વ્યારાના વાઘપાણી ગામમાં ચકચારી ઘટના બની છે. તાપીના સોનગઢના અગાસવાણ ગામના ૨૮ વર્ષીય સેમ્યુઅલ ગામીતનું મોત થયું હતું. વાઘપાણી ગામે આવેલી જંગલખાતાની જમીનમાં જૂની સ્ટોન ક્વોરીમાં ડૂબી જવાથી સેમ્યુઅલનું મોત થયું હતું. પહેલી નજરે આ મોત અકસ્માતમાં થયા હોવાનું સામે આવ્યું હતું પરંતુ પોલીસ તપાસમાં કંપાવનારી માહિતી સામે આવી છે.
કાકરાપાર પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને કડક પૂછપરછના આધારે આ સમગ્ર મર્ડર મિસ્ટ્રીનો પર્દાફાશ કર્યો છે. આ હત્યા પાછળ અન્ય કોઈ નહીં સેમ્યુઅલ ગામીતની પત્ની હતી. મૃતક સેમ્યુઅલની પત્ની પ્રતિભાને સોનગઢના આમલી ગામના નલિન નીલેશ ગામીત નામના યુવક સાથે અનૈતિક પ્રેમસંબંધ હતો. આ આડા સંબંધોમાં પતિ અડચણરૂપ બનતો હોવાથી આ આખું કાવતરું ઘડવામાં આવ્યું હતું.
મળતી માહિતી પ્રમાણે, તારીખ છઠ્ઠી ફેબ્રુઆરી, ૨૦૨૬ના રોજ વાઘપાણી ગામે આવેલી જંગલખાતાની જમીનમાં આવેલી જૂની સ્ટોન ક્વોરીમાં ભરાયેલા ઊંડા પાણીમાં ૨૮ વર્ષીય સેમ્યુઅલ બાબુભાઈ ગામીત નામના યુવાનની પાણીમાં ડૂબી જવાથી મોત થયું હતું. કાકરાપાર પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી. પ્રાથમિક તારણમાં તેમજ પોસ્ટમોર્ટમમાં પાણીમાં ડૂબી જવાથી અને શ્વાસ રૂંધાઈ જવાથી સેમ્યુઅલનું મોત થયું હોવાનું બહાર આવ્યું હતું. અગાસવાણ ગામમાં રહેતા મૃતક સેમ્યુઅલની પત્ની પ્રતિભા ગામીતના સોનગઢ તાલુકાના આમલી ગામના નલિન નીલેશ ગામીત નામના યુવક સાથે અનૈતિક પ્રેમસંબંધ હોવાનું પોલીસને તપાસ દરમિયાન જાણવા મળ્યું.
ત્યાર બાદની તપાસમાં કોલ રેકોર્ડીંગ, લોકેશન અને અન્ય સાક્ષીઓના નિવેદનના આધારે સમગ્ર કોયડો ઉકેલાયો. મરનાર સેમ્યુઅલના સોનગઢના બેડી ગામે રહેતા મિત્ર પ્રિન્સ શૈલેષ ગામીત, નલિન નીલેશ ગામીત, કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોર અને મરનાર સેમ્યુઅલની પત્ની પ્રતિભા ગામીતે વાઘપાણી ગામે આવેલી સ્ટોન ક્વોરીમાં ડુબાડીને સેમ્યુઅલને મોતને ઘાટ ઉતાર્યો હોવાનું બહાર આવ્યું.
કાકરાપાર પોલીસે સેમ્યુઅલના પિતા બાબુભાઈ કોટાભાઈ ગામીતની ફરિયાદ લઈ તમામ આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે.