ગાંધીજી એવું કહેતા કે અહિંસાની પ્રેરણા એમને ‘ભાગવત્ ગીતા’ માંથી મળી છે. પણ કેટલાક સવાલ ઉઠ્યા હતાઃ ગીતામાં કૃષ્ણ ભગવાન અર્જુનને હિંસા કરવા માટે ઉભો કરે છે. લડવા તૈયાર કરે છે !!! કાંઈ લોચો તો નથી માર્યોને ?! ત્યારે બાપુ એકદમ ‘બાપુ સ્ટાઈલ’માં કહેતા – ‘મારા વ્હાલા !!! મહાભારતનું યુદ્ધ એ તો સત્ય અને અસત્યની લડાઈ દર્શાવતું એક રૂપક છે. તે તો ક્યાંય લડાયું જ નથી.!’
પછી તો ઘણા લોકો એવું માનતા થઈ ગયેલા કે હવે ‘બાપુ’ હાચા. આ તો ઠીક છે, ગાંધી બાપુને પતંગ યાદ ન આવ્યા. નહિતર તેઓ એકદમ બારૈયા સ્ટાઈલમાં આસાનીથી કહી શક્યા હોત કે ભાઈ કૃષ્ણ જેવા વડીલ અને દ્રોણ જેવા ગુરુઓ અને કૃષ્ણ જેવા ભગવાન બેઠા હોય ત્યાં સુધી પાંડવો અને કૌરવો જેવા કાકાઈ ભાઈઓની એવી હિમ્મત છે કે તેઓ અંદરો-અંદર લડી શકે ? એવું કદાપી બન્યું ન હોત.
પણ ગાંધીજી સાથે મારા મતભેદો છે. હકીકતમાં મહાભારતનું યુદ્ધ એ કોઈ રૂપક નથી પરંતુ એક ‘પતંગ યુદ્ધ’ છે. પાંડવો અને કૌરવો એકબીજા સામે હાથાપાઈ કરીને લડ્યા જ નથી. બાણ, તલવાર, ભાથા, ભાલા, તીર; આ બધા પતંગોનાં નામ છે. બી.આર. ચોપરાએ આકાશમાં ટકરાતાં શાસ્ત્રો બતાવ્યા છે તે હકીકતમાં શસ્ત્રો નથી પણ એક પ્રકારના પતંગો છે. યુદ્ધભૂમિ પરના આકાશમાં શસ્ત્રો ધીમે-ધીમે નજીક આવે, ટકરાય, તૂટી પડે… આ બધું શું ? હકીકતમાં તો એ પતંગોના પેચ લડાવતા હોય તેનું વર્ણન છે. ‘કાપો… કાપો…”ના નારા એ પેચ લડાવવા માટે એકબીજાને પાનો ચડાવવા માટેના નારા છે. ખુદ કૃષ્ણએ આ પતંગ પોતે ઉડાવ્યો હતો એવું વર્ણન છે. તેના બનેવી અર્જૂનની ફિરકી પકડવાનું સ્વીકાર્યું હતું. પતંગયુદ્ધ પહેલા એવી જાહેરાત કરી હતી કે હું પતંગ ઉડાવીશ નહી, માત્ર ફીરકી જ પકડીશ. પણ વચ્ચે અર્જુનનો પતંગ કપાઈ જાય એવી પરિસ્થિતિ ઉભી થતા કૃષ્ણએ ફીરકીનું એક બાજુનું ચકરડું કાઢીને તેનો લંગર બનાવી સામાવાળાના પતંગને લપેટાવવાની કોશિશ કરી હતી.
એટલે મહાભારતનું યુદ્ધ ખરેખર તો પતંગ યુદ્ધ જ હતું એવું પૂરવાર થાય છે. નહિતર મોટા-મોટા વડીલો એમાં જોડાય ખરા ? એ લોકોને ય ખબર પડતી હતી કે અંદરો-અંદર ડખા કરવાથી કે ખૂન-ખરાબા કરવાથી માત્ર પોલીસ અને વકીલોને જ ફાયદો થાય છે. તે સમયે જાણીતા ઇલેક્ટ્રોનિક મીડિયાના સ્થાનિક ચેનલોના પત્રકારોએ આ પતંગનું યુદ્ધનું લાઈવ પ્રસારણ પણ કર્યું હતું. ‘દિવ્ય દર્શન’ નામની એક ચેનલના માધ્યમથી સંજય એક બંગલામાં બેઠો બેઠો “કુરુક્ષેત્ર કાઇટ ફેસ્ટિવલ” માણી રહ્યો હતો અને એના પરથી એવી લાઈવ કોમેન્ટરી ધૃતરાષ્ટ્રને સંભળાવતો હતો. સ્ટાર પત્રકાર વેદ વ્યાસે તો તેના રિપોર્ટિંગમાં આ કવરેજનું પણ કવરેજ લીધું છે. ‘હસ્તિનાપુર ન્યૂઝ’ માં છપાયેલા તેના ૮ આર્ટિકલોનું બાદમાં ‘વેદ વ્યાસ કૃત મહાભારત’ નામથી પુસ્તક રૂપે પ્રકાશન થયું છે, તે આપ જોઈ શકો છો.
વિવિધ વર્ણનોમાં લાશોના ઢગલા છે તે હકીકતમાં કપાયેલા પતંગો છે અને લાશોના ઢગલા ઉઠાવનારાઓનું જે વર્ણન છે તે હકીકતમાં પતંગ લૂંટવા જનારાઓ છે.
ઓરિજિનલ મહાભારતની રીમેક કરેલી પ્રતો પ્રસિદ્ધ કરનારાઓ કંઇક એવું કહે છે કે પાંડવો ક્યાંકથી દ્રૌપદી નામની એક સ્ત્રીને લઇ આવેલા; ને હરખથી માતા કુંતીએ જાણ કરી, તો કુંતીએ કહ્યું કે ‘પાંચેય વહેંચીને ખાવ.’ હવે, એવો નિર્ણય કોઈ માતા પોતાના પુત્રોને સંભળાવે ખરી ?
અસલ કથા એવી છે કે કૃષ્ણ પાસે ‘દોરાપટ્ટી’ નામની બ્રાન્ડવાળી એક ફિરકી હતી. એનું સાચું ઉચ્ચારણ નહીં કરી શકવાથી લોકો ‘દ્રોપદી’ ઉચ્ચાર કરે છે. એટલે દ્રૌપદી એ ફિરકી છે. આ ફીરકી અર્જુન કૃષ્ણ પાસેથી વાપરવા માટે લાવેલો. આ ફીરકી એકલો અર્જુન વાપરે એના કરતાં બધા ભાઈઓ વાપરે એ સારું કહી કુંતીએ બધા ભાઈઓને સંપીને વાપરવાનું કહ્યું. અને વાપરવા પણ લાગેલા. (તમારે વિચારવાનું હોય તો વિચારજો: કુંતીના સંપીને વાપરવાનો હુકમ ફિરકીના સંદર્ભમાં જ છે, સ્ત્રીના અર્થમાં બંધબેસતો ના લાગે. સ્ત્રીના સંદર્ભે હોત તો અનેક મહિલા સંસ્થાઓએ આંદોલનો કર્યાના કિસ્સાઓ નોંધાયા હોત. એક દિવસ એવું બન્યું કે કૌરવો અને પાંડવો જુગાર રમવા બેઠા એમાં પાંડવો પાસે કેશ ખૂટી ગઈ હતી અને અર્જુન પાસે પોતાની દોરાપટ્ટી નામની ફીરકી હતી જ એટલે પૈસા ને બદલે એ મૂકી દીધી. તો એ પણ હારી ગયા એટલે જયેષ્ઠ ભ્રાતા યુધિષ્ઠિર ગશ કરી. એણે કહ્યું કે આ ફિરકીમાં જેટલી દોરી છે એટલી તમે લતી અથવા દડો બનાવીને લઈ લો અને ફીરકી અમને પાછી આપો. કૌરવો ફીરકીમાંથી દોરી ખેંચી ખેંચીને થાકી ગયા પણ આ અખૂટ ફિરકીમાંથી દોરી પૂરી થઈ જ નહીં. પાછલા બારણે કૃષ્ણ આ ફીરકી પકડીને બેઠા હતા એની કૌરવોને ખબર ન હતી એટલે કૌરવોએ આખ-આખી ફિરકી આપી દેવાનો આગ્રહ રાખ્યો. પણ પાંડવો એ વાત સાથે
સહમત ન હતા એટલે પછી હસ્તિનાપુર સ્ટેટના વડીલોને લાગ્યું કે આ જાદુઈ ફિરકીના કારણે રાજકુમારો અંદરો-અંદરો લડાઈ શરૂ કરીને એકબીજાના વાળ ખેંચવા માંડશે ને નકામું થશે. એટલે આખરે તે દિવસે જ હસ્તિનાપુર સરકારે ૧૮ દિવસનો કાઈટ ફેસ્ટિવલ કુરેક્ષેત્ર ફિલ્ડમાં રમાડવાનું જાહેર કર્યું. (જેમાંથી પ્રેરણા મેળવીને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી તરીકે મોદી હતા ત્યારથી સરકાર દર વર્ષે કાઈટ ફેસ્ટિવલનું આયોજન કરે છે.)
કુરુક્ષેત્રનું યુદ્ધ એ માત્ર કાઈટ ફેસ્ટિવલ જ હતો એ સાબિત કરવા માટે મારી પાસે બીજી ઘણી બધી દલીલો છે. ગાંધીજી મહાભારતના યુદ્ધને સત્ય અને અસત્યની લડાઈનું કાલ્પનિક રૂપક ગણાવે છે પરંતુ મારું સંશોધન કહે છે કે તે એક એવો ઇતિહાસ છે કે જેમાં કર્ણોપકર્ણ પરંપરાએ અનેક ગાંધીફાળા કર્યા છે. દાખલા તરીકે પાંડવો પાંચ હતા એ વાત અમારું સંશોધન સ્વીકારી છે પરંતુ કોઈ મહિલા ૧૦૦ બાળકોને જન્મ આપી શકે તે વાત અમારું સંશોધન સ્વીકારતું નથી. વાસ્તવમાં કૌરવો પણ પાંચ કે છ જ હતા. દુર્યોધન, વિકર્ણ, દુઃશાસન વગેરે જે નામો જાણીતા છે એટલા જ. બાકી ૧૦૦ નામોનું જે લિસ્ટ છે તે તો પતંગના નામ છે. અંતમાં હું મહાભારતને સત્ય અને અસત્યની લડાઈનું કાલ્પનિક રૂપક ગણાવવા બદલ ગાંધીજીનો આભાર માનું છું કારણ કે તેના કારણે જ વાસ્તવિક ઇતિહાસ શું છે તેનું વાસ્તવિક સંશોધન કરવાની મને તક મળી છે. પરંતુ ઇતિહાસ ખરેખર શું છે તેની જેને ખબર જ નથી પડતી એવા ઇતિહાસકારો શું મારી વાત માનશે? એ લોકોએ ગાંધીજીની વાત પણ માની નથી તો એ લોકો મારા સંશોધનના એકદમ ઊંડા ઊંડાણને સમજી શકશે? કે ઘીસીપીસી કરીને કટ કરી નાખશે?naranbaraiya277@gmail.com







































