આગામી ૨૬ ફેબ્રુઆરીથી ૧૮ માર્ચ, ૨૦૨૬ દરમિયાન યોજાનારી ધોરણ ૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષાઓ સંદર્ભે રાજ્ય અને જિલ્લા કક્ષાએ વહીવટી તંત્ર સજ્જ બન્યું છે. તાજેતરમાં શિક્ષણમંત્રી ડા. પ્રદ્યુમન વાજા અને શિક્ષણ રાજ્યમંત્રી શ્રીમતી રીવાબા જાડેજાના અધ્યક્ષ સ્થાને વર્ચ્યુઅલ સમીક્ષા બેઠક યોજાઈ હતી, જેમાં પરીક્ષાના સુચારું સંચાલન અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. સંવેદનશીલ કેન્દ્રો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને મેટલ ડિટેક્ટરની વ્યવસ્થા કરવી, વિદ્યાર્થીઓની સુવિધા માટે એસ.ટી. વિભાગ દ્વારા વધારાની બસો દોડાવવી, પરીક્ષા દરમિયાન પીજીવીસીએલ દ્વારા અવિરત વીજ પુરવઠો અને આરોગ્ય વિભાગ દ્વારા મેડિકલ ટીમ તૈનાત રાખવી, તમામ કેન્દ્રો સીસીટીવીથી સજ્જ રાખવા અને કંટ્રોલ રૂમ દ્વારા સતત મોનિટરિંગ કરવા અંગે ચર્ચા થઈ હતી. જિલ્લા શિક્ષણાધિકારી એમ.બી. ગોહિલે ખાતરી આપી હતી કે પરીક્ષા પારદર્શક અને શાંતિપૂર્ણ માહોલમાં લેવાય તે માટે તંત્ર સજ્જ છે. આ બેઠકમાં વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.









































