(1) શું મંગળ ગ્રહને ભારતીય છોકરાછોકરીઓનાં લગ્નમાં અડચણ ઉભી કરવાનું એક જ કામ હશે કે?

કનુભાઈ લિંબાસિયા ‘કનવર’ (ચિત્તલ)

અડચણ દૂર થઈ જાય પછી ચડભડ ચાલુ કરવી હોય ત્યારે કહેજો. બીજા કોઈ ગ્રહ સાથે મુલાકાત કરાવી આપીશું.

(2) યમરાજનો પાડો જોવાની ઈચ્છા હતી, શું કરું?

જસ્મિનબેન પટેલ (પાલનપુર)

આઠ દિવસ સુધી વંદો અને ત્રણ દિવસ ગરોળી જોવાનો પ્રયત્ન કરો. એમાં સફળતા મળશે તો પાડાવાળું ગોઠવી આપીશું.

(3) કિન્નરો અલગ પ્રકારનીએ તાળીઓ શા માટે પાડે છે ?

ડાહ્યાભાઈ આદ્ગોજા (લિલિયા મોટા)

અલગ પ્રકારની એટલે કેવી?.. એકવાર પાડી બતાવો તો..!

(4) મારા સસરાને પંખો ફૂલ સ્પીડમાં રાખીને સુવાની ટેવ છે. એના લીધે લાઈટબીલ વધારે આવે છે. શું કરવું?

રમાબેન પટેલ (અમદાવાદ)

સસરાને કાંઈ ન કરતા.પંખામાંથી એક પાંખડુ કાઢી નાંખો.

(5) અલગ અલગ ગુણ ધરાવતા માણસોનું એક સંગ્રહસ્થાન ન બનાવવું જોઈએ?

રામભાઈ પટેલ (સુરત)

તમે ક્યાં પિંજરામાં રહેવાનું પસંદ કરશો?

(6)જ્યોતીન્દ્ર દવે, અશોક દવે, પ્રકાશ દવે.. આ હાસ્યલેખકોને યોગ્ય ક્રમમાં ગોઠવો.

ઊર્મિ પરીખ (રાજકોટ)

તમે યોગ્ય ક્રમમાં જ ગોઠવી દીધા છે… જો કે ઘણાં લોકોને છેલ્લેથી વાંચવાની ટેવ હોય છે!

(7)દિલ તો પાગલ હૈ, દિલ તો બચ્ચા હૈ, દિલ દિવાના હૈ, તો ખરેખર દિલ છે શું?

આસિફ કાદરી (રાજુલા)

દિલ એક મંદિર હૈ!

(8) લોકો કહે છે કે બે નંબરના પૈસા છે પણ મને તો નોટ પર એક જ નંબર દેખાય છે?

શંભુ ખાંટ ‘અનિકેત’ (પાટયો-અરવલ્લી)

એક જ નંબર દેખાતો હોય એવી બધી નોટ તાત્કાલિક મને મોકલી દો.. આવી નોટ (તમારા) ઘરમાં રાખવી એ ગૂનો છે!

(9)દિવાળીમાં કોઈ સ્કીમ નથી ‘હાસ્યાય નમઃ’માં ? કે પૂછો એક સવાલ મળશે ૧૦ જવાબ ?

વર્ષાબેન પંપાણિયા( રાજુલા)

છે ને સ્કીમ.. તમે એક જ સવાલ પૂછ્યો છે પણ જેટલા જવાબ જોઈતા હોય એટલા સંજોગ ન્યૂઝ બજારમાંથી લઈ આવો.

(10)પરીક્ષાના સમય દરમિયાન શિક્ષકો એમ કહે કે તમે ટેન્શન જ નથી લેતા. આ ટેન્શન કઈ રીતે  દેખાડવું?

સૈયદ રાબિયા (બાબરા)

પરીક્ષા ખંડમાં જાતાવેંત શિક્ષક સામે જોઈ ભેકડો તાણીને રોવા માંડવું. શિક્ષક જ કહેશે, ‘બેટા ટેંશન લે મા.

(11) સતયુગ અને કળિયુગમાં ફરક શું છે?

ચાંદની એમ. ધાનાણી (અમદાવાદ)

સત અને કળિનો.

(12)  જેનું નામ દિવાળી  હશે  એને ઘેર રોજ દિવાળી હશેને?

કટારીયા આશા એચ. (કીડી)

મળવા જાય એટલો સમય એ લોકો હોળી ઉજવે!

(13)જ્યારે આપણે કોઈ કાપડની દુકાને ખરીદી કરવા જઈએ ત્યારે તે કહે છે કે આટલા ભાવમાં તો મારા ઘરે આવે છે તો શું આપણે તેના ઘરેથી લઈ આવી શકાય ?

જીગર યાદવ (દાત્રાણા-પાટણ)

હા, પણ એના ઘરે કાયમ બોર્ડ માર્યું હોય છે કે સ્ટોક ખલાસ છે..!

(14)આ દિવાળીએ ફટાકડા ફૂટશે કે સુરસુરિયા થાશે?

પ્રેમ ભુવા (ગળકોટડી)

ગામને ખબર…!

(15) ‘કલ કરે સો આજ કર આજ કરે સો અબ’ આવુ  કોણ કોને કહે છે?

ભાવેશ ડાંગર ( ગળકોટડી )

કોઈક હિન્દીભાષીએ હિન્દી ન જાણનાર ગુજરાતીને કહ્યું હોવું જોઈએ. તો જ હજી એણે કાંઈ કર્યું ન હોય.