માનવજીવન એ કુદરતે આપેલો અણમોલ ખજાનો છે. મનુષ્ય તરીકે જીવન મળવું એ ઈશ્વરનો પ્રસાદ છે. માનવ તું માનવ થા. ગમે તેટલું શિક્ષણ આવે પરંતુ કેળવણી ના આવે તો તેનો અર્થ શું? કેળવણીનું મુખ્ય કાર્ય માનવીને કેળવવાની સાથે સાથે દેશના જવાબદાર નાગરિક બનાવવાના છે. તેની અંદર રહેલી સુષુપ્ત શક્તિઓ થકી રાષ્ટ્ર નિર્માણમાં મૂલ્યવર્ધક બાબતો ઉમેરાય અને તેનો સર્વાંગી વિકાસ થાય તેવી તમામ બાબતો જેના થકી એક આદર્શ નાગરિક તરીકે સમાજમાં સારું જીવન જીવી શકે તેવી કલા એટલે કેળવણી.
વિલાસપુરના કલેક્ટર ડો.સંજય અલંગ કેન્દ્રીય જેલમાં ગયા તો તેમની નજર એક ૬ વર્ષની છોકરી ઉપર ગઈ. તેમણે તરત જ જેલરને કહ્યું કે, ‘આ કોણ છોકરી છે…? અને જેલમાં શું કરે છે…?’ તો જેલરે કહ્યું, ‘આ છોકરીના પિતા અહીં કોઈ ગુનાની સજા ભોગવી રહયાં છે તેની સાથે રહે છે, કેમકે છોકરી ૧૫ દિવસની થઈ હતી ત્યારે જ તેની માનું અવસાન થયું હતું અને હાલ એમના પિતા સિવાય છોકરીનું આ દુનિયામાં બીજું કોઈ જ નથી. એટલે તે તેના પિતા સાથે જેલમાં રહે છે.’ આ વાત સાંભળીને ભીની આંખે તરત કલેક્ટર સાહેબે તેને વ્હાલથી તેડીને પોતાની કારમાં બેસાડી. તેને જૈન ઇન્ટનેશનલ સ્કૂલમાં ભણવા માટે દાખલ કરી અને ભણવાનો તમામ ખર્ચ કલેક્ટર સાહેબ આપશે. સાચા કલેક્ટર ત્યારે બન્યા જ્યારે દીકરીમાં માનવતા દર્શાવી. ખુબ જ સમજવા જેવી અને એક સાચી હકીકત છે આ…..
સમૃદ્ધ ભારત તરફનું આ એક જરૂરી પ્રથમ પગલું છે. આ વાસ્તવિકતા જાણી મન ખુશ છે કે ચાલો માનવતા હજું જીવંત છે. માનવતાની દિવાલેથી…લોકો કહે છે ભગવાન ક્યાં છે ? તો તમને જણાવી દઉં ભગવાન આ કલેક્ટરના હૃદયમાં છે.
કેળવણી એટલે વ્યક્તિઓનો સર્વાંગી વિકાસ. બોધાત્મક, ભાવનાત્મક જોડાણ, સમાજ સાથેનું તાદાત્મ્ય, વ્યક્તિ વ્યક્તિ વચ્ચેના સદ્વિચારોનું આદાનપ્રદાન. ફક્ત માણસનો બૌદ્ધિક વિકાસ થાય તો ચાલશે? ના. માણસની બુદ્ધિમતા સાથે તેનામાં સંસ્કારોનું સિંચન થવું એટલું જ જરૂરી છે. જો વ્યક્તિનું બૌદ્ધિક સ્તર ઊંચું હશે અને તેનામાં નીતિમત્તા નહીં હોય તો શું તંદુરસ્ત સમાજનું સર્જન થઈ શકશે? પેઢી દર પેઢી મનુષ્યનો બુદ્ધિ આંક બદલાતો હોય છે, એક પેઢી કરતા આગળની પેઢી બે કદમ આગળ હોય છે. જેને આપણે વિકાસાત્મક અભિવ્યક્તિ ગણીશું, પરંતુ સાથે સાથે જૂની પ્રણાલી, જૂની બાબતો, પ્રક્રિયાઓ જો સાથે લઈને ચાલીશું તો એક ખૂબ સુંદર સમાજનું નિર્માણ થશે, માટે આજની આ પેઢીને ફક્ત પોપટીયું જ્ઞાન ના આપતા, તેને રોબોટ ના બનાવતા. સંસ્કારોનું સિંચન કરી યોગ્ય પથ બતાવી એક માનવીનું સર્જન કરીએ જે પ્રેમ, દયા, લાગણીથી પરિતૃપ્ત હોય. માણસાઈના દીવા માનવીના હૃદયમાં પ્રદીપ્ત હોવા જોઈએ. અનીતિ, ભ્રષ્ટાચાર, સગાવાદ, જાતિવાદ અને દેશ વિરોધી બાબતો શિક્ષણ આવ્યા પછી દૂર ના થાય તો તે ભણેલો ડફોળ છે. શિક્ષણનું મુખ્ય કાર્ય સમાજના સારા નાગરિકોની સાથે સાથે રાષ્ટ્રભાવના નિર્માણ કરવાની છે. ભારત મારો દેશ છે તેના સર્વાંગી વિકાસમાં મારું યોગદાન આપીશ. મારી ફરજ નિષ્ઠાથી બજાવીશ. દેશના મૂલ્યોને જાળવી તેનું સંવર્ધન કરીશ. પ્રમાણિકતાથી કાર્ય કરીશ અને કરાવીશ.
આજની પેઢી બદલાઈ રહી છે. લઘુતાગ્રંથિ અને ગુરુતાગ્રંથિથી પીડાતી તેમજ હંમેશા જીતની અભિલાષા સેવતી અને પોતાનામય બની રહી છે. આપણામાં એક કહેવત છે ‘કુમળો છોડ વાળીએ તેમ વળે’ તો આ છોડને ફક્ત અને ફક્ત સગવડ પૂરી ના પાડતા તેમનામાં કોન્ફિડન્સ તેમજ લાગણીઓ અને અને સમાજ ઉપયોગી એક કલ્યાણકૃત વ્યક્તિ બનાવવાની દિશામાં પ્રેરાઈએ.આજે ભૌતિકવાદમાં એટલા બધા વ્યસ્ત થઈ ગયા છીએ કે આપણા સંસ્કારો, ધાર્મિકતા, અધ્યાત્મિકતા અને
સંસ્કૃતિને ભૂલતા ગયા છીએ. રાષ્ટ્રની ધરોહર શ્રેષ્ઠ માનવ બની શ્રેષ્ઠ કાર્ય કરવાની છે. આ દેશમાં જન્મવું એ જ ગૌરવની બાબત છે. ગમે તેટલી ટેકનોલોજી આવશે પરંતુ હૃદયની ભાવનાત્મક ટેકનોલોજી નહીં આવે ત્યાં સુધી બધું નિરર્થક છે. કરોડો રૂપિયાની ટાંકીઓ તૂટી જાય, બ્રિજ બેસી જાય, પુરવઠા ખાતામાંથી અનાજ બારોબર વેચાઈ જાય, અંડર ટેબલ થકી ફાઈલોમાં લક્ષ્મીનો વેપાર થાય, ભેળસેળ કરીને અનાજ અથવા ફરસાણ વેચી માનવ સમુદાયને -જીવતા જીવને મારવાનું કૃત્ય મેડિકલ ક્ષેત્રે થાય, ખાદ્ય પદાર્થો અને અન્ય બાબતોમાં થતી છેતરપિંડી શું કેળવણી શીખવે છે?
નાનાભાઈ ભટ્ટના શબ્દોમાં કહીએ તો કેળવણીનું મુખ્ય કાર્ય માત્ર ભણાવવું નથી તેનો સર્વાંગી વિકાસ થાય એવું શિક્ષણ આપવાનું છે. ગાંધીજીના મતે કેળવણી એટલે હૈયું, હાથ અને હેડ આ ત્રણ એચની કેળવણી થકી માનવી યોગ્ય માર્ગે જીવન જીવી શકે છે. ૨૬મી જાન્યુઆરીના રોજ દેશનો ૭૭ મો પ્રજાસત્તાક દિવસ છે ત્યારે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ આવે છે તેના અનુસંધાને સ્કીલ, કૌશલ્ય, આવડત અને માનવતા નામની મહેક ફેલાવીએ તે જ સૌથી મોટી કેળવણી છે.
ર્સ્.૯૮૨૫૭૦૨૨૮૨








































