કોંગ્રેસનું એક પ્રારબ્ધ કાયમ પક્ષની સાથે રહ્યું છે, એ પ્રારબ્ધ છે… ભાગલા. ડીસેમ્બર ૧૯૦૭ના નાનપુરા સુરતના અધિવેશનમાં જવાળ મવાળના ભાગલાથી લઈને આજના મણિશંકર ઐયરના નિવેદનો સુધી કોંગ્રેસ આ બાબતે નિયમિત રહી છે કે સમયના અમુક અંતરાલ બાદ પક્ષમાં બાગી પેદા થઇ જાય છે. દેશના ઘણા મોટા પ્રાદેશિક પક્ષો કોંગ્રેસમાંથી છુટ્ટા પડેલા છે. મમતા બેનર્જીની તૃણમૂલ કોંગ્રેસ, શરદ પવારની નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી, જગનમોહનની વાય.એસ.આર. કોંગ્રેસ અને કે એમ જયોર્જની કેરળ કોંગ્રેસ જેમાં મુખ્ય છે. અત્યાર સુધી લગભગ ૭૦થી વધુ પક્ષો કોંગ્રેસમાંથી વિભાજિત થઈને અલગ અસ્તિત્વ ધરાવે છે. જવાહરલાલ નહેરુના પિતા મોતીલાલે કોંગ્રેસ તોડીને સ્વરાજ પક્ષ સ્થાપ્યો હતો. સુભાષ બાબુએ ફોરવર્ડ બ્લોક, કૃપલાણીએ કિસાન મઝદૂર પ્રજા પાર્ટી, એન જી રંગાએ હૈદરાબાદ રાજ્ય પાર્ટી, સી, રાજગોપાલાચારીએ ઇન્ડિયન નેશનલ ડેમોક્રેટિક પાર્ટી, ૧૯૫૯માં બિહાર, ગુજરાત, ઓડીસા અને રાજસ્થાનમાં કોંગ્રેસમાં મોટા ભાગલા પડ્‌યા હતા, ચૌધરી ચરણસિંહે ભારતીય ક્રાંતિ દળ જે પછીથી લોકદળ થયું, ત્યારબાદ ઇન્દિરા ગાંધીની પક્ષે હકાલપટ્ટી કરી અને એણે અલગ કોંગ્રેસની સ્થાપના કરી જે આજનો કોંગ્રેસ પક્ષ છે. એસ. નિજલિગપ્પાના નેતૃત્વમાં ઇન્દિરા ગાંધીથી છુટા પડેલા કામરાજ, મોરારજી દેસાઇ અને સદોબા પાટિલ જેવા નેતાઓએ પોતાનો અલગ પક્ષ સ્થાપ્યો જે સંસ્થા કોંગ્રેસ તરીકે જાણીતો બન્યો હતો.
વી. પી. સિંહે કોંગ્રેસથી અલગ થઈને જનમોરચાની સ્થાપના કરી જેનું વિઘટન થઈને આજે તેમાંથી જનતાદળ, જનતાદળ (યુ), આર.જે.ડી. અને સમાજવાદી પાર્ટીનો જન્મ થયો. કેપ્ટન અમરિંદર સિંગે પંજાબમાં પંજાબ લોક કોંગ્રેસની સ્થાપના કરી અને બાદમાં તેને ભાજપમાં ભેળવી દીધો. ત્યારબાદ ગુલામનબી આઝાદ, અશોક ચવાણ, જ્યોતિરાદિત્ય સિંધિયા, હેમંત બિસ્વા સરમા, કિરણ રેડ્ડી, પેમાં ખાંડુ, નારાયણ રાણે, વિજય બહુગુણા, એસ એમ ક્રિષ્ના જેવા ધુરંધરોએ કોંગ્રેસ છોડીને બીજા પક્ષો (મુખ્યત્વે ભાજપ) જોઈન કરી હતી.
સમયાંતરે કોંગ્રેસમાંથી મોટા નેતાઓ માળાના મણકાની જેમ છુટ્ટા પડતા રહ્યા છે. નવા નવા પક્ષો બનતા રહ્યા છે. જે માળા એક વખત ડુંટી સુધી પહોચે એટલી લાંબી હતી એ આજે તૂટી તૂટીને ગળામાં ભીંસ કરે એટલી નાની બની ગઈ છે, હવે લાગે છે કે એક વખત ફરી જો તૂટી તો ગળામાં પહેરવા યોગ્ય નહિ બચે. ભારતીય રાજનીતિમાં કોંગ્રેસ સૌથી જુનો રાજકીય પક્ષ છે. લગભગ સાત દાયકા સુધી કોંગ્રેસે દેશ પર શાસન કર્યું છે. પક્ષ તૂટતો રહ્યો પણ ફરીને સત્તા મેળવતો રહ્યો. ભાગલા બાદ પણ પ્રજાએ ભાંગેલી કે તૂટેલી કોંગ્રેસને જ પસંદ કરી હતી. વર્ષો સુધી નહેરુની આભા દેશ પર છવાયેલી હતી પ્રજા આઝાદીના હેંગઓવરમાં હતી. ત્યારબાદ ઇન્દિરા ગાંધીનું લોખંડી અને ઈમરજન્સી વાળું શાસન આવ્યું. તેમ છતાં જનતાએ ફરી ફરીને કોંગ્રેસના હાથમાં દેશની ધુરા સોંપી હતી. એ સમય હતો જયારે કોંગ્રેસ પાસે હિસાબ માંગવા જવાની પ્રજાની હિંમત નહોતી. દેશમાં કોઈપણ નવું સરકારી એકમ, સાહસ, એવોર્ડ, યોજના, નીતિ, કે પ્રકલ્પ બનતો કે અમલમાં આવતો ત્યારે એને નહેરુ ગાંધી પરિવારનું જ નામકરણ કરવામાં આવતું અને જનતાએ આ સ્વાભાવિક છે એમ માનીને સ્વીકારી લીધું હતું. ત્યારે કોંગ્રેસ પાસે પહેલી, બીજી અને ત્રીજી હરોળના નેતાઓની કતાર હતી અને પેઢી દર પેઢી આ કતારમાં નવા નેતાઓ આવતા રહેતા હતા જે આ પરિવારની પ્રથાને આગળ વધારવા થનગનતા રહેતા. એક એવું વાતાવરણ અને આભા ઉભી કરી દેવામાં આવી હતી કે આ પરિવાર સિવાય દેશનો ઉદ્ધાર શક્ય નથી. જે આ સામંતશાહી માનસિકતા સાથે અસમત થયા તેમને પક્ષ અને સત્તામાં સાઈડ લાઈન કરી દેવામાં આવ્યા. હવે આમાંના જેમની મહત્વકાંક્ષાઓ પ્રબળ હતી અને કોંગ્રેસ પક્ષ સિવાય પણ પોતાનો સ્વતંત્ર જનાધાર હતો એમણે કોંગ્રેસથી અલગ બીજી રુખ લઇ લીધી.
કોંગ્રસના ભાગલામાં એક પેટર્ન જ સતત ચાલતી આવી છે અને કાયમી છે. એ છે, નહેરુ ગાંધી પરિવારની નજીક અને દૂરની પેટર્ન. જે નજીક છે એ સર્વાઈવ કરી જાય છે અને જે દૂર થાય છે એ પક્ષમાંથી ફેંકાઈ જાય છે. પત્રકારો અને બીજા રાજકીય તજજ્ઞો પણ કોંગ્રેસ પક્ષની ચર્ચા કરતી વખતે આ પરિમાણનો ઉપયોગ કરે છે કે કોણ આ પરિવારની નજીક છે અને કોણ આ પરિવારથી દૂર છે. ગાંધી પરિવારની નજીક હોવું એ કોંગ્રેસી હોવાનો આજનો લીટમસ ટેસ્ટ છે. આજની તારીખે પક્ષ કોઈ નીતિ આધારિત ચાલતો હોય તેવું નથી લાગતું. પક્ષે કોઈપણ બાબતમાંથી બોધ લેવાનું બંધ કરી દીધું છે. સામાન્ય રીતે પક્ષમાં સ્તર મુજબ નેતા ઉપરના સ્તરથી આત્મસન્માન માંગે છે. ઉપલા સ્તરના મોટા નેતાઓ જયારે નીચેના સ્તરના નેતાઓને ઈચ્છિત જગ્યા કે માન સન્માન ન આપે ત્યારે નીચેના પાસે બહુ વિકલ્પ બચતા નથી. વિવાદિત નિવેદનો માટે જાણીતા મણિશંકર ઐયર જેવા વરિષ્ઠ કોંગ્રેસી નેતા કોંગ્રેસને ઝગડતા વીંછીઓનું ઝુંડ કહે છે. કોંગ્રેસી હોવા છતાં એ નિવેદન આપે છે કે કેરળમાં લેફ્‌ટ જીતશે, જીતવો જોઈએ. બીજા પંજાબના એક કોંગ્રેસી નેતા કહે છે કે રાહુલ ગાંધી સાથે ત્રણ વર્ષથી મુલાકાતનો સમય નથી મળતો. પક્ષના પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે છે, જે જાહેરમાં કબૂલ કરે છે કે હું જે કાઈ છું એ ગાંધી પારવારને લીધે છું. બીજી તરફ ભાજપ જેવા પક્ષના સતત ત્રણ ટર્મથી ચૂંટાતા અને લગભગ પચાસ વર્ષનું જાહેર જીવન અને પચ્ચીસ વર્ષથી હેડ ઓફ ધ ગવર્નમેન્ટ રહેલા વડાપ્રધાન મોદી પિસ્તાલીસ વર્ષના પોતાના પક્ષ પ્રમુખને જાહેરમાં કહે છે કે એક પાર્ટી કાર્યકર્તા તરીકે તમે મારા બોસ છો.
કોઈ હોમવર્ક કરીને કોઈ મુદ્દે ઉતરવું હવે કોંગ્રેસની ફિતરત રહી નથી. એક નકારાત્મક રાજનીતિ થકી અસ્તિત્વ ટકાવવાનો પ્રયત્ન સતત નિષ્ફળ જઈ રહ્યો છે. ગાંધી પરિવારની વ્યક્તિ બદલતા પક્ષનું કલેવર બદલતું રહે છે, પણ આ વખતે જે આઘાત લાગી રહ્યો છે એ ખુબ ઉંડો અને ઘાતક છે.
ક્વિક નોટ – એકવાર ‘નહેરુ એવોર્ડ’ ઇન્દિરા ગાંધીને અપાયો, જે એમની ગેરહાજરીમાં રાજીવ ગાંધીએ સ્વીકાર કર્યો. એક અખબારે લખ્યું કે ‘રાજીવ ટેક્સ નહેરુ એવોર્ડ ફોર ઇન્દિરા’.