આરએસએસના વડા મોહન ભાગવતે કહ્યું કે, સંઘ પરિવારે ક્યારેય પણ કેટલાક ગ્રુપને આપવામાં આવેલા અનામતનો વિરોધ કર્યો નથી. હૈદરાબાદમાં એક શૈક્ષણિક સંસ્થાના કાર્યક્રમમાં ભાગવતે કહ્યું કે, જ્યાર સુધી જરૂર હોય અનામત વધારવું જાઇએ.
મોહન ભાગવતે કહ્યું, “સંઘ શરૂઆતથી જ બંધારણ અનુસાર તમામ અનામતનું સમર્થન કરતું રહ્યું છે પરંતુ કેટલાક લોકો ખોટા વીડિયો પ્રસાર કરી રહ્યાં છે.” મોહન ભાગવતનું આ નિવેદન અનામતને લઇને ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ચાલી રહેલા વાકયુદ્ધ વચ્ચે આવ્યું છે.
આરએસએસ પ્રમુખ મોહન ભાગવતે ગત વર્ષે નાગપુરમાં કહ્યું હતું કે, જ્યાર સુધી સમાજમાં ભેદભાવ છે ત્યાર સુધી અનામત ચાલુ રહેવું જાઇએ. મોહન ભાગવતે કહ્યું, “એક વીડિયો પ્રસાર કરવામાં આવી રહ્યો છે કે આરએસએસ અનામત વિરૂદ્ધ છે અને અમે તેના વિશે બહાર બોલી શકતા નથી. હવે આ પુરી રીતે ખોટો છે. આ અસત્ય વાતો છે અને ખોટી વાત છે. સંઘ શરૂઆતથી જ બંધારણ અનુસાર, તમામ અનામતનું સમર્થન કરતું રહ્યું છે.”
દેશમાં લોકસભા ચૂંટણી ૨૦૨૪ માટે બે તબક્કામાં ૧૯૦ બેઠકો પર ચૂંટણી યોજાઇ ગઇ છે અને પાંચ તબક્કા હજુ પણ બાકી છે. પહેલા પણ કેટલીક પાર્ટીના નેતા ભાજપ અને આરએસએસ પર આરોપ લગાવતા રહ્યાં છે કે તે અનામત ખતમ કરી નાખશે. આ બધા વચ્ચે હવે ચૂંટણીના સમય વચ્ચે અનામતને લઇને એક વીડિયો સર્કુલેટ થઇ રહ્યો છે જેના પર મોહન ભાગવતે સ્પષ્ટતા કરી છે.