જસદણ તાલુકાના ખાંડા હડમતીયા ગામ નજીક આવેલ ખેતેશ્વર હોટેલ ખાતે તાલુકાના ૨૫ ગામના સરપંચોની એક ખાસ બેઠક મળી હતી. આ બેઠકમાં ઉપસ્થિત તમામ સરપંચોએ વિવિધ પડતર પ્રશ્નો અંગે ચર્ચા-વિચારણા કરી હતી. આ તકે જસદણ તાલુકાના તમામ ગામ લોકોના વિકાસના કામો સરળતાથી થાય અને સરકારી તંત્રના પાપે એકબીજાના કામો અટકાયેલા હોય જેનો વહેલી તકે ઉકેલ આવે તે બાબતે ખાસ ચર્ચાઓ કરવામાં આવી હતી. ઉપરાંત અટકાયેલા વિકાસના કામોને કઈ રીતે ફરીથી વેગ આપવો તે બાબતે પણ સરપંચો દ્વારા ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. વધુમાં જસદણ તાલુકાના સરપંચોની આ સંગઠન શક્તિમાં આવનારા દિવસોમાં કેમ વધારો થાય અને તાલુકાના તમામ સરપંચો ભેગા મળી એકબીજાને કેવી રીતે મદદરૂપ થશે તે બાબતે પણ ખાસ વિચાર-વિમર્શ કરવામાં આવ્યા હતા.