છે આપણી એ પહેલી પહેલી મુલાકાતો. આપણા વાડામાં જ્યારે અગાસીના સ્લેબનું કામ શરૂ કરવાનું હતું ત્યારે આપણી બંને રૂમનો સામાન આખાએ વાડામાં જ્યાં ત્યાં આડેધડ ગોઠવી દેવામાં આવ્યો હતો. રસોડું પણ પેલી જમરૂખડી અને દાડમડીના ઝાડની પૂર્વ દિશામાં અને આંબા તેમજ સરગવાની પશ્ચિમ દિશામાં એટલે કે આ બધાની વચ્ચે ગોઠવી દીધું હતું. કુતરા મને ગમતા નહીં. વાડાની ફરતે કુતરાથી બચવા માટેની લોખંડની જાળી તો મારો પગ કપાયો એ પહેલાની ફીટ થઈ ગઈ હતી. આ જાળીનો દક્ષિણ દિશાનો ભાગ મારા રસોડાથી લગભગ ૧૦થી ૧૫ ફૂટ દૂર હતો. આ જગ્યાએ છ ઈંટો ગોઠવીને તૈયાર કરેલો એક ચૂલો હતો અને આ ચુલાની ચોતરફ રસોડાનો બધો સામાન આડેધડ ગોઠવાયેલો હતો અને હું રસોઈ બનાવી રહ્યો હતો. એ વખતે જાળીના નાનકડા બાખામાંથી એક ગલુડિયું ક્યારે અંદર આવી ગયું એ મને ખબર પણ ના રહી.
મેં એ ગલુડિયાને મારી બાજુમાં રહેલા લાકડાના બળતણનો છૂટો ઘા કર્યો. ગલુડિયાને વાગ્યું તો નહીં પણ છતાં તે ‘કાઉં કાઉં’ કરતું કરતું જાળીની બહાર નીકળી ગયું! ફરીવાર મેં થોડી વાર પછી રસોઈ કરતાં કરતાં પાછળ જોયું તો એ ગલુડિયું મારી પાછળ જ ઉભું હતું. મેં ફરી એકવાર બાજુમાં પડેલો પથ્થરો હાથમાં ઉઠાવીને છૂટો ઘા કર્યો. આ ગલુડિયાને એ વાગી ગયો અને ફરીથી કાઉં કાઉં કરતું કરતું ભાગી ગયું.
બીજે દિવસે વળી એ જ ક્રમ. મારે રસોઈ બનાવવાનો વખત થાય. હું આપણા ઓપન રસોડામાં પ્રવેશ કરું છું. જમીન પર પ્લાસ્ટિકની થેલી પાથરીને રસોઈ કરવામાં પ્રવૃત્ત થાઉં છું અને થોડીવારમાં પાછળ જોઉં છું અને ફરીથી એ જ ગલૂડિયું પ્રગટ થાય છે. ફરીથી મને એ જ ગુસ્સો આવે છે અને હું તેને લાકડાનો દંડિકો ફટકારું છું. ફરીથી કાઉં કાઉંં કરતું ચાલયુ જાય છે. થોડીવારમાં ફરી આવે અને ફરી હું એને લાકડું કે પાણકો મારું એટલે તે ફરી ચાલ્યું જાય. આવું તો કેટકેટલા દિવસ ચાલ્યું !
મને ધીરે ધીરે સમજાયું કે આ ગલુડિયાને ભોજનની વાસ આવી જાય છે. એને કંઈક ખાવું છે એટલે એ ધરાર અંદર આવી જાય છે. એમ તો હું દયાળુ. પણ કુતરાઓને અંદર આવવાની ટેવ પાડવા હું માંગતો ન હતો. મોટા કુતરાઓ લોખંડની જાળી પાર કરીને અંદર આવી શકતા ન હતા પણ આ નાનું ગલુડિયું તો જાળીના નાના-નાના બાખાંઓની સોંપટ નીકળીને આવી જતું હતું. એટલે એ ગલુડિયાને બહાર જ રહેવાની ટેવ પાડવા માટે એની લાગણીને વશ થઈને મેં એને ભાખરીના બે ટુકડા તો આપ્યા પણ પહેલા એને બહાર કાઢ્યું અને પછી જાળીની બહાર ફેંકીને એને ખાવા આપ્યા. બહુ જ ત્વરાથી એ ગલુડિયું આ ભાખરી ખાવા લાગ્યું. ખાવાની ઝડપ અને પૂંછડી પટાવવાની રીત મને ખૂબ ગમી ગઈ. પણ તોય મેં નક્કી કર્યું કે આ ગલુડિયાને અંદર આવવાની ટેવ તો નથી પડવા દેવી.
પછી તો એ ક્રમ ચાલ્યો કે જાળી વિંધીને મારા વાડામાં આવે એટલે ગલુડિયાને મારવાનું પણ પછી એ બહાર રહે ત્યારે એને ભાખરી કે ખીચડી જે કંઈ વધે તે આપવાનું. મારો એ માર ખાનાર અને મારા હાથની બનાવેલી એ રોટલી, ભાખરી કે ખીચડી ખાનાર કોણ હતું ખબર છે? એ તું હતો, બુબૂ, એ તું હતો…!










































