૨૧ નિવૃત્ત ન્યાયાધીશોએ ભારતના મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડને પત્ર લખ્યો છે. આ પત્રમાં નિવૃત્ત ન્યાયાધીશોએ આરોપ લગાવ્યો છે કે કેટલાક લોકો દ્વારા ન્યાયતંત્રને નબળું પાડવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. પત્રમાં નિવૃત્ત ન્યાયાધીશોએ લખ્યું છે કે કેટલાક જૂથો દબાણ બનાવીને, ખોટી માહિતી ફેલાવીને અને જાહેરમાં અપમાન કરીને ન્યાયતંત્રને નબળું પાડવાનો પ્રયાસ કરી રહ્યા છે. અમે સંયુક્ત રીતે આ અંગે અમારી ચિંતા વ્યક્ત કરીએ છીએ. તેમણે લખ્યું છે કે અમારા ધ્યાનમાં આવ્યું છે કે કેટલાક તત્વો સંકુચિત રાજકીય હિતો અને વ્યક્તિગત લાભને ધ્યાનમાં રાખીને આવી કાર્યવાહી કરી રહ્યા છે. તેઓ આપણી ન્યાયિક વ્યવસ્થામાં લોકોના વિશ્વાસને નબળો પાડવાનો પ્રયાસ કરી રહ્યા છે.
તમને જણાવી દઈએ કે જે જજાએ ચીફ જસ્ટીસ ડીવાય ચંદ્રચુડને પત્ર લખ્યો છે તેમાં સુપ્રીમ કોર્ટના ૪ રિટાયર્ડ જજ દીપક વર્મા, કૃષ્ણ મુરારી, દિનેશ મહેશ્વરી અને એમઆર શાહનો સમાવેશ થાય છે. ૧૭ ભૂતપૂર્વ ન્યાયાધીશો છે જેઓ અલગ-અલગ હાઈકોર્ટમાં કાર્યરત છે. આ લોકોમાં એસએમ સોની, અંબાદાસ જોશી, પ્રમોદ કોહલી, એસએન ઢીંગરા, આરકે ગૌબા, જ્ઞાન પ્રકાશ મિત્તલ, રઘુવેન્દ્ર સિંહ રાઠોડ, અજીત ભરિહોકે, રમેશ કુમાર મેરુતિયા, રાકેશ સક્સેના, કરમચંદ પુરી અને નરેન્દ્ર કુમારનો સમાવેશ થાય છે. હાઈકોર્ટના અન્ય ભૂતપૂર્વ ન્યાયાધીશોમાં એસએન શ્રીવાસ્તવ, રાજેશ કુમાર, પીએન રવિેન્દ્રન, લોકપાલ સિંહ અને રાજીવ લોચનનો સમાવેશ થાય છે. આ ન્યાયાધીશોએ ભારતના મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડને પત્ર લખીને પોતાના વિચારો વ્યક્ત કર્યા છે.
પત્રમાં, ૨૧ ન્યાયાધીશોએ વધુમાં લખ્યું છે કે તેઓ ખોટી માહિતી અને રણનીતિ અને ન્યાયતંત્ર વિરુદ્ધ જાહેર ભાવનાઓને ભડકાવવાથી ચિંતિત છે. આ અનૈતિક અને આપણી લોકશાહીના મૂળભૂત સિદ્ધાંતો માટે હાનિકારક છે. ન્યાયાધીશો દ્વારા લખવામાં આવેલા પત્રમાં કહેવામાં આવ્યું છે કે જો કોર્ટ દ્વારા લેવામાં આવેલા નિર્ણયો કોઈના વિચારો સાથે મેળ ખાતા હોય તો તે ખૂબ જ પ્રશંસાપાત્ર છે. પરંતુ જે નિર્ણયો લોકોના વિચારો સાથે મેળ ખાતા નથી તેની ટીકા કરવામાં આવે છે. આનાથી દેશમાં ન્યાયિક સમીક્ષા અને કાયદાનું શાસન નબળું પડે છે.