અમદાવાદ શહેરની ક્રાઈમ બ્રાન્ચ અને ગુજરાત એટીએસના સંયુક્ત ઓપરેશનમાં એક મોટા આંતરરાજ્ય બાળ તસ્કરી રેકેટનો પર્દાફાશ થયો છે. આ કાર્યવાહીમાં પોલીસે એક નવજાત શિશુને સુરક્ષિત રીતે બચાવી લીધો છે અને બાળ તસ્કરીમાં સંડોવાયેલા ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આ ગેરકાયદેસર રેકેટ ગુજરાત, તેલંગાણા અને ઉત્તર પ્રદેશ સુધી ફેલાયેલું હતું.
ગુજરાત એટીએસને મળેલી ચોક્કસ બાતમીના આધારે ૨૮ જાન્યુઆરી, ૨૦૨૬ના રોજ અમદાવાદ શહેરની ક્રાઈમ બ્રાન્ચે કાર્યવાહી હાથ ધરી હતી. આ બાતમી મુજબ નવજાત બાળકની ગેરકાયદેસર હેરાફેરી માટે એક વાહન અમદાવાદ એરપોર્ટ તરફ જઈ રહ્યું હતું. માહિતી મળતા જ ક્રાઈમ બ્રાન્ચની ટીમે એરપોર્ટ બાઉન્ડ્રી વોલ પાસે કોતલપુર પમ્પીંગ  સ્ટેશન નજીક વોચ ગોઠવી હતી. વોચ દરમિયાન હિંમતનગર તરફથી એરપોર્ટ તરફ આવી રહેલી સફેદ રંગની મારુતિ અર્ટિગા કારને અટકાવી તપાસ કરવામાં આવી હતી. કારમાં સવાર શખ્સોની તપાસ દરમિયાન એક નવજાત શિશુ મળી આવ્યું હતું. પોલીસ દ્વારા તાત્કાલિક બાળકને સુરક્ષિત રીતે બહાર કાઢી યોગ્ય સંભાળ માટે કાર્યવાહી કરવામાં આવી હતી.
પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે આરોપીઓએ આ નવજાત બાળકને હિંમતનગર નજીકથી લાખો રૂપિયાની રકમમાં ખરીદ્યું હતું. ત્યારબાદ તેને હૈદરાબાદ લઈ જઈ વેચવાની યોજના બનાવી હતી. પૂછપરછ દરમિયાન બાળ તસ્કરી માટે એક સુવ્યવસ્થિતિ અને સંગઠિત નેટવર્ક કાર્યરત હોવાનું પણ સામે આવ્યું છે.
આ સમગ્ર કાર્યવાહી અંગે ક્રાઈમ બ્રાન્ચના એસીપી ભરત પટેલે જણાવ્યું હતું કે, “ગુજરાત છ્‌જી પાસેથી મળેલી ચોક્કસ માહિતીના આધારે સમયસર કાર્યવાહી કરી નવજાત શિશુને સુરક્ષિત રીતે બચાવી શકાયું છે. આ કેસમાં ઝડપાયેલા આરોપીઓ સામે બાળ તસ્કરી સહિતની ગંભીર કલમો હેઠળ કાર્યવાહી કરવામાં આવી રહી છે. પ્રાથમિક તપાસમાં આંતરરાજ્ય સ્તરે કાર્યરત એક સંગઠિત રેકેટ હોવાનું સ્પષ્ટ થયું છે. ભરત પટેલે વધુમાં જણાવ્યું હતું કે, “આ રેકેટમાં સંડોવાયેલા અન્ય વચેટિયાઓ અને રાજ્ય બહારના સંપર્કોની ઓળખ માટે તપાસ ચાલુ છે. બાળ તસ્કરી જેવા ગંભીર ગુનામાં સંડોવાયેલા કોઈને પણ બક્ષવામાં આવશે નહીં.