બગસરાનાં નદીપરા વિસ્તારમાં બની રહેલ બગસરા અને ઝાંઝરિયાને જોડતા પૂલના કામમાં લોટ પાણી ને લાકડા જેવું ચાલી રહેલ છે. પાણી ભરેલા ખાડાને ખાલી કર્યા વિના કોંક્રિટ અને માલ બનાવી સીધી ભરતી કરતા નદીપરા વિસ્તારના લોકોએ વાંધો લીધો હતો. આ કામમાં ૪૦ એમ એમની કોંક્રિટને બદલે ૬૫ એમ એમની કોંક્રિટ વપરાય છે જ્યારે ૧૨ થેલી સિમેન્ટને બદલે ૪ થેલીનો માલ બનાવી કામ નબળું થતી હોવાની ફરિયાદો ઉઠી છે. એટલું જ નહીં બગસરા પાલિકાનાં ટાકામાં વપરાતી વીજળીના મીટરમાં છેડા ભરાવી ડાયરેક્ટ લાઈટ લેવામાં આવી રહેલ છે ત્યારે બગસરા પાલિકા પ્રમુખ સાથે વાત કરતા જણાવેલ કે માનવતાની રાહે આપેલ છે જો કોઈ વાંધો હોય તો તે અંગે વિચાર કરવામાં આવશે.
આ બાબતે ભૂતપૂર્વ એપીએમસીનાં ચેરમેન કાંતિભાઈ સતાસિયાએ વીડિયો પણ વાયરલ કરેલ હતો કે બગસરામાં ચાલી રહેલ પુલનાં કામમાં લોલમ લોલ ચાલી રહેલ છે. આવો નબળો પુલ બની ગયા પછી જો કોઈ જાનહાની થાય કે પછી પુલ તૂટી જાય તો આની સમગ્ર જવાબદારી પાલિકાની રહશે. લાખો રૂપિયાનાં ખર્ચે ચાલી રહેલ વિકાસનાં તમામ કામોમાં પાલિકા સદસ્યો પોતાનો સ્વાર્થ જોઈ પોતાના ગજવા ભરવામાં જ વ્યસ્ત છે. ત્યારે લોકોનાં મનમાં અનેક પ્રકારના સવાલો ઉઠી રહ્યાં છે કે આવા નબળી ગુણવત્તાવાળા કામની તપાસ કરવામાં આવે અને જલ્દીથી જલ્દી આવા કામ ઉપર રોક લગાવવામાં આવે તેવી માંગ ઉઠી છે.