સાવરકુંડલા નગરપાલિકાની સામાન્ય સભામાં પ્રમુખ મેહુલ ત્રિવેદી દ્વારા રજૂ કરવામાં આવેલું રૂ.૧૮૨ કરોડનું અંદાજિત બજેટ બહુમતી સાથે પસાર કરવામાં આવ્યું છે. કુલ ૨૯ સભ્યોમાંથી ૨૨ સભ્યોએ બજેટના સમર્થનમાં મતદાન કર્યું હતું, જ્યારે ભાજપના બે અને કોંગ્રેસના પાંચ મળી કુલ સાત સભ્યોએ વિરોધ નોંધાવ્યો હતો. આ બજેટમાં શહેરના વિકાસકાર્યો અને નાગરિક સુવિધાઓ પર ભાર મૂકવામાં આવ્યો હોવાનો દાવો સત્તાધારી પક્ષ દ્વારા કરવામાં આવ્યો છે. જોકે, વિપક્ષી નેતા નાસિર ચૌહાણ અને પૂર્વ પ્રમુખ ડી.કે. પટેલે બજેટના આંકડાઓ પર ગંભીર સવાલો ઉઠાવીને તેને માત્ર આંકડાકીય માયાજાળ ગણાવી હતી. વિપક્ષી નેતા નાસિર ચૌહાણે બજેટના આંકડાઓમાં રહેલી મોટી ક્ષતિ તરફ ધ્યાન દોરતા જણાવ્યું હતું કે, બજેટના પ્રથમ પેરા મુજબ ૧ એપ્રિલ ૨૦૨૫ થી ૩૧ ડિસેમ્બર ૨૦૨૫ સુધીના નવ મહિનાના ગાળામાં રૂ.૪૫.૧૮ કરોડનો ખર્ચ દર્શાવાયો છે. તેની સામે માત્ર ત્રણ મહિનાના ટૂંકા ગાળામાં એટલે કે ૧ જાન્યુઆરી ૨૦૨૬ થી ૩૧ માર્ચ ૨૦૨૬ સુધીમાં રૂ.૭૨.૧૭ કરોડનો જંગી ખર્ચ અંદાજવામાં આવ્યો છે. નવ મહિના કરતા ત્રણ મહિનાનો ખર્ચ બમણો દર્શાવવા પાછળના તર્ક પર વિપક્ષે સવાલ ઉઠાવ્યા હતા. બજેટમાં આ પ્રકારની ગણતરીઓ અતાર્કિક હોવાનું જણાવી વિરોધ પક્ષે આ બજેટને લોકહિતના બદલે માત્ર કાગળ પરનું આયોજન ગણાવ્યું હતું.