આગામી સમયમાં ગુજરાતમાં લોકસભાની ચૂંટણી યોજાવાની છે જેમાં દરેક મુદ્દાની સાથે રાજયમાં બહેન-દીકરીઓ સલામત છે તેમ રાજયના મંત્રીઓ અને નેતાઓ પોતાના ભાષણમાં બણગા ફૂંકતા હોય છે ત્યારે તાજેતરમાં જ અમરેલીની કોમર્સ કોલેજના પટાંગણમાં માથાભારે વિદ્યાર્થીએ કોલેજની જ વિદ્યાર્થિની સાથે છેડતી કરી માર મારવાની ઘટના બનતા સમગ્ર ગુજરાત દીકરીઓની સલામતીને લઈ શર્મસાર બન્યુ છે. જા કે આ ઘટનામાં કોલેજ પ્રશાસન અને પોલીસની નબળી કામગીરીથી લુખ્ખાઓ અને આવારા તત્વો બેફામ બન્યા છે. અમરેલીમાં થોડા દિવસ પહેલા બનેલી ઘટના પર નજર ફેરવીએ તો અમરેલીના લાઠી રોડ ઉપર આવેલી કે.કે. પારેખ કોમર્સ કોલેજમાં હાલ પરીક્ષાઓ ચાલી રહી છે, ત્યારે વિદ્યાર્થી દ્વારા એક વિદ્યાર્થિનીને કોલેજ કેમ્પસમાં જાહેરમાં માર માર્યો હતો. વિદ્યાર્થિનીને માર મારી વાળ પકડીને નીચે પટકી હતી. જેથી ચકચાર મચી છે. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ છે. આ ઘટનાના ખૂબ ઘેરા પ્રત્યાઘાત પડ્‌યા હતા.કોલેજ કેમ્પસમાં વિદ્યાર્થીએ એક વિદ્યાર્થિનીને માર માર્યો હતો. આ ઘટના સમયે વિદ્યાર્થિનીની મિત્ર વચ્ચે પડતાં તેને પણ આ યુવકે માર માર માર્યો હતો. જે બાબતની ફરિયાદ ભોગ બનનાર વિદ્યાર્થિનીએ અમરેલી સિટી પોલીસમાં નોંધાવી છે. જેથી ફરિયાદને આધારે પોલીસે વિદ્યાર્થીને ઝડપી પાડી વધુ પૂછપરછ હાથ ધરી છે. આ ઘટની પોલીસ ફરિયાદ નોંધાઈ છે પરંતુ આ ઘટનાથી વિદ્યાર્થિનીઓમાં રીતસરનો ડર ફેલાયો છે. વિદ્યાર્થિનીઓ કોલેજમાં આવતા પણ ડરી રહી છે. એક બાજુ રાજય સરકાર “બેટી બચાવો બેટી પઢાવો”ના સૂત્રનો અમલ કરવા માટે જણાવી રહી છે ત્યારે ગુજરાતમાં દીકરીઓ સલામત નથી તે આ ઘટના પરથી સાબિત થાય છે. અમરેલીમાં દરેક શહેરોમાંથી અંદાજે પાંચ હજાર કરતા વધારે વિદ્યાર્થિનીઓ અભ્યાસ માટે આવે છે. પોતાની દીકરી ઉચ્ચ અભ્યાસ કરી પોતાના પરિવારનું નામ રોશન કરે તેવી આશા વાલીઓ સેવતા હોય છે ત્યારે બસ સ્ટેશનથી લઈ કોલેજ સુધી વિદ્યાર્થિનીઓ ઘણીવાર અસલામતી અનુભવતી હોય છે. કોમર્સ કોલેજમાં આવી હિચકારી ઘટના બનતા વિદ્યાર્થિનીઓમાં રીતસરનો ભયનો માહોલ છવાયો છે. અમરેલી પોલીસમાં શી ટીમ કાર્યરત છે કે કેમ? તે પણ એક સવાલ છે. જા આ બાબતે પોલીસ કોઈ કડક કાર્યવાહી નહી કરે તો વિદ્યાર્થિનીઓની સલામતીનો પ્રશ્ન ઉદ્‌ભવશે. આ ઘટનાથી ગુજરાતમાં બહેન-દીકરીઓની સલામતીના બણગા ફૂંકતા નેતાઓને આવારા તત્વોએ પડકાર ફેંકયો છે.

પોલીસ પેટ્રોલિંગ કડક બનાવાશે: ડીવાયએસપી દેસાઈ
અમરેલીની કોમર્સ કોલેજમાં વિદ્યાર્થિનીને માર મારવાની ઘટના બની તેના અમરેલી સહિત સમગ્ર રાજયમાં ઘેરા પ્રત્યાઘાત પડયા છે. પોલીસે આરોપીને ઝડપી સખત કાર્યવાહી કરી છે. આ ઘટના બાદ ડીવાયએસપી ચિરાગ દેસાઈએ જણાવ્યું હતું કે, આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય તે માટે પોલીસ પેટ્રોલિંગ કડક બનાવવામાં આવશે. શી ટીમની તાત્કાલિક મદદ લેવામાં આવશે. જયારે કોઈ વિદ્યાર્થિની અસલામતી અનુભવે તો શાળા કે કોલેજ સંચાલકોને જાણ કરવી તથા પોલીસને પણ જાણ કરવી જેથી અટકાયતી પગલા લઈ શકાય. વિદ્યાર્થિનીઓ નિર્ભયપણે અભ્યાસ કરી શકે તે માટે પોલીસ સતર્ક રહેશે.

બસ સ્ટેશનમાં પણ પોલીસની ગેરહાજરીથી લુખ્ખાઓ બેફામ
અમરેલી શહેરમાં અભ્યાસ અર્થે ગામે-ગામથી વિદ્યાર્થિનીઓ અભ્યાસ અર્થે આવે છે. શાળા-કોલેજ છુટવાના સમયે બસ સ્ટેશનમાં વિદ્યાર્થિનીઓની ભારે ભીડ જાવા મળે છે. બસ સ્ટેશનમાં પોલીસની ગેરહાજરીને કારણે લુખ્ખાઓ બેફામ બન્યા છે. બસ સ્ટેશનમાં પણ વિદ્યાર્થિનીઓની છેડતીના બનાવો પણ ભૂતકાળમાં બનવા પામ્યા છે. જયાં સુધી દીકરી અભ્યાસ કરીને ઘરે ન પહોંચે ત્યાં સુધી વાલીઓ સતત ચિંતા અનુભવતા હોય છે. વિદ્યાર્થિનીઓની સલામતી માટે બસ સ્ટેશનમાં પણ પોલીસ મુકવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.