હાલ ક્રિકેટનો તહેવાર એટલે કે આઈપીએલ ૨૦૨૪ ચાલી રહ્યો છે અને આઇપીએલ૨૦૨૪ ની ૪૨મી મેચમાં, પંજાબ કિંગ્સે કોલકાતા નાઈટ રાઈડર્સને ૮ વિકેટે હરાવીને તેમની ત્રીજી જીત નોંધાવી હતી.
ઈડન ગાર્ડન સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં કેકેઆરએ પ્રથમ બેટિંગ કરીને ૨૬૧ નો જંગી સ્કોર બનાવ્યો હતો. જવાબમાં પંજાબ કિંગ્સની ટીમે જાની બેયરસ્ટોની સદી (૧૦૮*)ની મદદથી ૧૮.૪ ઓવરમાં લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. આ સાથે જ ઈડન ગાર્ડન સ્ટેડિયમમાં એવો રેકોર્ડ નોંધાયો જે આજ સુધી આઈપીએલ તો શું ટી૨૦ ક્રિકેટની હિસ્ટ્રીમાં નહતું થયું.
કોલકાતા નાઈટ રાઈડર્સ અને પંજાબ કિંગ્સ વચ્ચેની આ મેચમાં આઈપીએલની સાથે ટી૨૦ના ઈતિહાસમાં સૌથી મોટો રન ચેઝ થયો હતો. પંજાબ કિંગ્સે આ રન ચેઝ સાથે સાઉથ આફ્રિકાનો રેકોર્ડ પણ તોડી નાખ્યો હતો. જાણીતું છે કે આફ્રિકન ટીમે ૨૦૨૩માં સેન્ચુરિયનમાં વેસ્ટ ઈન્ડીઝ સામેની મેચમાં ૨૫૯ રન બનાવીને જીત મેળવી હતી. ૨૦૨૩માં જ, મિડલસેક્સે ટી૨૦ બ્લાસ્ટ ટૂર્નામેન્ટમાં ૨૫૩ રન બનાવીને સરે સામેની મેચ જીતી હતી. ૨૦૧૮માં ઓકલેન્ડમાં ઓસ્ટ્રેલિયાએ ન્યૂઝીલેન્ડ સામે ૨૪૪ રન બનાવીને મેચ જીતી હતી.
૧૫ એપ્રિલે બેંગલુરુમાં ઇઝ્રમ્ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચેની મેચમાં બનાવેલા ૫૪૯ રન પછી શુક્રવારે ઈડન ગાર્ડન્સમાં કેકેઆર અને પંજાબ કિંગ્સ દ્વારા બનાવવામાં આવેલ કુલ ૫૨૩ રન ટી ૨૦માં બીજા મોટો મેચ સ્કોર છે. જાણીતું છે કે ૨૭ માર્ચના રોજ મુંબઈ અને એસઆરએચ વચ્ચેની મેચમાં, કુલ ૫૨૩ રન બન્યા હતા.
પંજાબ કિંગ્સે એમની ઇનિંગમાં ૨૪ સિક્સર ફટકારી હતી, જે આઇપીએલમાં કોઈપણ ટીમ દ્વારા ફટકારવામાં આવેલી આ સૌથી વધુ સિક્સર છે. આ સાથે જ કોલકાતા અને પંજાબના બેટ્‌સમેનોએ મળીને મેચમાં ૪૨ સિક્સર ફટકારી હતી. જે મેન્સ ટી ૨૦ ઈતિહાસમાં સૌથી વધુ છગ્ગા છે. આ પહેલા આઈપીએલની આ જ સિઝનમાં સનરાઈઝર્સ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે રમાયેલી મેચ દરમિયાન ૩૮ સિક્સર ફટકારવામાં આવી હતી. આરસીબી અને સનરાઇઝર્સ વચ્ચેની મેચમાં ૩૮ સિક્સર પણ ફટકારવામાં આવી હતી