અસહમતી પેદા થવાના મુખ્ય બે કારણો છે. એમાં સૌપ્રથમ છે, વિચાર કે માન્યતા ભેદ. એક કરતા બીજો વિચાર કે માન્યતા અલગ છે એટલે ટકરાવ છે. જો લોકહિતના પ્રશ્ને હોય તો વિચારભેદ કે માન્યતાભેદની અસહમતી તંદુરસ્ત છે. તંદુરસ્ત અસહમતી એ તંદુરસ્ત લોકશાહીનું ટોનિક છે. સામાવાળાને એના નિર્ણયમાંથી ચલિત કરવો, ફેરફાર કરવા ફરજ પાડવી અને આમ કરીને કંઇક રોકાવવું કે મેળવવું એ અસહમતીનું હાર્દ હોય છે. તંદુરસ્ત અસહમતીના દ્વંદ્વમાંથી જે પરિણામ નીપજે એ પ્રજા કલ્યાણનું અંતિમ બની રહે છે. રાજકારણ કે સમાજકારણમાં અસહમતી પેદા થવાનું બીજું કારણ છે, અસ્તિત્વ અને અહમનો ટકરાવ. સતત અસહમતી નોંધાવતા રહેવાથી અસ્તિત્વ ટકી રહેતું હોવાનો રાજકીય સામાજિક ઈતિહાસ પણ છે. આ અસહમતી મોટાભાગે નકારાત્મક હોય છે. એમાં સમષ્ટિના કલ્યાણના ઉદ્દેશો હોતા નથી. રાજકીય પક્ષ કે સામાજિક સંગઠનોની આંતરિક અસહમતીઓ મોટાભાગે આ કક્ષાની હોય છે. જયારે હકારાત્મક અસહમતી લોકશાહીને મજબૂત બનાવે છે. જે નિર્ણયથી લોકશાહી મૂલ્યોનો હ્રાસ થતો હોય કે પ્રજાને પીડાકારક હોય એવા નિર્ણયોને પડકારવા, વિરોધ કરવો દરેકની ફરજ થઇ પડે છે, પછી ભલે એ માત્ર આમ નાગરિક હોય. લોક્નાયકોએ ઉપડેલા જન આંદોલનોનો ઈતિહાસ આવી અસહમતીઓથી ભર્યો પડ્યો છે. સરકાર સાથે અસહમત હોવું વિપક્ષ માટે સ્વાભાવિક છે, પણ ક્યા મુદ્દે અસહમત હોવું એ વિપક્ષની વિવેકબુદ્ધિ પર નિર્ભર છે. દેશહિત કાજે અસહમતીઓને સ્વીકારીને તેમાંથી શ્રેષ્ઠ નીપજ મેળવવાની દિશામાના પ્રયત્નોમાં અમેરિકન પ્રેસિડેન્ટ અબ્રાહમ લિંકનનું પ્રથમ પ્રધાનમંડળ અને આઝાદ ભારતનું પંડિત જવાહરલાલ નહેરુની આગેવાનીનું પ્રધાનમંડળ ઉત્તમ ઉદાહરણો છે. લિંકન અને નહેરુએ ત્યારે દેશ માટે જે ઉત્તમ હતું તેનો સ્વીકાર કરેલો. એ બંને સુપેરે જાણતા કે આમાંના ઘણાખરા પોતાની વિચારધારા સાથે સહમત નથી. પણ દેશને એમની જરૂરિયાત છે. આ લોકશાહીનું ચરમ હતું. લિંકન તો કહેતા પણ ખરા કે મારાથી સારો માણસ તમારા ધ્યાનમાં હોય તો કહેજો, મારે તેને મારા મંત્રીમંડળમાં સમાવીને તેની સાથે કામ કરવું છે. સરદાર અને નહેરુ વચ્ચે ઘણી બધી બાબતોમાં સહમતી નહોતી. બંને વચ્ચે ઘણી વખત પત્રવ્યવહારમાં ત્યાગપત્રોની ફેંકાફેંકી પણ થઇ ગયેલી હોવાના સંદર્ભો મળી આવે છે. પણ આઝાદ ભારતના બંને ઘડવૈયાઓ દેશહિત કાજે પરસ્પર સંમત હતા. ૧૨-૧-૧૯૪૮ના રોજ મળેલ મંત્રીમંડળની બેઠકમાં બંનેએ સહમતીથી ઠરાવ કર્યો કે ‘જ્યાં સુધી પાકિસ્તાન કાશ્મીર પ્રશ્ને સહયોગ ન કરે ત્યાં સુધી કરાર હેઠળ આપવાપાત્ર રૂ.૫૫ કરોડ ભારત સરકાર ચૂકવશે નહીં.’ અહી ગાંધીજી અસહમત થયા, સરદાર અને નહેરુ ઘણો સમય બાપુ સામે અડગ રહ્યા. બાપુએ ઉપવાસ આદર્યા અને સરદારને આખા મંત્રીમંડળની હાજરીમાં પોતાને માઠું લાગ્યાનું દર્દ ભર્યા શબ્દોમાં કહ્યું અને બાપુ રડ્‌યા… સાંભળીને સરદાર પણ રડ્‌યા… સરદાર અને નહેરુએ પાકિસ્તાન સાથે થયેલ કરાર આધારિત ૫૫ કરોડ આપવાનું કબુલ્યું. એ નિર્ણય દેશહિતમાં હતો કે કેમ એ આજે પણ ચર્ચાનો વિષય છે અને આડકતરી રીતે ગાંધીજીની હત્યાનું નિમિત્ત પણ આ નિર્ણય બન્યો હતો એ હિન્દુસ્તાન જાણે છે. અને એ પૈસા દ્વારા ખરીદાયેલા શસ્ત્રો અને ભાડુતી માણસો દ્વારા હિન્દુસ્તાન પર પહેલું સરહદી આક્રમણ થયું હતું. ભારતના શીર્ષસ્થ નેતૃત્વે કોઈ અસહમતીના શરણાગત થઇ જવાની દેશે ખુબ મોટી કિંમત ચૂકવી હતી.
જયારે કોઈ સમાજ, વર્ગ કે વ્યકિત અસહમતી દર્શાવે છે ત્યારે તેણે રાજકીય પીઠબળ કે જન સમર્થનની જરૂરિયાત રહે છે. આ પીઠબળ કે જનસમર્થન તેને મુદ્દાના વાજબીપણા આધારે પ્રાપ્ત થાય છે. તકલાદી અને ગેરવાજબી મુદ્દે વ્યાપક અને લાંબાગાળાના સમર્થનો મળતા નથી. નહેરુ સરકારે જમીન માલિકીની ટોચમર્યાદા બાંધવાના પ્રયાસ કર્યો અને એમાં અસહમતી સ્વરૂપે સ્વતંત્ર પક્ષ અસ્તિત્વમાં આવ્યો. સ્થાપકોમાં શ્રી રાજગોપાલાચારી, પ્રો. એન.જી.રંગા, શ્રી મીનુ મસાણી, શ્રી કનૈયાલાલ મુનશી હતા. ચોથી સામાન્ય ચૂંટણીઓમાં તે દેશના સૌથી મોટા વિરોધ પક્ષ તરીકે સામે આવ્યો. ટૂંકા ગાળે સ્વતંત્ર પક્ષે ખુબ જનસમર્થન મેળવ્યું, પણ સમય જતા આંતરિક અસહમતીઓ અને જે મુદ્દે પક્ષની રચના થઇ હતી એ મુદ્દે વાજબીપણું ગુમાવી દેતા ત્યારે એક લાંબાગાળાનો મજબૂત વિપક્ષ મળતા રહી ગયેલો અને ઘણી રાજકીય પ્રતિભાઓ સ્વતંત્ર પક્ષની સાથે આથમી ગયેલી. ઉપરાંત ત્યારબાદની સરકારોના ઘણા બધા નિર્ણયોમાં અસહમત થવા સામે મજબૂત વિપક્ષ જ નહોતો રહ્યો. અને એના માઠા પરિણામો લાંબા ગાળા સુધી દેશની જનતાએ ભોગવ્યા છે.
આજનો દેશનો વિપક્ષ અસહમતીના કનિષ્ઠ સ્તરે કામ કરી રહ્યો છે. એક વ્યક્તિના વિરોધમાં કે એક વ્યક્તિ સાથેની તેમની અસહમતી સમગ્ર દેશ સાથેની અસહમતી બની ચૂકી છે. દેશના કોઈપણ ગૌરવ સાથે વિપક્ષ સહમત નથી થઇ શકતો. સૌથી ઝડપથી વિકસી રહેલ અર્થતંત્ર હોય કે આંતરરાષ્ટ્રીય સંબંધો હોય, પાકિસ્તાનને ભારતીય સેનાનો જવાબ હોય કે દેશના કોઈપણ ખૂણે યોજાયેલ ચૂંટણીઓ હોય, વિપક્ષ દેશની મુખ્યધારાથી અલગ ચાલી રહ્યો છે. એમનો વ્યક્તિ વિરોધ દેશવિરોધમાં પરિણમી ચુક્યો છે. દેશની દરેક ગૌરવપૂર્ણ બાબતમાં તેઓ સવાલ ઉઠાવી રહ્યા છે. સરકારની કામગીરી કે કાર્યપદ્ધતિ સુધી વાત બરાબર છે, એ વિપક્ષની ફરજ છે, પણ સેનાના પરાક્રમ, સો કરોડ હિન્દુઓની આસ્થા, દેશની પ્રગતિના આંકડાઓ જેવી અનેક બાબતો છે જેમાં અસહમત થવું આત્મઘાતી બની શકે છે.
ક્વિક નોટ — ૧૯૩૯ની કાંગ્રેસના અધ્યક્ષની ચૂંટણીમાં સુભાષચન્દ્ર બોઝની સામે મહાત્મા ગાંધીજીની ઈચ્છા જવાહરલાલ નહેરુ તરફે હતી. એ વખતે નહેરુ રાહુલ ગાંધીની જેમ યુરોપમાં વેકેશનમાં ગયા હતા. પાછા આવીને નહેરુએ મૌલાના આઝાદનું નામ સૂચવ્યું. મૌલાના આઝાદે પણ ના પાડી અને પટ્ટાભી સીતારામૈયાનું નામ ઉમેદવાર તરીકે આખરી થયું. ૨૯ જાન્યુઆરીના રોજ સુભાષચન્દ્ર બોઝ ગાંધીજીના ઉમેદવાર પટ્ટાભીની સામે ૨૦૩ મતોથી વિજયી બન્યા. ત્યારબાદ ગાંધીજીએ સુભાષબાબુનો લગભગ રાજકીય બહિષ્કાર કર્યો અને સુભાષચંદ્ર બોઝ લગભગ રાજકીય ક્ષિતિજ પરથી ખોવાઈ ગયા. ગાંધીજી સાથેની અસહમતીની ભારતે ચૂકવેલી કદાચ આ મોટામાં મોટી કિંમત હતી. ગાંધીજીના નહેરુમોહમાં સુભાષબાબુનો ભોગ લેવાઈ ગયો.
production@infiniumpharmachem.com