ગુજરાતમાં સીતાફળ એ સૌથી વધુ ઉગાડવામાં આવતા ફળોમાંનું એક છે. ભાવનગર, અમદાવાદ, દાહોદ, પંચમહાલ, વડોદરા અને જૂનાગઢ વિગેરે જેવા જિલ્લાઓ સીતાફળનું ઉત્પાદન કરવામાં મોખરે છે.
સીતાફળની જાતો:- ભારતમાં સીતાફળની ઘણી જાતો પ્રચલિત છે. તેમાથી મુખ્ય મેમથ, વોશિંગ્ટન, સિંધન, લાલ સીતાફળ, બાલાનગર વિગેરે છે. તેમાંથી સિંધન અને બાલાનગર ગુજરાતની મુખ્ય જાતોમાંની એક છે.
જમીન અને આબોહવા:- સીતાફળ એ ઊષ્ણ કટીબંધીય આબોહવામાં પાકતું ફળ છે તેમજ સીતાફળના વાવેતર માટે કોઈપણ પ્રકારની જમીન માફક આવે છે. સીતાફળના છોડના વિકાસ તેમજ ફળ બેસવાના સમયે વાતાવરણમાં ભેજનું પ્રમાણ અને સામાન્ય ગરમી હોવી જરૂરી છે. પરંતુ સતત પડતો વરસાદ ફળ બેસવાની પ્રક્રિયાને નુકસાન કરી શકે છે.
નર્સરીનો ઉછેર:- સીતાફળની નર્સરી બનાવવા માટે બીજને ૨.૦ સે.મી. ઊંડે જમીનમાં અથવા કુંડામાં રોપી છોડને સારી રીતે ઉછેરી શકાય છે. જમીનમાં ભેજનું પ્રમાણ જળવાઈ રહે તે માટે નિયમીત પાણી આપવું જરૂરી છે. જ્યારે રોપાની ઉંચાઇ ૩૦ સે.મી. થાય ત્યારે તેને જમીનમાં ખાડો કરી યોગ્ય ખાતર સાથે વાવવું જોઈએ.
જમીનમાં ફેરબદલી અને કાપણી:-
સીતાફળના રોપાની વાવણી કરતાં પહેલા જમીનમાં ૬૦ટ૬૦ટ૬૦ સે.મી. માપના ખાડા તૈયાર કરી તેના પર એક અઠવાડિયા સુધી સૂર્યની ગરમી પાડવા દેવી. તૈયાર કરેલ ખાડામાં સારી ગુણવત્તા વાળું ખાતર અને માટીને બરોબર ભેળવીને નાખવું. સીતાફળનાં છોડના ઘેરાવાને તેમજ તેના વિકાસને ધ્યાનમાં રાખીને વાવણી સમયે બે છોડ વચ્ચેનું અંતર ૫ટ૫ મીટર રાખવું. સીતાફળના છોડના વિકાસ તેમજ સારું ઉત્પાદન મેળવવા માટે છોડની વધારાની ડાળીઓને સમયાંતરે કાપણી કરવી જોઈએ.
ખાતર:- છોડનું આયુષ્ય વધારવા, છોડના સંવર્ધન અને ગુણવત્તાસભર ઉત્પાદન મેળવવા માટે છોડમાં પ્રમાણસર ખાતર આપવું જરૂરી છે. સીતાફળ છોડના થડમાં ખાતર આપવાના બદલે થડથી ૩૦ સે.મી. ગોળ મારીને ખાતર આપવું હિતાવહ છે. સીતાફળના છોડમાંથી વધુ ઉપજ મેળવવા માટે પ્રતિ છોડ ૨૫૦ ગ્રામ નાઇટ્રોજન, ૧૨૫ ગ્રામ પોટાશ અને ૧૨૫ ગ્રામ ફાસ્ફરસનો ડોઝ આપવો જોઇએ. (ક્રમશઃ)