ઉના તાલુકાના નાંદરખ ગામમાં દારૂનું વેચાણ બંધ કરાવવા ગયેલી પોલીસ ટીમ પર હુમલો થયો હતો. આ ઘટનામાં ફરજમાં રુકાવટ અને જાતિવાચક અપશબ્દો બોલવા બદલ મહિલાઓ સહિત પાંચ લોકો સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. જિલ્લા કંટ્રોલ રૂમમાં નાંદરખ ગામના અનિરુદ્ધસિંહે દારૂના વેચાણ અંગે જાણ કરતા સનખડા આઉટપોસ્ટના છજીં પરસોતમભાઈ ખુમાણ અને પોલીસ કોન્સ્ટેબલ અક્ષયભાઈ જાની ઘટનાસ્થળે પહોંચ્યા હતા. પોલીસ દારૂ વેચાણના સ્થળે પહોંચે તે પહેલા અનિરુદ્ધસિંહ કરણસિંહ ગોહિલ, અજીતસિંહ કરણસિંહ ગોહિલ, અજીતસિંહના પત્ની દક્ષાબા, વંદનાબા અને અજીતસિંહની માતા જેમબા સહિત પાંચ શખ્સોએ પોલીસ સાથે ઝપાઝપી કરી હતી. આરોપીઓએ જણાવેલ કે અમારા વિસ્તારમાં અનુસુચિત સમાજ ના લોકો દારૂ પીવા આવવા ના જોઈએ તે સમયે છજીં પરસોતમભાઈએ પોતે પણ તે જ જ્ઞાતિના હોવાનું જણાવી આવા શબ્દો ન બોલવા વિનંતી કરી હતી, પરંતુ આરોપીઓ વધુ ઉશ્કેરાયા હતા. અનિરુદ્ધસિંહ અને અજીતસિંહે ફરજ પરના પોલીસકર્મીનો કોલર પકડી બિભત્સ ગાળો આપી હતી. કોન્સ્ટેબલ અક્ષયભાઈને પણ અપશબ્દો બોલવામાં આવ્યા હતા. ત્યારબાદ દક્ષાબા, વંદનાબા અને જેમબાએ પોલીસની હાજરીમાં ધમકી આપી હતી કે, ‘કયો પોલીસવાળો અમારા ગામમાં પગ મૂકે છે અને અમને લેવા આવે છે, તેને અમે જોઈ લઈશું’ તેમ કહ્યું હતું. આ ઘટનામાં ફરજમાં રુકાવટ ઊભી કરવામાં આવી હતી.