ભારતીય ઝડપી બોલર મોહમ્મદ શમી મંગળવારે પશ્ચિમ બંગાળમાં ચાલી રહેલી એસઆઇઆર (વિશેષ સઘન સમીક્ષા) પ્રક્રિયાના ભાગ રૂપે ચૂંટણી અધિકારીઓ સમક્ષ હાજર થયો. અધિકારીઓના જણાવ્યા અનુસાર, તેના મતદાર ગણતરી ફોર્મમાં કેટલીક અનિયમિતતાઓ મળી આવી હતી, જેના કારણે તેને સુનાવણી માટે સમન્સ પાઠવવામાં આવ્યું હતું.
શમી દક્ષિણ કોલકાતાના બિક્રમગઢ વિસ્તારની એક શાળામાં જરૂરી દસ્તાવેજા સાથે પહોંચ્યા અને સુનાવણીમાં ભાગ લીધો. રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારીના કાર્યાલયના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે તેમના ફોર્મમાં કેટલાક કોલમ ભરવામાં આવ્યા ન હતા અથવા તેમાં ભૂલો હતી, જેના કારણે પ્રક્રિયા જરૂરી બની.
ચૂંટણી પંચે માત્ર મોહમ્મદ શમીને જ નહીં પરંતુ તેમના ભાઈ મોહમ્મદ કૈફને પણ સુનાવણી નોટિસ જારી કરી છે. બંનેનો સમાવેશ કોલકાતા મ્યુનિસિપલ કોર્પોરેશનના વોર્ડ નંબર ૯૩ ની મતદાર યાદીમાં થાય છે, જે રશબિહારી વિધાનસભા મતવિસ્તાર હેઠળ આવે છે. એક અધિકારીના જણાવ્યા અનુસાર, “શમી પાછલા નિર્ધારિત દિવસે સુનાવણીમાં હાજર રહી શક્્યા ન હતા કારણ કે તેઓ વિજય હજારે ટ્રોફીમાં બંગાળનું પ્રતિનિધિત્વ કરતા રાજકોટમાં હતા. તેથી, તેમને નવી તારીખ આપવામાં આવી હતી.”
ઉત્તર પ્રદેશના વતની મોહમ્મદ શમી, તેમની ક્રિકેટ કારકિર્દીને કારણે ઘણા વર્ષોથી કોલકાતામાં રહે છે. તેઓ તેમના કોચની સલાહથી નાની ઉંમરે કોલકાતા ગયા. બાદમાં, બંગાળ રણજીના કેપ્ટન અને કોચ સંબરન બંદોપાધ્યાયના માર્ગદર્શન હેઠળ તેમની ક્રિકેટ કારકિર્દી દિશા પામી, અને તેમણે બંગાળ અંડર-૨૨ ટીમમાં સ્થાન મેળવ્યું. આજે, તેમના કારણે, શમી ભારતના ઝડપી બોલિંગ આક્રમણમાં એક મુખ્ય વ્યકિત છે.
પશ્ચિમ બંગાળ સહિત દેશભરમાં મતદાર યાદીઓ અપડેટ કરવા માટે ચૂંટણી પંચ એસઆઇઆર પ્રક્રિયા હાથ ધરી રહ્યું છે. આ સમયગાળા દરમિયાન, મતદાર ફોર્મમાં ભૂલો અથવા નવા સરનામા પર નામ ઉમેરવા જેવી પરિસ્થિતિ ઓમાં લોકોને સુનાવણી માટે બોલાવી શકાય છે.









































