ઉમરાળા તાલુકાના જાળીયા ગામ પાસે ૬ માર્ચની મોડી રાત્રે એક હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો હતો.
લીમડા ગામથી પરત ફરી રહેલા ત્રણ મિત્રો સવાર હતા તે બુલેટના ચાલક સદામખાન પઠાણે શ્રીજી વોટર પાર્ક પાસે સ્ટેયરિંગ પરનો કાબૂ ગુમાવતા મોટરસાઈકલ જોરભેર રોડના ડિવાઈડર સાથે અથડાયું હતું. આ પ્રચંડ ટક્કરને કારણે બુલેટ પર સવાર ત્રણેય યુવાનો રોડ પર ફંગોળાયા હતા. આ ગંભીર દુર્ઘટનામાં કમલેશ ડાભી અને સદામખાન પઠાણ નામના બે યુવાનોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા. જ્યારે અન્ય એક મિત્ર સંજયભાઈ ઉર્ફે હકો સોલંકી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા તેને વધુ સારવાર અર્થે અમરેલીની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આ બનાવ અંગે મૃતક કમલેશના ભાઈ રવિ ડાભીએ ઉમરાળા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.










































