લોકસભાની ચૂંટણી માટે તમામ રાજકીય પક્ષો કમર કસી છે. ભાજપ અને વિપક્ષનું ગઠબંધન ઇન્ડીયા દેશભરમાં વિશાળ રેલીઓનું આયોજન કરી રહ્યું છે. આ દરમિયાન ભાજપે અરુણાચલ પ્રદેશ માટે મેનિફેસ્ટો બહાર પાડ્યો છે. ઉલ્લેખનીય છે કે, ૧૯ એપ્રિલે પૂર્વોત્તર રાજ્ય અરુણાચલ પ્રદેશમાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણી એક સાથે યોજાવાની છે.
ભાજપના રાષ્ટિય અધ્યક્ષ જેપી નડ્ડાએ કહ્યું હતું કે, જે વિસ્તાર સંપૂર્ણપણે આતંકવાદ, હત્યાઓ અને બંધ સંસ્કૃતિ માટે જાણીતો હતો, તે હવે વિકાસના માર્ગે આગળ વધી ગયો છે. મોદી સરકારના છેલ્લા ૧૦ વર્ષના કાર્યકાળમાં થયેલા કામોને કારણે ઝડપી પ્રગતિ થઈ છે. દાયકાઓથી ઉત્તર-પૂર્વમાં ૨૦૧૪થી મોટો ફેરફાર જાવા મળ્યો છે. આ વિસ્તાર હવે પ્રગતિ, વિકાસ અને સમૃદ્ધિ માટે ઓળખ મેળવી રહ્યો છે. કેન્દ્રની ભાજપ સરકાર વીજળી, પ્રવાસન, ઈન્ટરનેટ, કનેક્ટિવિટી, કૃષિ અને રમતગમત સહિત ઘણા ક્ષેત્રોમાં પૂર્વોત્તર રાજ્યોના વિકાસ માટે કામ કરી રહી છે. પૂર્વોત્તર રાજ્યો માટે ભાજપનો ચૂંટણી ઢંઢેરો મજબૂત ઈન્ફ્રાસ્ટ્રક્ચર, મહિલા સશક્તિકરણ, રોજગાર અને જવાબદાર શાસનનું નિર્માણ કરવાનું વચન આપે છે.
ભાજપના રાષ્ટિય અધ્યક્ષ જેપી નડ્ડાએ વધુમાં જણાવ્યું હતું કે, ભાજપ સરકાર આગામી પાંચ વર્ષમાં રોડવેઝ, રેલ્વે અને પરિયોજનાઓ લાગુ કરીને રાજ્યમાં મલ્ટિ-મોડલ કનેક્ટિવિટી અને સંકલિત માળખાકીય વિકાસને પ્રોત્સાહન આપવા માટે પ્રતિબદ્ધ છે. એરવેઝ સેક્ટર આ માટે ‘અરુણાચલ પ્રદેશ ગતિ શક્તિ માસ્ટર પ્લાન’ લોન્ચ કરશે. તેમણે કહ્યું હતું કે ચૂંટણી ઢંઢેરામાં આપેલા વાયદાઓને લાગુ કરવા ભાજપ કટિબદ્ધ છે. અમે જે વચન આપ્યું હતું તે પૂર્ણ થઈ ગયું છે અને જે વચન નહોતું આપ્યું તે પણ પૂરું થયું છે. તેમણે કહ્યું કે પીએમ મોદી હંમેશા પૂર્વોત્તરને પ્રાથમિકતા આપે છે. છેલ્લા ૧૦ વર્ષોમાં તેમણે આ ક્ષેત્રને અન્ય ક્ષેત્રોની સમકક્ષ લાવવા માટે ઘણી પહેલ કરી છે.