ગુજરાત હાઇકોર્ટમાં બરોડા ક્રિકેટ એસોસિએશન એટલે કે બીસીએની ચૂંટણીને લઈને ચાલી રહેલા વિવાદમાં મહત્વપૂર્ણ વળાંક આવ્યો છે. સિંગલ જજના ચુકાદા સામે દાખલ અપીલ પર સુનાવણી બાદ ડિવિઝન બેન્ચે વધુ સુનવણી ૧૪ એપ્રિલ સુધી મુલતવી રાખી છે.
કોર્ટએ સ્પષ્ટ કર્યું છે કે, ત્યાં સુધી સિંગલ જજ દ્વારા આપેલી વચગાળાની વ્યવસ્થા યથાવત રહેશે, એટલે કે હાલની બીસીએ કમિટી માત્ર દૈનિક કામકાજ સંભાળશે અને કોઈપણ નીતિગત અથવા મહત્વના નિર્ણયો લઈ શકશે નહીં. ઉપરાંત ચૂંટણીનું પરિણામ જાહેર કરવાની પર પણ રોક યથાવત રહેશે.
મૂળ કેસમાં વડોદરાના અરજદાર પ્રદિપસિંહ સોલંકી અને રામચંદ્ર પ્રજાપતિએ અરજી દાખલ કરી હતી. જેમાં બીસીસીઆઇ,બીસીએ સહિત પૂર્વ ક્રિકેટર કિરણ મોરે, અમુલ જીકાર, અનંત ઇન્દુલકર અને અમર પેટીવાલાને પક્ષકાર બનાવવામાં આવ્યા હતા.
અરજદારોનો આક્ષેપ હતો કે સુપ્રીમ કોર્ટના ૨૦૨૨ના ચુકાદા મુજબ ૯ વર્ષ સુધી હોદ્દા પર રહેનાર વ્યક્તિ ચૂંટણી લડવા અયોગ્ય બને છે, અને સતત બે ટર્મ બાદ ૩ વર્ષનો કૂલિંગ પિરિયડ ફરજિયાત છે. છતાં આ નિયમોનું પાલન કર્યા વગર ઉમેદવારોના નોમિનેશન સ્વીકારવામાં આવ્યા હતા.આ મામલે સિંગલ જજે પૂર્વ ક્રિકેટર કિરણ મોરે સહિતના ઉમેદવારોને ચૂંટણી લડવા અયોગ્ય જાહેર કર્યા હતા અને રિટ‹નગ ઓફિસરનો નિર્ણય રદ્દ કર્યો હતો.
બીજી તરફ બીસીએ દ્વારા દલીલ કરવામાં આવી હતી કે સુપ્રીમ કોર્ટના નિર્દેશો મુજબ મેમોરેન્ડમમાં ફેરફાર કરવામાં આવ્યા છે, અને ફરિયાદ માટે ઓમ્બુડ્સમેનની વ્યવસ્થા પણ છે. તેથી સીધી હાઈકોર્ટમાં અરજી ટકાઉ નથી. જાકે, હાઈકોર્ટે પ્રાથમિક દ્રષ્ટિએ નોંધ્યું હતું કે, મ્ઝ્રઝ્રૈં અને બીસીએ સંપૂર્ણપણે ખાનગી સંસ્થાઓ નથી અને તેઓ જાહેર હિત સાથે જાડાયેલા છે. તેથી ચૂંટણી પ્રક્રિયામાં ગેરરીતિઓ સામે કોર્ટ મૌન રહી શકે નહીં.
આ મામલે અરજદારના વકીલ ચિંતન પોપટે જણાવ્યું હતું કે, સુપ્રીમ કોર્ટના સ્પષ્ટ નિર્દેશો હોવા છતાં ચૂંટણી અધિકારીઓ દ્વારા નિયમોનું પાલન કરવામાં આવ્યું નથી. આ કેસમાં પારદર્શિતા અને કાયદાની પાલના સુનિશ્ચિત કરવી અત્યંત જરૂરી છે. કોર્ટ દ્વારા આપવામાં આવેલી વચગાળાની રાહતથી યોગ્ય પ્રક્રિયા જાળવવામાં મદદ મળશે. હવે આ સમગ્ર કેસમાં આગામી સુનાવણી ૧૪ એપ્રિલે થશે, જે બીસીએ ચૂંટણીના ભવિષ્ય માટે નિર્ણાયક સાબિત થઈ શકે છે.









































