ભારતનો પડોશી દેશ પાકિસ્તાન ભારતમાં થઈ રહેલી લોકસભાની ચૂંટણીને લઈને ચિંતિત દેખાયું છે. હાલમાં ભારતીય નેતાઓને ચૂંટણી દરમિયાન રાજકીય લાભ માટે પાકિસ્તાનનો ઉપયોગ કરવાથી દૂર રહેવા વિનંતી કરવામાં આવી હતી. વિદેશ મંત્રાલયના પ્રવક્તા મુમતાઝ ઝહરા બલોચે કહ્યું કે, ભારતીય રાજકારણીઓએ ચૂંટણીલક્ષી હેતુઓ માટે પાકિસ્તાનને વચ્ચે લાવવાની ખરાબ આદતને બંધ કરી દેવી જોઈએ. તેમણે કાશ્મીરને લઈને પણ જવાબ આપ્યો. પ્રવક્તાએ કહ્યું કે અમે જમ્મુ અને કાશ્મીર પર અયોગ્ય દાવો કરતા ભારતીય નેતાઓ દ્વારા કરવામાં આવી રહેલા ઉશ્કેરીજનક નિવેદનોમાં સતત વધારો જોઈ રહ્યા છે.
પ્રવક્તાએ પ્રેસ બ્રીફિંગ દરમિયાન જણાવ્યું હતું કે ભારતીય રાજકારણીઓ અતિ-રાષ્ટ્રવાદથી પ્રેરિત ભડકાઉ નિવેદનો કરીને પ્રદેશની શાંતિ અને સંવેદનશીલતા માટે ગંભીર જોખમ પેદા કરી રહ્યા છે. જમ્મુ-કાશ્મીરના મુદ્દા પર તેમણે કહ્યું કે ઐતિહાસિક અને કાયદાકીય તથ્યોની સાથે જમીની વાસ્તવિકતા પણ જમ્મુ-કાશ્મીર પર ભારતના પાયાવિહોણા દાવાઓને નકારી કાઢે છે. જોકે, ભારતે અગાઉ પણ જમ્મુ-કાશ્મીરને લગતા પાકિસ્તાનના નિવેદનોને ફગાવી દીધા છે.
પાકિસ્તાન સરકાર જમ્મુ-કાશ્મીરના મુદ્દે દિનપ્રતિદિન હોબાળો મચાવે છે. તાજેતરમાં પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રાયસી સાથે આ મુદ્દો ઉઠાવ્યો હતો, જ્યારે તેઓ પાકિસ્તાનની મુલાકાતે હતા.