લોકસભા ચૂંટણીના બીજા તબક્કા હેઠળ આવતીકાલે તા. ૨૬ એપ્રિલે ૧૩ રાજ્યોની ૮૮ બેઠકો પર કડક સુરક્ષા બંદોબસ્ત વચ્ચે મતદાન હાથ ધરવામાં આવશે ૨૬ એપ્રિલે કેરળની તમામ ૨૦ સીટ પર, કર્ણાટકની ૨૮ સીટોમાંથી ૧૪ સીટ પર, રાજસ્થાનમાં ૧૩ સીટ પર, મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશમાં ૮-૮ સીટો પર, મધ્યપ્રદેશની ૭ સીટ પર, આસામ અને બિહારમાં ૫-૫ સીટ પર મતદાન થશે, જયારે છત્તીસગઢ અને પશ્ચિમ બંગાળમાં ૩-૩ બેઠકો પર અને મણિપુર, ત્રિપુરા અને જમ્મુ-કાશ્મીરમાં ૧-૧ બેઠક પર મતદાન થશે. જણાવી દઈએ કે લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કા હેઠળ ૧૯ એપ્રિલે ૨૧ રાજ્યોની ૧૦૨ બેઠકો પર મતદાન થયું હતું, જેમાં લગભગ ૬૫.૫ ટકા મતદાન થયું હતું.
બીજા તબક્કામાં અનેક દિગ્ગજાની પ્રતિષ્ઠા દાવ પર લાગી છે. તેમાં કેન્દ્રીય મંત્રી રાજીવ ચંદ્રશેખર (તિરુવનંતપુરમ), બીજેપી નેતા તેજસ્વી સૂર્યા (કર્ણાટક), મથુરાથી હેમા માલિની, મેરઠથી અરુણ ગોવિલ, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી (વાયનાડ), તિરુવનંતપુરમથી શશિ થરૂર, કર્ણાટકના ડેપ્યુટી સીએમ ડીકે શિવકુમારના ભાઈ ડી.કે. સુરેશ (કોંગ્રેસ) અને કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી એચડી કુમારસ્વામી (જેડીએસ) સામેલ છે.
બીજા તબક્કાની ૮૮ બેઠકોમાંથી ગઈ વખતની ચૂંટણીમાં, એનડીએએ ૬૧ બેઠકો જીતી હતી અને યુપીએએ ૨૪ બેઠકો જીતી હતી, જ્યારે અન્યોએ ત્રણ બેઠકો જીતી હતી. બીજા તબક્કાનાં મતદાનમાં જનતા ૨ કેબિનેટ મંત્રી અને ૪ રાજ્ય મંત્રીઓનું ભાવિ નક્કી કરશે. આ તબક્કામાં ૨૯ બેઠકો એવી છે જ્યાં ભાજપ ક્યારેય જીતી શકી નથી. તેમાંથી કેરળમાં સૌથી વધુ ૨૦ સીટો છે. ઉત્તર પ્રદેશની વાત કરીએ તો, બીજા તબક્કામાં આઠ બેઠકો પર મતદાન થવાનું છે, જેમાંથી ૭ બેઠકો ગઈ વખતે ૨૦૧૯માં ભાજપ પાસે જ હતી.
ચૂંટણી પંચ દ્વારા અગાઉ જાહેર કરાયેલા કાર્યક્રમ અનુસાર બીજા તબક્કામાં કુલ ૮૯ બેઠકો પર મતદાન થવાનું હતું, પરંતુ મધ્યપ્રદેશની બેતુલ બેઠક પર બસપા ઉમેદવારના મૃત્યુ બાદ અહીં ચૂંટણી ત્રીજા તબક્કામાં ખસેડવામાં આવી હતી. જેના કારણે હવે બીજા તબક્કામાં કુલ ૮૮ બેઠકો પર મતદાન થશે .બીજા તબક્કામાં ક્યા રાજ્યની કઇ બેઠક પર મતદાન યોજાશે તેમાં ત્રિપુરા- ત્રિપુરા પૂર્વ,જમ્મુ કાશ્મીર- જમ્મુ લોકસભા,પશ્ચિમ બંગાળ- દાર્જિલિંગ, રાયગંજ અને બાલૂરઘાટ, આસામ- દર્રાંગ-ઉદાલગુરી, ડિફૂ, કરીમગંજ, સિલચર અને નૌગાંવ,બિહાર- કિશનગંજ, કટિહાર, પૂર્ણિયા, ભાગલપુર અને બાંકા,છત્તીસગઢ- રાજનાંદગાંવ, મહાસમુંદ અને કાંકેર,મધ્ય પ્રદેશ- ટીકમગઢ, દમોહ, ખજુરાહો, સતના, રીવા અને હોશંગાબાદ,મહારાષ્ટિ- બુલઢાણા, અકોલા, અમરાવતી, વર્ધા, યવતમાલ, વાશિમ, હિંગોલી, નાંદેડ અને પરભણી,ઉત્તર પ્રદેશ- અમરોહા, મેરઠ, બાગપત, ગાઝિયાબાદ, ગૌતમબુદ્ધનગર, બુલંદશહેર, અલીગઢ અને મથુરા, રાજસ્થાન- ટોંક-સવાઇ માધોપુર, અજમેર, પાલી, જાધપુર, બાડમેર, જાલોર, ઉદયપુર, બાંસવાડા, ,ચતૌડગઢ, રાજસમંદ, ભીલવાડા, કોટા અને ઝાલાવાડ-બારા,કર્ણાટક- ઉડુપી-ચિકમગલૂર, હાસન, દક્ષિણ કન્નડ, ચિત્રદુર્ગ, તુમકુર, માંડ્યા, મૈસૂર, ચામરાજનગર, બેંગલુરૂ ગ્રામીણ, બેંગલુરૂ ઉત્તર, બેંગલુરૂ સેન્ટ્રલ, બેંગલુરૂ દક્ષિણ, ચિકબલ્લાપુર અને કોલાર,કેરળ- કાસરગોડ, કન્નૂર, વડકરા, વાયનાડ, કોઝિકોડ, મલ્લપુરમ, પોન્નાની, પલક્કડ, અલાથુર, ત્રિશૂર, ચલાકુડી, એર્નાકુલમ, ઇડુક્કી, કોટ્ટાયમ, અલાપ્પુઝા, મવેલ્લીકારા, પથાનમથિટ્ટા, કોલ્લમ, અટ્ટિંગલ અને તિરૂઅનંતપુરમનો સમાવેશ થાય છે બીજા તબક્કાના મતદાનમાં ઘણા દિગ્ગજ નેતાઓનું ભાવિ દાવ પર છે, જેમાં ભાજપના પ્રહલાદ જાશી, હેમા માલિની, ઓમ બિરલા, અરુણ ગોવિલ, નવનીત રાણા, મહેશ શર્માનો કોંગ્રેસના શશિ થરૂર અને રાહુલ ગાંધીની બેઠકો પર પણ બીજા તબક્કામાં મતદાન થશે. શશિ થરૂર તિરુવનંતપુરમથી અને રાહુલ ગાંધી કેરળના વાયનાડથી ચૂંટણી લડી રહ્યા છે.
બીજા તબક્કામાં, યુપીની જે ૮ લોકસભા બેઠકો પર ૨૬ એપ્રિલે મતદાન થવાનું છે તેમાં અમરોહા, મેરઠ, બાગપત, ગાઝિયાબાદ, ગૌતમ બુદ્ધ નગર, બુલંદશહર, અલીગઢ અને મથુરાનો સમાવેશ થાય છે. બીજા તબક્કાના મતદાનમાં ૯૧ ઉમેદવારોનું ભાવિ નક્કી થશે.
યુપીમાં એનડીએ, ઇનડીયા બ્લોક અને બહુજન સમાજ પાર્ટી વચ્ચે ત્રિકોણીય મુકાબલો થશે. જેમાં તમામ રાજકીય પક્ષોના વરિષ્ઠ નેતાઓ ચૂંટણી પ્રચારમાં ભાગ લઈ રહ્યા છે. જ્યાં એક તરફ વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહ મંત્રી અમિત શાહ, રક્ષા મંત્રી રાજનાથ સિંહ અને મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથે સત્તારૂઢ એનડીએ માટે પ્રચાર કર્યો, તો બીજી તરફ સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવ, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી, બસપા પ્રમુખ માયાવતી અને રાષ્ટિય લોક દળના વડા જયંત સિંહે તેમની પાર્ટીના ઉમેદવાર માટે પ્રચાર કર્યો હતો
બીજા તબક્કામાં યુપીની જે આઠ બેઠકો પર મતદાન થઈ રહ્યું છે તેમાંથી ભાજપે ૨૦૧૯ની ચૂંટણીમાં ૭ બેઠકો જીતી હતી, જ્યારે અમરોહામાં બસપાનો વિજય થયો હતો. અમરોહાના સાંસદ દાનિશ અલી આ બેઠક પરથી ઇનડીયા બ્લોકના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યા છે.