(1)મને એવું સપનું આવ્યું કે હાસ્યાય નમઃ કોલમ તમારા બદલે હું લખવા માંડ્યો. આ તમારા પર આફત આવી ગણાય કે નહિ?

જગદીશ પટેલ (અમદાવાદ)

આ આફત મારા પર નહિ પણ સંજોગ ન્યૂઝના વાચકો પર આવી ગણાય!

(2)કોરોના કાળમાં વર, અણવર લુણવંતી, કન્યા અને ગોરદાદા, આ બધા માટે છ ફૂટનુ અંતર  મંડપ મધ્યમાં  કેવી રીતે રાખવું ?

ડાહ્યાભાઈ ઝ. આદ્ગોજા (લિલિયા મોટા)

તમે બે વ્યક્તિ ભૂલી ગયા. વીડિયોગ્રાફર અને ફોટોગ્રાફર..! આ બૅયને મંડપમાં સમાવી દો એટલે બીજા બધા તો સાંકડમૂકડ પડ્યા રહેશે.

(3) મારી પત્ની એકસાથે ફ્રિજ, ટીવી, ઘરઘંટી, કાર અને નવું મકાન લેવાનું કહે છે. જે હું એકસાથે લઈ શકું એમ નથી. તો મારે પહેલા શું લેવું જોઈએ?

રામભાઈ પટેલ (સુરત)

છૂટાછેડા!

(4)જ્યારે કન્યા મંડપ આવે ત્યારે ગોરદાદા એમ કહે છે કે કન્યા પધરાવો સાવધાન.. એનું કારણ શું હશે?

પરમાર સુભાષ ઘનશ્યામભાઈ (મોટાલીલીયા)

ગોરદાદા સાવધાન શબ્દ  જોરથી અને લંબાવીને બોલે છે. મતલબ કે એ રસોડે  બધાને સાવધાન કરે છે કે હવે પેટમાં ભોજન પધરાવવા જાનૈયાઓ  આવી રહ્યા છે, સાવધાન!

(5)પહેલાંના સમયમાં પૈસો ગાડાના પૈડા જેવડો હતો તો ખિસ્સામાં કેવી રીતે આવતો હશે?

શંભુ ખાંટ ‘અનિકેત’ (પાટયો અરવલ્લી)

પહેલા લોકો ખિસ્સામાં પૈસો રાખતા જ નહીં હોય. પૈસો આવે કે તરત ગાડામાં પૈડાની જગ્યાએ ફિટ કરી દેતા હશે.

(6)ખિસ્સાકાતરુ અને ભિખારીને મોંઘવારી નડે ખરી?

હરપાલસિંહ જે.ઝાલા (ભોયકા લીંબડી)

મોંઘવારીને આ બેય નડે.

(7) તમને વિધાનસભાની ટીકીટ મળે તો ક્યાંથી ચૂંટણી લડો?

રાજુ એન. જોષી (ધરાઈ-બાલમુકુંદ)

એ હું નહિ કહું.કેમ કે હું જાહેર કરી દઉં તો બાકીની સીટ પરના મતદારો નિરાશ થઈ જાય.

(8)આજકાલના ટાબરિયાં રોટલી રોટલો ખાતાં નથી તો એનો કોઈ ઈલાજ ખરો?

વિજય પીઠિયા (કપરાડા)

એક ઈલાજ છે. એનાં મમ્મી રોટલી રોટલો ખાવા મંડે તો…!

(9)પક્ષીઓની જેમ જો મનુષ્યોને પણ પાંખ હોત તો વગર ટીકીટે અને વગર વિઝાએ અમેરીકા કેનેડા જેવા દેશોમાં આવજા કરી શકાતી હોત કે કેમ?

કનુભાઈ લિંબાસિયા ‘કનવર’  (ચિત્તલ)

પાંખ હોત તો વિઝા ન હોત અને વિઝા ન હોત તો અમેરિકા કે કેનેડા એવા ભેદ જ ક્યાં રહેત? વિઝા અને બીજા દેશ માત્ર માણસજાત માટે જ  છે.

(10)તમને ધારાસભ્યની ટીકીટ મળે તો તમે શુ કરો ?

મહેશ સિધ્ધપુરા (બાબરા)

ટીકીટ મારા મોબાઈલના સ્ટેટ્સમાં રાખું..!

(11) સર,મને પેટમાં માથું બહુ દુખે છે, કોઈ ઉપાય ?

જીગર યાદવ (કરજણ)

તમે  તમારા મોબાઈલની સ્ક્રીન પર બામ ઘસો.

(12)હાથમાં મહેંદી બહેનો જ શું કામ મૂકે?

ચાંદની એસ. હિરપરા (તરઘરી)

આમ કહીકહીને તમે ભાઈઓને પણ મહેંદી મુકતા કરી દેશો એવું લાગે છે!

(13) બસમાં સ્લીપર કોચનો વિચાર કોને આવ્યો હશે?

ધવલભાઈ પાનવાળા (રાજકોટ)

જે છોકરાંને ટીંગાટોળી કરીને શાળાએ મુકવા જવો પડતો હોય એને આવો વિચાર આવ્યો હશે. કેમ કે સુતાસુતા જવાનો વિચાર એને જ આવે.

(14)એક હજારની નોટના કેટલા હજાર આવે?

પ્રેમ ભૂવા (ગલકોટડી)

એક હજાર(પૈસા).

(15)એવું ક્યારેય થયું છે કે કોઈ ઊંધું ચાલતું હોય તોય તમે એનો વિરોધ ન કર્યો હોય?

જય દવે(ભાવનગર)

હા, ડેપોમાં બસ ઊંઘી ચાલીને પ્લેટફોર્મ પર મુકાતી હોય એનો મેં ક્યારેય વિરોધ નથી કર્યો.