(1)પરીક્ષામાં પ્રશ્ન સહેલો હોય કે સવાલ ?

જીગર યાદવ (દાત્રાણા-પાટણ)

બન્ને સહેલા હોય પણ બેય ભેગા પુછાય ત્યારે અઘરું પડે.

(2).ટાટા આઇ. પી. એલ. ’23 ની ડ્રીમ ઇલેવનમાં બીજું ઇનામ એક કરોડ છેં તો પહેલું ઇનામ કેટલું હશેં?

કનુભાઈ લિંબાસિયા ‘કનવર'(ચિત્તલ)

હશે હો બે કરોડ જેવું.. પણ આ ટીમ ઇલેવન સાંભળ્યું હતું. ડ્રીમ ઇલેવન નવું લઈ આવ્યા.. આમાં બધા ખરેખર રમે કે એકબીજાનાં સપનામાં આવીને રમે?!

(3)લોકો ફોટા પડાવે ત્યારે આજુ – બાજુ, ઉપર – નીચે એવુ કેમ જુએ છે, સામે જોઈને ફોટા  કેમ પડાવતા નથી ?

મહેન્દ્ર મકવાણા સોખડા રાધુ (કરજણ વડોદરા)

કેમેરો આપણે જેવા હોઈએ એવા બતાવી દે છે. ફોટો પાડતી  વખતે કેમેરામાં પ્રકાશ પણ થાય છે. મતલબ કે સત્ય અને પ્રકાશ સામે જોઈ ઉભા રહેવું એ જેવાતેવાનું કામ નથી.

(4)મેં આધારકાર્ડ કઢાવતા પહેલા દાઢી કઢાવી નાખી, ચૂંટણીકાર્ડ વખતે મૂછો કઢાવી નાખી, પાનકાર્ડ વખતે માથાના વાળ કઢાવી નાખ્યા. હવે કોઈ નવું કાર્ડ નહિ કઢાવવું પડેને?

ધવલભાઈ પાનવાળા (રાજકોટ)

તમને વાળ સાથે વાંધો છે કે વાળંદ સાથે?!

(5) “લાખો મેં એક”ઈ વળી કોણ હશે?

હરિભાઈ ધોરાજિયા (લીલિયા મોટા)

હરિભાઈ જ હોયને!

(6) 2050ની સાલમાં મોબાઈલ ફોનમાં કેટલી ક્રાંતિ થઈ હશે?

દર્શ પટેલ (વડોદરા)

અત્યારે ફાઈવ જી ચાલે છે ત્યારે અઠયોતેર હજાર નવસો પિસ્તાલીસ જી ચાલતું હશે અને બોલવામાં બહુ લોચો પડવાનો.

(7) ‘મહેતો મારેય નહીં ને ભણાવેય નહી’ આ કહેવત વિશે તમારું શું માનવું છે?

  શંભુ ખાંટ ‘ અનિકેત ‘  (પાટયો-અરવલ્લી)

લે હજી નિવૃત્ત નથી થયો?!

(8)બીટીએસનું ફૂલ ફોર્મ?

નિસર્ગી ભોલા (રાજુલા)

બસમાં ટીંગાયેલો સ્ટુડન્ટ.. એવું થતું હોવું જોઈએ!

(9)અમારે હસ્તમેળાપ થયા પછી મનમેળાપ થતો નથી. કોઈ ઉપાય?

સંજયભાઈ જોશી (બાબરા)

ગોરદાદાને ગોતો અને દક્ષિણા બાકી રહી ગઈ હોય તે ચૂકવી આપો.

(10) લગ્નેલગ્ને કુંવારા…આ કહેવત ક્યાંરથી અમલમાં  આવી?

ગોબરભાઈ આર.ધોરાળીયા (ભોયકા-લીંબડી)

આ કહેવત જેના લીધે પડી એના ત્રીજા લગ્નના બીજા દિવસે.

(11)શા માટે કૂતરાઓ હાથીની પાછળ ભસે છે?

યોગેશભાઈ આર જોશી (હાલોલ-પંચમહાલ)

તમે ઘેર  હાથી બાંધ્યો છે કે કૂતરો પાળ્યો છે?!

(12)તમને કોઈ મંદિરની સેવા સોંપવામાં આવે તો એક હાથે આરતી ને બીજે હાથે ટકોરી વગાડતા આવડશે તમને ?

રાજુ એન. જોષી (ધરાઈ બાલમુકુંદ)

નગારાની જેમ લાઈટથી ચાલતી ટકોરીનું ગોઠવોને કઈક!

(13)આ નવો કાયદો આવવાથી પેપર કેમ નઈ ફૂટતું હોય?

મકવાણા વિશાલ (બાબરા)

નથી ફૂટતું એમાં રાજી થયા છો કે અફસોસ થાય છે?!

(14)પાણી પહેલા પાળ બાંધવી એવી કહેવત છે તો લોટ બાંધતા પહેલા શું બાંધવું ?

ગીરીશ મકવાણા  (કોડીનાર)

કમર પર બેલ્ટ!

(15)કોઈએ ના પૂછ્યો હોય એવો પ્રશ્ન મને કહેશો ?

સરદારખાન મલેક (મહેસાણા)

હું ડાહ્યો ક્યારે થઈશ?!