શહેરના પાંડેસરા વિસ્તારમાં એક ચોંકાવનારી અને હૃદયવિદારક ઘટના સામે આવી છે, જ્યાં કૌટુંબિક મતભેદે અત્યંત ભયાનક સ્વરૂપ ધારણ કર્યું છે. દીકરીની સગાઈના મુદ્દે થયેલા વિવાદમાં જમાઈએ પોતાની જ સાસુ પર જ્વલનશીલ પદાર્થ છાંટી તેમને જીવતા સળગાવી દેતા વિસ્તારમાં હાહાકાર મચી ગયો છે. ગંભીર રીતે દાઝેલી વૃદ્ધાનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજતા પોલીસે આરોપી સામે હત્યાનો ગુનો દાખલ કરી ઝડપી પાડ્યો છે.
મળતી માહિતી મુજબ, પાંડેસરા વિસ્તારની ગૌરીનગર સોસાયટીમાં રહેતી આશાબેન જાદવના પરિવારમાં દીકરીની સગાઈ અંગે વિવાદ ચાલી રહ્યો હતો. શરૂઆતમાં દીકરીની સગાઈ એક જગ્યાએ નક્કી કરવામાં આવી હતી, પરંતુ બાદમાં આશાબેનની માતા રત્નાબેન સોનવણેએ તે સગાઈ તોડાવી દીકરીની સગાઇ અન્ય જગ્યાએ કરાવી હતી.
આ નિર્ણયથી આશાબેનના પતિ મનોહર હિંમત મહાજન અસંતોષમાં હતા. મનોહરનો આગ્રહ હતો કે સગાઈ તેના જણાવ્યા મુજબ જ થવી જાઈએ. આ મુદ્દે પરિવારમાં તણાવ સતત વધતો ગયો હતો, જે અંતે ભયાનક ઘટનામાં સામે આવી હતી.
૧૫ એપ્રિલની રાત્રે જ્યારે રત્નાબેન પોતાના ઘરના ઓટલા પર બેઠા હતા, ત્યારે મનોહર મહાજન ત્યાં પહોંચ્યો. તે પોતાની સાથે પ્લાસ્ટિકની બોટલમાં જ્વલનશીલ પ્રવાહી પેટ્રોલ જેવો પદાર્થ લઈ આવ્યો હતો.
અચાનક તેણે રત્નાબેન પર તે પ્રવાહી છાંટી દીધો અને તરત જ દીવાસળી સળગાવી આગ ચાંપી દીધી. ઘટનાની ગંભીરતા એટલી હતી કે રત્નાબેન પળવારમાં જ આગની લપેટમાં આવી ગયા. ચીસો સાંભળીને આસપાસના લોકો દોડી આવ્યા, પરંતુ ત્યાં સુધીમાં તેઓ ગંભીર રીતે દાઝી ચૂક્યા હતા. માહિતી મુજબ, આરોપીએ આશાબેનના પુત્ર હરીશને પણ સળગાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સદનસીબે તે બચી ગયો.
ઘટના બાદ પરિવારજનો અને સ્થાનિકોએ તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સની મદદથી રત્નાબેનને નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા હતા. ડોક્ટરોએ તેમને બચાવવા માટે તમામ પ્રયાસ કર્યા, પરંતુ ગંભીર દાઝના કારણે તેમની સ્થિતિ સતત નાજુક રહી.અંતે ૧૭ એપ્રિલના રોજ સારવાર દરમિયાન તેમનું દુઃખદ અવસાન થયું. તેમના મોતથી પરિવારજનોમાં શોકની લાગણી છવાઈ ગઈ છે, જ્યારે સમગ્ર વિસ્તારમાં આ ઘટનાને લઈને આક્રોશ જાવા મળી રહ્યો છે.
આ બનાવ બાદ પાંડેસરા પોલીસે શરૂઆતમાં આરોપી વિરુદ્ધ હત્યાના પ્રયાસનો ગુનો નોંધ્યો હતો. જાકે, રત્નાબેનના મોત બાદ કેસમાં ભારતીય ન્યાય સંહિતા હેઠળ કલમ ૧૦૩(૧) મુજબ હત્યાનો ગુનો ઉમેરવામાં આવ્યો છે.
પોલીસ કમિશનરના માર્ગદર્શન હેઠળ કેસની તપાસ ઝડપી ગતિએ હાથ ધરવામાં આવી હતી. સર્વેલન્સ ટીમે હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સાધનોની મદદથી આરોપીની હિલચાલ પર નજર રાખી હતી.
પોલીસે ઝડપી કામગીરી કરીને આરોપી મનોહર હિંમત મહાજન (ઉંમર ૪૯) ને કર્મયોગી સોસાયટી-૨ વિસ્તાર પાસેથી પકડી પાડ્યો હતો. હાલ તેને કસ્ટડીમાં લઈ વધુ પૂછપરછ ચાલી રહી છે. પોલીસ આ ઘટનામાં કોઈ અન્ય વ્યક્તિની સંડોવણી છે કે નહીં તે દિશામાં પણ તપાસ કરી રહી છે.










































